બુધવાર, 28 માર્ચ, 2012

બાબરી સે શબરી: વાયા ગોધરા


બાવીસમી ફેબ્રુઆરી, 2006 ગુરુવારે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા બે મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા. એમના નામ હતા બંસી મચાર અને છગન મેણા. બંને આદિવાસી. અમદાવાદની આ દુર્ઘટનાના ૨૪ કલાક પછી વડોદરાની હનુમાન ટેકરી ખાતે હિન્દુત્વની ભેખડ નીચે નવ જણા ચગદાઈ મર્યા. એમાં પણ બે આદિવાસી હતા. શૈલેષ તડવી અને સુરેશ વસાવા.


શ્યામલ ચાર રસ્તા પર મરી ગયેલા આદિવાસી માતા શબરીના સંતાન હતા. શબરી બિચારી સ્વર્ગમાં બેઠી બેઠી કલ્પાંત કરતી હશે. બેસ્ટ બેકરી કેસમાં જન્મટીપની સજા પામેલા આદિવાસીઓ પણ શબરીના સંતાન હતા. કોઈ પણ સાચા હિન્દુને એમના માટે લાગણી થવી જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદે ગોધરા-કાંડ પછીના હુલ્લડોમાં હિન્દુત્વની રક્ષા માટે ખપી જનારા દલિત-આદિવાસીઓના પ્રત્યેક કુટુંબને રૂ. ૫૦ લાખ આપવા જોઈએ. હનુમાન ટેકરીની મુલાકાતે ગયેલા એક હિન્દુ બાવાએ જેનો પિતા જેલમાં છે એવા બાળકને રૂ.૫૦૦૦નો ચેક આપ્યો. શું આ શબરી માતાની મશ્કરી નથી? ગુજરાતની પાંચ કરોડ જનતાનું અપમાન નથી? મુખ્યપ્રધાન નેરન્દ્ર મોદીએ જાતે રૂ. ૫૦ લાખના ચેક લઈને હનુમાન ટેકરી જવું જોઈતું હતું. તમે કહશો, નરેન્દ્રભાઈ આટલા પૈસા ક્યાંથી લાવે? મોદી એમને મળેલી ભેટોની હરાજી કરાવીને તોષાખાનામાં જમા કરાવે છે. તેઓ તેમના કપડાની હરાજી કરાવી શકે છે. પછી તેઓ નિર્વસ્ત્ર ફરશે....! આ દેશમાં નાગા બાવાઓ પણ પૂજાય છે. અમે નરેન્દ્ર મોદીની પૂજા કરીશું.

ઇચ્છાધારી નાગની વાર્તા વિષે સાંભળ્યું છે? ચડ્ડીધારી નાગ વિષે સાંભળ્યું છે? એ જેને ડસે તેને હિન્દુત્વુનું ઝેર ચડે. દલિત-અદિવાસી જેવા નબળા મનના લોકોને તો આ ઝેર જલ્દી ચડે છે. આ ચડ્ડીધારી નાગ આમ તો ભાજપ નામના દરમાં રહે છે. પણ જરૂર પડયે એ કોંગ્રેસમાં પ્રગટ થાય છે, કમ્યુનિસ્ટોમાં પણ એમના કામણ પાથરે છે અને આપણી ઘણી એનજીઓમાં પણ બેઠા છે. આ કાળોતરા ચડ્ડીધારી નાગ. એ વેપારી મહામંડળમાં પણ છે. ને ગુજરાતી સાહિત્યમાં પરિષદમાં પણ છે. ૧૯૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના મુંબઈ અધિવેશનમાં રજિસ્ટ્રેશન ટાણે દરેક ડેલીગેટને ભગવા રંગના બગલથેલા ભેટ અપાયા હતા.

આજે દેશમાં ખાનગીકરણનો પવન ફૂંકાયો છે. અસંગઠિત ઉદ્યોગની બોલબાલા છે. ઈંટના ભઠ્ઠા, પાવર લુમ......... યાદી કેટલી લાંબી છે? છેલ્લે એક નવો ઉદ્યોગ ઉમેરાયો છે. હિન્દુત્વનો ઉદ્યોગ. દરેક ઉદ્યોગની જેમ આ ઉદ્યોગમાં પણ દલિતો-આદિવાસીઓનું ભયંકર શોષણ થાય છે. એમની કામગીરી તો જુઓ. કોઈ શીફ્ટ નહી. ચોવીસ કલાક, બારે મહિના હિન્દુત્વની ફેક્ટરી ધમધમતી રાખવા સંતોષીમા, દશામા, શબરી માતા બધાની પૂજા કરવાની. આસારામ, સચ્ચિદાનંદ, શ્રી શ્રી રવિશંકર, મુરારી બધાની કથાઓમાં ભક્તિભાવપૂર્વક જવાનું. મહોલ્લાઓના નાકે ગણેશચતુર્થીના દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદે મફતમાં આપેલી વીસ-પચીસ ફુટની સિદ્ધિ વિનાયક પ્રતિમા આગળ દિવસ-રાત આરતી ઉતારવાની ને નવરાશના સમયમાં દારૂ પીને, તલવારો લઈને મુસલમાનો સામે લડવાનું. કોઈ મોંઘવારી ભથ્થુ નહીં, ટી. એ. ડી. એ. નહીં. ટ્રેનોમાં મફત જવાનું કારસેવક બનીને. પાછા ફરતા રસ્તામાં સળગી મરવાનું ને હિન્દુત્વના તબીબ ડૉક્ટર તોગડિયાને દેહદાન કરવાનું. બી.જે. મેડીકલ કૉલજમાં તમે દેહદાન કરો તો, છોકરા-છોકરીઓ વાઢકાપ કરીને શરીર રચનાનું જ્ઞાન મેળવશે. ડૉ. તોગડિયાને તમે દેહદાન કરશો તો, તમારી લાશને કેસરી કફનમાં વીંટાળીને ટ્રક ઉપર ચડાવીને ‘જય શ્રી રામ'ના ગગનભેદી સૂત્રો સાથે અમદાવાદની સડકો પર ફેરવશે.

બાબરી સે શબરી:વાયા ગોધરા વિષય પર અમદાવાદના મહેંદી નવાઝ જંગ હૉલમાં આપેલા વક્તવ્યના અંશો. તા.૨૮.૨.૨૦૦૬ 

સોમવાર, 26 માર્ચ, 2012

એક હતા વલી ગુજરાતી

એક હતા વલી ગુજરાતી (1667-1707).
 ઉર્દૂમાં ગઝલો લખનાર પહેલા કવિ. ગુજરાત માટે
 એમને હતો બેહદ પ્યાર, એટલે કહેવાયા વલી
 ગુજરાતી.  જન્મ્યા ઔરંગાબાદમાં અને મૃત્યુ
પામ્યા અમદાવાદમાં, જ્યાં તેમની મજાર બની.
 2002માં મજાર તોડી નાંખવામાં આવી અને
 તેની બાજુમાં એક મંદિર બનાવવામાં આવ્યું

ભગવાનનું મંદિર હંમેશાં સ્વચ્છ જગ્યાએ
  હોય, પરંતુ પાગલ, કટ્ટરપંથીઓએ વલીની

 મજાર તોડ્યા પછી ઉકરડો ઠાલવવાના
એક ગંદા સ્થળે  હનુમાનનું મંદિર બનાવ્યું

આજે એ સ્થળ એક દલિત દંપતિના જીવન
નિર્વાહનો સ્રોત બન્યું છે. તેઓ આખો દિવસ
 ઉકરડાના ઢગલા વચ્ચે બેસે છે. દૂધની,
 પ્લાસ્ટિકની થેલીઓ વગેરે અલગ પાડીને
 થેલાઓમાં ભરે છે વેચવા માટે.

અમને જોઇને તેમના થાકેલા ચહેરાઓ પર
 સ્મિત ફરકી ગયું. તેમને ખ્યાલ આવી ગયો,
 કોઇક તો છે જે તેમના માટે લખવા આતુર છે
તેઓ છે જીવીબેન લેઉઆ અને તેમના પતિ.
તેઓ શાહીબાગમાં ઘોડા કેમ્પ ખાતે રહે છે.

તેમને જોયા તે જ ક્ષણે મને ખબર હતી

 કે તેઓ મારા લોકો છે. પરંતુ મેં પૂછ્યું,
"તમારી જાતિ શું છે", જીવીબહેને કહ્યું,
"ચમાર."
"શું તમારે કોઈ બાળકો નથી?", મેં

 પૂછ્યું, વૃદ્ધ માણસે જવાબ આપ્યો, 
"બે દીકરા હતા, મોટો દશામાના
 વિસર્જન સમયે નદીમાં તણાઈ ગયો.
  નાનો ખાડા 
ખોદવા જાય છે."

 
"અમારા માટે કશુંક લખજો"
"બીપીએલ કાર્ડ છે, પણ કશા
કામનું નથી
"

સંકટમોચન હનુમાનના માલિક-પૂજારીઓ
અભિષેક શાસ્ત્રી અને જોષી રમણલાલ
મંદિરે દિવસ દરમિયાન તાળુ
લટકતું હોય છે. પૂજારી શેરબજારમાં
ગયો હોય કે સિફિલિસની સારવાર
માટે ગયો હોય, કોને ખબર
!

એક તથ્ય દલિતો, આદિવાસીઓ, પછાત
જાતિઓને મુસ્લિમો સામે બ્રાહ્મણો
ઉશ્કેરે છે, તેમની મસ્જિદો, મજારો
તોડાવડાવે છે અને પછી ધર્મના
નામે ધંધો શરૂ કરે છે.
 

મંદિરની પાસે પાણીની ટાંકી, તેના
દાતા છે સ્વ. પ્રેમવતીબેન દામોદરદાસ
અગ્રવાલ. જાતે મારવાડી બનીયા, જેઓ
અમદાવાદના મુખ્ય કોમોડિટિઝ
બજારો કન્ટ્રોલ કરી રહ્યા છે, એવા
કરોડપતિ લોકો પૈકીના એક. 


(ફોટોગ્રાફસ - જયેશ સોલંકી)








શુક્રવાર, 23 માર્ચ, 2012

મલ્લિકા શેરાવતની નગ્નતા જેવો અતિનગ્ન પુરાવો




GNS (ગ્લોબલ ન્યૂઝ સર્વિસ)ની વેબસાઇટ પર 2012-03-02 15:59:43 સમયે નરેન્દ્ર મોદી અને ્ગુજરાતની છબી બગાડવાની કોશિશ એવા શીર્ષક હેઠળ એક લાંબો લચક લેખ લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સેક્યુલર મીડિયાનો મોટો વર્ગ (પ્રિન્ટ અને ટેલિવિઝન બંને) હાલના દિવસોમાં વર્ષગાંઠ મનાવી રહ્યા છે. વિડંબણા એ છે કે તે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની દસમી વરસી છે, જેને ભૂલીને સમાજ (હિંદુ અને મુસ્લિમો સહીત સમાજના બધાં અંગ) સતત ખુશહાલી અને પ્રગતિની રાહ પર અગ્રેસર છે. આ ઘટના સન્ 2002ના ગુજરાત હુલ્લડોની છે, જેને સેક્યુલર મીડિયા અને સ્વયંભૂ માનવાધિકાર સંગઠન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની છબી કલંકિત કરવા માટે દરેક મોકા પર ઉછાળતા આવ્યા છે.

વેબસાઇટના આ જ પાના પર એન્ટરટેઇનમેન્ટ વિભાગ દર્શાવવામાં આવ્યો છે. જેમાં મલ્લિકા શેરાવતની નગ્ન તસવીર છે. અને શેરાવતને ક્વોટ કરવામાં આવી છે, જેમાં તે કહે છે કે સેન્સર બોર્ડ સમાજનું કેન્સર છે. (વાહ) મોદીના ટેકેદારો પોતાના બચાવ માટે મલ્લિકા શેરાવતના નગ્ન શરીરનો સહારો લઈ રહ્યા છે તેનો આ નગ્ન પુરાવો છે. આવી માનસિકતા ધરાવતા લોકો 2002ના નરસંહારમાં થયેલા સામૂહિક બળાત્કારોને સમર્થન ના આપે તો જ નવાઈ....

સોમવાર, 19 માર્ચ, 2012

राजकारणनो भोजन समारंभ



જીવનમાં ક્યારેય કોઈ તો મોટા ભોજન સમારંભમાં તમે ગયા હશો. વિશાળ, આકર્ષક, ઝળહળતો હૉલ. એક તરફ સ્ટેજ પર દુલ્હા-દુલ્હન, બાજુમાં સંગીતના સૂર રેલાવતી ડાન્સપાર્ટી. ગીતોની છોળો વચ્ચે ઝૂમતા, ગાતા જાનૈયા. સામે ખૂણામાં ખાણી-પાણીના કાઉન્ટર્સ. એક એકથી ચડિયાતી વાનગીઓની સુગંધથી મઘમઘતું વાતાવરણ. દરવાજે અનિચ્છનીય લોકોને અટકાવવા માટે સિક્યોરિટીનો ચાંપતો બંદોબસ્ત.

આ પાર્ટી છે ગુજરાતનું હાલનું સત્તાકારણ-રાજકારણ. દુલ્હા છે નરેન્દ્રભાઈ મોદી. દુલ્હન વિષે મારે કઇં જ કહેવાનું નથી. જાનૈયા છે ભાજપના ધારાસભ્યો, હોદ્દેદારો, સમર્થકો અને લાભાર્થીઓ. હૉલની બહાર ઉભા છે અનિચ્છનીય લોકો એટલે કે મુસલમાનો. એમને અટકાવવા માટે દરવાજે ઉભા છે એમના જેવા જ તાકાતવર દલિત, આદિવાસી, બક્ષીપંચના લોકો, ઠાકોરો, દેવી-પૂજાકો, રબારીઓ વગેરે.

ગુજરાતના રાજકારણમાં મુસ્લિમ પ્રતિનિધિત્વને ખતમ થયે પચીસ વર્ષ વીતી ગયા. થોડીક હકીકતો, તથ્યો વાગોળી લઇએ. ૧૯૮૦માં ગુજરાતની છઠ્ઠી વિધાનસભામાં આઠ મુસ્લિમ ધારાસભ્યો ચુંટાયા હતા. આજે માત્ર ત્રણ ધારાસભ્યો મુસ્લિમ છે. વાંકાનેરમાં ૧૯૮૦માં પીરઝાદ મંજૂર હુસેન (કોંગ્રેસ) ચૂંટાયા હતા. આજે વાંકાનેરમાંથી ભાજપના જ્યોત્સના સોમાણી ચૂંટાયા છે. જામનગરમાં મહમદ હુસેન બલોચ હતા. આજે ત્યાં વસુબેન ત્રિવેદી છે. સિદ્ધપુરમાં શરીફભાઈ ભટીના સ્થાને બલવંતસિંહ રાજપૂત અને ગોધરામાં અબ્દુલરહીમ ખાલપાની જગ્યાએ હરેશ ભટ્ટ ચૂંટાયા છે. ઠાસરામાં યાસીન મિયાં મલેક હતા. આજે ભવાનસિંહ ચૌહાણ છે. ભરૂચના મહમદ પટેલ હવે ભૂતકાળ બની ચૂક્યા છે. ભરૂચની બેઠક પર રમેશ મિસ્ત્રી ચૂંટાયા છે. સૂરત (પશ્ચિમ)ની બેઠક પરથી ૧૯૮૦માં મહમદ સુરતી ચૂંટાયા હતા, આજે ત્યાંથી ભાવના ચપટવાલા ચૂંટાયા છે.

પચીસ વર્ષમાં મુસ્લિમોએ એમના છ ધારાસભ્યો ગુમાવ્યા. એમના સ્થાને નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં એક કોંગ્રેસી છે, સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત. બાકીની પાંચે પાંચ બેઠક ભાજપે અંકે કરી છે. આ છ બેઠકોનું જાતિ પ્રમાણે વિશ્લેષણ કરીએ, તો બે બ્રાહ્મણો, બે દરબારો (ઓબીસી નહીં), એક પટેલ, એક વણિક, એક મિસ્ત્રી ચૂંટાયા છે. આમાંની એક પણ બેઠક પર દલિત, આદિવાસી કે બક્ષીપંચનો માણસ ચૂંટાયો નથી. આ છે ભાજપના હિન્દુત્વનો રાજકીય અર્થ.

મુસલમાનોનું રાજકીય નુકશાન દલિતો, આદિવાસીઓ અને બક્ષીપંચ માટે રાજકીય ફાયદો નથી. મુસલમાનોની રાજકીય બાદબાકી થાય તો, એથી કંઈ દલિતો, આદિવાસીઓ અને બક્ષીપંચના લોકોનું રાજકીય પ્રભુત્વ વધતું નથી. મુસલમાનોની બરબાદીથી દલિત, આદિવાસી, બક્ષીપંચના લોકોએ હરખાવા જેવું નથી.

ગોધરા-કાંડ પછીના ત્રણ જ મહિના દરમિયાન અમદાવાદ શહેરમાં થયેલી ૨૯૪૫ ધરપકડોમાં ૧૫૦૦ મુસલમાન, ૭૪૭ દલિત અને ૭૫૭ બક્ષીપંચના લોકો હતા. માત્ર બે બ્રાહ્મણ, બે વાણિયા, ૧૧ પટેલો અને ૧૬ અન્ય સવર્ણો હતા. આ છે ભાજપનો અસલી ચહેરો. ભાજપના ભગવાને કેટલાક લોકોને ધારાસભામાં જવા માટે સર્જયા છે, તો કેટલાકને જેલમાં જવા માટે.

ગાલીબની જેમ આપણે કહેવું પડે,

હમેં માલૂમ હૈ હિન્દુત્વ કી હકીકત લેકીન
દલિતોં કો કટવાને, નરેન્દ્ર યહ ખયાલ અચ્છા હૈ.

પેલા ભોજન સમારંભને ફરી યાદ કરું. અંદર વાઈબ્રન્ટ ગુજરાતીઓની પાર્ટી ચાલે છે અને બહાર ચાલે છે હત્યાકાંડો. અંદર પતંગ-ઉત્સવો, ગરબા મહોત્સવો ચાલે છે અને બહાર દલિતો-આદિવાસીઓ-પછાતો, મુસલમાનો સાથે શેરીયુદ્ધમાં વ્યસ્ત છે. અંદર ગુજરાતની અસ્મિતાનો ભાંગરો વટાય છે, બહાર ગુજરાતીઓ લાજશરમ નેવે મૂકીને, નરાધમ બનીને સગર્ભા સ્ત્રીઓના ગર્ભ ત્રિશૂળથી ચીરવાના કાળા કામ કરે છે. અંદર રતિલાલ વર્મા નરેન્દ્ર મોદીના જૂતાને પાલીસ કરે છે બહાર એ જ નામનો છોકરો ચાની કીટલી પર માત્ર એક રૂપિયો લઈ લોકોના જૂતા સાફ કરે છે. અંદર ફકીરભાઈ વાઘેલા કુંવરબાઈનું મામેરું વહેંચે છે બહાર દલિત સમાજની કુંવરબાઈઓ મલ્ટીપ્લેક્સો અને કોમ્પલેક્સોમાં જાત તોડીને કચરાં પોતા કરે છે; ફાટેલી સાડીથી પોતાની દુબળી કાયા ઢાંકવાની મથામણ કરે છે અને એના ભાઇઓ રાજપુર-ગોમતીપુરમાં, દાણીલીમડામાં માથે કેસરિયા કફન બાંધીને, ધારિયા લઈને, મુસલમાનો સામે જંગે ચડે છે. હૉલની અંદર દિવંગત દલિતોની ઠાઠડીના ખર્ચા પેટે રૂ. ૧૫૦૦ સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ ચૂકવાય છે અને બહાર ગુજરાતના ગામે ગામ દલિતોની સ્મશાનભૂમિઓને માથાભારે સવર્ણ ગુન્ડાઓ દબાણ કરીને હડપ કરે છે.

હિન્દુત્વનો આ સાચો અર્થ છે. હિન્દુત્વ શું છે? રામાયણ-મહાભારતની વાર્તાઓ? કોઈ મુરારીની કથાઓ? ના, હિન્દુત્વ એટલે ઉપલી જાતિઓના ઉપલાં વર્ગોના  આર્થિક હિતોની રક્ષા કરવાની ઢાલ, કવચ, છત્ર. ચંદ્રકાંત બક્ષી નામના ચિતરી ચડે તેવા  કોમવાદી કટારલેખકે એટલે જ કહેલું કે backward caste is sword of Hinduism. પછાત જાતિઓ હિન્દુત્વની તલવાર છે. આ તલવાર હિન્દુ સમાજની મુઠ્ઠીભર ઉપલી જાતિઓના ઉપલા વર્ગોના આર્થિક હિતોની રક્ષા કરવા માટે વપરાય છે.

બ્રાહ્મણો બે હજાર વર્ષ પહેલાં બોલતા હતા:

આભિ: સ્પૃધો મિથતીરહિષજયન્ન મિત્રસ્ય મન્યુમિન્હ આમિર્વિશ્વા અભિપૂજો વિષૂચીરાર્યાય વિશોએવ તારીહોસ્ત:

અર્થાત્

"હે દેવ આ બધાથી (મંત્રોથી) એમને હરાવ. એ દુશ્મનોને, જે અમારી સામે લડે છે. અક્ષત રહીને, વેરીઓના ક્રોધને રોધ. અમારી પ્રાર્થનોઓ વડે, અમારા દુશ્મનોને દરેક દિશામાં નસાડી મૂક. દાસોની જાતિઓને આર્યોને તાબે આણ."

પછી એ ઇન્દ્ર દાસવર્ણને નીચે નમાવે છે અને ગુફાઓમાં હાંકી કાઢે છે.

યો દાસં વર્ણમધરં ગુહાક:

આજે દાસવર્ણને સ્થાને મુસલમાન છે. ઇન્દ્રના સ્થાને નરેન્દ્ર છે. નવો શ્લોક આવો છે:

"અને પછી એ નરેન્દ્ર મુસલમાનોને નીચે નમાવે છે અને જુહાપુરામાં હાંકી કાઢે છે."

હિન્દુત્વ એટલે માર્કેટીંગ. અમદાવાદના રીલીફ રોડ પર ગંગારામ ચેમ્બર્સમાં સંત આશારામ સ્ટોર્સ છે. ક્યારેક સમય મળે તો એની મુલાકાત લેજો. સ્ટોર્સમાં એક અર્ધનગ્ન સ્ત્રીને આગોશમાં લઈને ઉભેલા એવા જ એક અર્ધનગ્ન યુવાનનું ચિત્ર છે. બાજુમાં જ બ્રેસિયરની જાહેરાત કરતી મૉડલ યુવતીના સેક્સી અપીલ ધરાવતા પોસ્ટર્સ ટીંગાડેલા છે. અહીં બ્રા, પેન્ટીક, નીકર્સ, ઘાઘરા, ગાઉન બધું જ વેચાય છે. અમદાવાદમાં સંત આશારામ સ્ટોર્સમાં લોકોને બ્રા, પેન્ટીઝ વેચવાના ને ડાંગના આદિવાસીને વેચવાનું હિન્દુત્વ. જ્યાં જે માલ ખપે ત્યાં તે વેચવાનો. (આ લખાયા પછી હાલ સંત આશારામ સ્ટોર્સનું નામ બદલાઈ ગયું છે.)

આ છે હિન્દુત્વનું માર્કેટિંગ. માર્કેટિંગ તો એનજીઓવાળા પણ કરે છે. આજથી દસ વર્ષ પહેલાં આજની તારીખે માથે મેલું ઉપાડવાની પ્રથા અંગે કોઈ અખબારી વૃતાંત આવ્યો હોય, તો આજે એની યાદમાં ‘માથે મેલુ નાબૂદી દિવસ' જાહેર કરવો. માર્કેટીંગનો આ પણ એક પ્રકાર છે. પણ હિન્દુત્વનું માર્કેટિંગ આટલું નિર્દોષ, નિરુપદ્રવી, બચકાના નથી. હિન્દુત્વનું માર્કેટીંગ આથી વિશેષ ઉપદ્રવી, ઘાતક અને કાતિલાના છે. એ આપણી એનજીઓના માર્કેટિંગની જેમ પોલીસ્ડ, સેફિસ્ટીકેટેડ નથી. એમાં આવા સેમીનાર, સિમ્પોઝિયમ, ચર્ચાગોષ્ઠિઓ થતાં નથી. એમાં તો સરેઆમ, ચોકઠા વચ્ચે ત્રિશૂળો ઉંચા કરીને કહેવાતી ધર્મ-રક્ષાના શપથ લેવાય છે.

(તા. ૧૨ માર્ચ, ૨૦૦૬. અમદાવાદમાં ગુજરાત સામાજિક મંચના ઉપક્રમે અમન સમુદાય આયોજિત સંમેલનમાં આપેલા વક્તવ્યના કેટલાક અંશો)
    


બુધવાર, 7 માર્ચ, 2012

गांधीनगरनो गप्पीदास, वांझीयो विकास अने दलितो



આજકાલ એક નવલકથા પર કામ કરી રહ્યો છું. વ્હાઇટ એલીફન્ટ એન્ડ અધર સ્ટોરીઝ ફ્રોમ ગુજરાત. આ ઓક્સફર્ડનો કોઈ પ્રોજેક્ટ નથી. એટલે વરસમાં પૂરો થશે જ એવું હું કહી ના શકું. પણ મને હાથીમાં રસ છે. એ બહુજન સમાજ પાર્ટીનું ચૂંટણી પ્રતીક છે એટલા પૂરતું નહીં. હાથી અંગે ઘણી કલ્પનાઓ નાનપણથી ચિત્તમાં જડાયેલી છે. નાનપણમાં આબાદ ડેરીનો ખટારો અમારા મહોલ્લા પાસેથી પસાર થાય ત્યારે અમે બોલતા, હાથી આવ્યો, હાથી આવ્યો. કશુંક કદાવર હોય, તોતીંગ હોય એને હાથી કહેવાય એવી અમારી સમજ હતી. પછી સરકાર, લોકશાહી, યોજનાઓ, અમલદારો, બધા વિષે જાણકારી વધતી ગઈ તેમ તેમ હાથી પાળવો એટલે શું એ અમને સમજાતું ગયું.

છ કરોડ ગુજરાતીઓએ એક હાથી પાળ્યો છે. દસ વર્ષથી. આ હાથી માઇન્ડબ્લોઇંગ (મગજ બહેર મારી જાય તેવી?) વાતો કરે છે. આગામી એક જ વર્ષમાં ગુજરાત દેશને વીજળી પૂરી પાડશે. ગુજરાત અમેરિકા સાથે સ્પર્ધા કરશે. વગેરે વગેરે. કોંગ્રેસના રાજમાં એસસી, એસટી, ઓબીસી, બક્ષી પંચ, અનામતો, ગરીબી, આવા ગંદા ગંદા શબ્દો સાંભળી સાંભળીને કંટાળી ગયેલી ગુજરાતની ડાયનેમિક, વાઇબ્રન્ટ સવર્ણ પ્રજાને હાથીની વાતોમાં એવી તો મજા પડી ગઈ છે કે વાત જ ના પૂછો.

હમણાં હાથી ઉપવાસ પર બેઠો. (હસવું આવે છે, નહીં?) હાથી અને ઉપવાસ. પણ આ હાથી હવે ગાંધીવાદી થયો છે. ગાંધીજીની જેમ હાથીની પણ પબ્લિક લાઇફ છે. હોય દરેક હાથીની હોય. આ દેશમાં માત્ર પબ્લિકની જ લાઇફ નથી.

ખેર, હાથીએ એના પગ નીચે કચડાઈ ગયેલા ક્ષુલ્લક જીવોની યાદમાં (એના દાવા પ્રમાણે) 36 સદભાવના ઉપવાસ કર્યા, ગુજરાતના 70-75 ટકા કુટુંબોમાંથી દરેક કુટુંબના ઓછામાં ઓછા એક સભ્યએ આ ઉપવાસોમાં ભાગ લીધો, એટલે કે 18,000 ગામોમાંથી 50 લાખ કરતા વધારે લોકોએ ભાગ લીધો. 15 લાખ લોકો સાથે હાથીએ હાથ મીલાવ્યા (કે સૂંઢ મીલાવી). આખી દુનિયાની પબ્લિક લાઇફમાં આ એક રેકોર્ડ છે, એવો એનો દાવો છે. 1.5 લાખ મહિલાઓ સહિત 4.5 લાખ લોકોએ હાથીની સાથે ઉપવાસ કર્યા. (ગુજરાતમાં 75 લાખ લોકો ચરબીથી પીડાય છે, એ જોતા આ આંકડો હજુ પણ ઓછો છે.) 40,000 તિથિભોજન થયા, જેમાં 42 લાખ ગરીબ બાળકો તૃપ્ત થયા. (સૂંઢની જગ્યાએ દાઢી રાખતા એક બાવાએ એકાદ વરસ પહેલાં અમદાવાદમાં આવો જ અન્નકુટ યોજ્યો હતો, એનો રેકોર્ડ તૂટ્યો કે નહીં એની ખબર નથી).

ગુજરાત અને ગરીબી? આવો પ્રશ્ન તો ક્યારેય પૂછશો નહીં. ગપ્પીદાસની વેબસાઇટ (નમોલીગ ડોટ કોમ) શું કહે છે, વાંચો, "There are different groups of such people and each group requires a special way to deal with. Going to the root of the problems they face, his empathetic heart came out with the steps like issue of roaming ration cards, roaming school cards, insurance cover for 3 lac handicapped, insurance cover for 12.5 million school children, special housing colony for the snake charmers, betterment of the kite preparing community and several other awe-inspiring ideas. The fact that Gujarat ranks first in the country in the implementation of 20 point programme for poverty abolition for the last four years in a row, speaks a lot beyond ranks and numbers. As per the estimate of the Planning Commission of India, Gujarat will remain at the top in achieving the targets of poverty abolition. In fact, the government has already provided Housing to 46,263 below poverty line families at the cost of Rs. 13672.94 lacs.''

આ લાંબોલચક ફકરો ધ્યાનથી વાંચો. ગપ્પીદાસના હ્રદય માટે કેવા સરસ મજાના શબ્દો વાપર્યા છે. હીઝ એમ્પેથેટિક હાર્ટ. કરુણાસભર હ્રદય. ગોઇંગ ટુ ધી રૂટ ઑફ ધી પ્રોબ્લેમ્સ, "પ્રશ્નોના મૂળમાં જઇને" એણે કેવા પગલાં ભર્યા છે? રોમિંગ રેશન કાર્ડ, રોમિંગ સ્કુલ કાર્ડ, ત્રણ લાખ હેન્ડિકેપ્ડ માટે વીમા યોજના, સવા કરોડ બાળકો માટે વીમો, મદારીઓ માટે ખાસ આવાસયોજના, પતંગ બનાવતા સમુદાયના ભલા માટે યોજના. ....

વાદળી રંગના કેટલા રોમિંગ રેશન કાર્ડ સરકારે ઇશ્યૂ કર્યા? શ્રમ વિભાગે 2010માં અમારી એક આરટીઆઈના જવાબમાં કબુલ્યું કે તેમણે સ્થળાંતર કરેલા મજુરોનો કે તેમના બાળકોનો કોઈ સરવે છેલ્લા દસ વર્ષમાં કર્યો નથી. સરકાર પાસે આના કોઈ આંકડા નથી. અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે હમણાં ગયા ઓક્ટોબર મહિનામાં  વિદ્યા સહાયકોની નિમણૂંકોમાં નેત્રહીનોને કાયદા અનુસાર ક્વોટા ફાળવવા માટે મોટું આંદોલન કર્યું. પતંગ બનાવતા સમુદાય માટે ગપ્પીદાસે કઈ યોજના કરી? પતંગોત્સવ? હા, રીવર ફ્રન્ટ પર પતંગોનું માર્કેટિંગ કર્યુ. પરંતુ એના માટે (રીવર ફ્રન્ટ યોજનાના) રૂ. 2500 કરોડ તમને વધારે પડતા નથી?

ગપ્પીદાસના દાવા પ્રમાણે, 46463 બીપીએલ કુટુંબો માટે રૂ. 3,672.94 લાખ રૂપિયાના ખર્ચે આવાસો બન્યા. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડની આજે જ રીટ્રાઇવ કરેલી વેબસાઇટ પ્રમાણે, બોર્ડે અત્યાર સુધીમાં નબળા વર્ગો  (ઇકોનોમિકલી વીકર સેક્શન્સ – ઇડબ્લ્યુએસ) માટે 49,083 ઘરો બનાવ્યા. આમાંના નેવુ ટકા ઘરો અમદાવાદ (94,480), રાજકોટ (6585), જામનગર (2328), વડોદરા (7493), ભરૂચ (1446), સુરત (2851), ભાવનગર (7973), આ સાત નગરોમાં બન્યા. જ્યાં સૌથી વધારે જરૂર છે, તેવા ડાંગ, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, નવસારીમાં એક પણ ઘર બન્યું નથી. આદિવાસીઓના ગળામાં કેસરી પટ્ટા ભેરવનારાઓ આ આંકડાઓ એમના મગજમાં ભેરવે. બીજા આદિવાસી જિલ્લાઓ નર્મદા (24), વલસાડ (72), બનાસકાંઠા (110)માં બનેલા ઘરોની સંખ્યા સાવ મામૂલી છે. પાટણ (385), આણંદ (236), પોરબંદર (157), સુરેન્દ્રનગર (836), મહેસાણા (590), ખેડા (1042), જુનાગઢ (90), ગાંધીનગર (769), કચ્છ-ભૂજ (264). ગપ્પીદાસને ગામડાઓ ગમતા નથી. આમાં દલિતો માટે કેટલા ઘરો બન્યા હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.

પુરુષોત્તમ રુપાલાના વિસ્તાર અમરેલીના રાજુલા તાલુકાના કોટડી ગામે દલિતોને દસ-દસ વર્ષ ગામતળના પ્લોટ માટે લડવું પડ્યું. છેક, 1990માં પ્લોટો ફાળવાયેલા, પરંતુ માપણી જ થતી નહોતી. વહીવટીતંત્રમાં બેઠેલા અને રાજુલામાં સેવા આપી ચૂકેલા અમારા એક સવર્ણ સાહિત્યકાર મિત્રએ અમને જણાવેલું કે, "કલેક્ટર કચેરીમાં ખુલ્લેઆમ બોલાતું (બે શબ્દોનો પેલો જાણીતો શબ્દ ઉચ્ચારીને કહેવાતું) કે આમની જમીનની તે માપણી થતી હશે?" (કોટડીની લડત વિષે 'હંબગ શાસ્ત્ર, પુરાણ, વેદ, કાળ કોટડીના કોઠા ભેદ' લેખ http://gujaratdalitrights.blogspot.in)

દલિતોની ગરીબીનું તળિયુ શોધવાના અમે કેટલાક પ્રયાસો કર્યા. 2009માં અમદાવાદના રાજપુર-ગોમતીપુરની 20 ચાલીઓના 1052 કુટુંબોના, 4026 વિદ્યાર્થીઓનો સરવે કરતા જણાયું કે 2157 એટલે કે 54.11 ટકા દલિત વિદ્યાર્થીઓ દસમા ધોરણથી આગળ ભણી શકતા નથી. વીસ વર્ષ પહેલાં અહીંથી એક દલિત છોકરો આઇએએસ બન્યો, હવે ગ્રેજ્યુએટ પણ બનવા મુશ્કેલ છે. ('ભગવા નીચે અંધારુ' http://gujaratchildrights.blogspot.in). લઠ્ઠાકાંડમાં માર્યા ગયેલા દલિતોના કુટુંબોની હાલતના સરવેમાં જણાયું કે મોટાભાગના વીસથી પચીસ વર્ષની ઉંમરના હતા, રંગાટીકામમાં મહિને ચાર હજારનો પગાર મેળવતા હતા. ભયાનક મોંઘવારી વચ્ચે બે છેડા ભેગા કરવાની બળતરા અને વાંઝીયા વાઇબ્રન્ટ ગુજરાતને જોઇને થતા ઝુરાપાની વચ્ચે એમણે ઝેરી લઠ્ઠો પીને મોતને વહાલું કર્યું. આજે એમની વિધવા યુવાન પત્નીઓ એમને મળતા પૈસાથી અડધા પૈસામાં (માત્ર બે-અઢી હજારમાં) એ જ રંગાટીના કારખાનાઓમાં જાતિય શોષણના જોખમ વચ્ચે કાળી મજુરી કરે છે અને બાળકો ભણવાના બદલે મજુરી કરે છે. ટાટા સોશલ ઇન્સ્ટિટ્યૂટે માથે મેલુ ઉપાડતા પરિવારોનો સરકાર વતી સરવે કર્યો, સરકારે એના આંકડા સ્વીકાર્યા નહીં અને સંસ્થાને સરવેની કામગીરીના પૈસા પણ આપ્યા નહોતા. એ જાણીતી વાત છે. ઓછી જાણીતી વાત એ છે કે માથે મેલુ ઉપાડનારા કુટુંબોના પુન:સ્થાપન માટેના રૂ. 10 કરોડ ભાજપના રાજકીય એજન્ટોએ વાપરી નાંખ્યા હતા. ગાંધીનગરની વાપકોસ સંસ્થાએ આનું મૂલ્યાંકન કરવાનું કામ અમને સોંપ્યું, પરંતુ પ્રારંભિક અવલોકનમાં જેવું જણાયું કે નાણા ખરેખર માથે મેલુ ઉપાડનારા સુધી પહોંચ્યા નથી કે તૂરત જ વાપકોસે મૂલ્યાંકનનું કામ અમારી પાસેથી લઈ લીધું હતું. ઉદાહરણરૂપે કહું તો, એ વખતે અમદાવાદમાં 500 લાભાર્થીઓ (એટલેકે માથે મેલુ ઉપાડનારા) બતાવવામાં આવેલા.

કેશુભાઈ પટેલે વર્તમાન શાસનમાં પટેલો પણ ભયભીત હોવાની વાત કર્યાના બીજા જ દિવસે પટેલ સમાજ કોઈ અનામતનો ઓશિયાળો નથી, એમ કહીને નમોએ ખોડલ ધામમાં જે તર્ક રજુ કરેલો તેને જ દોહરાવ્યો. બંનેએ અનામત પ્રથા સામેનો એમનો અણગમો જાહેર કર્યો, પરંતુ પટેલોની પ્રગતિ પાછળ ઢેબરભાઈના જમીન કાયદાના પ્રદાનને ભૂલાવી દીધું. પટેલો 1947 પહેલાં માત્ર ગણોતીયા હતા, જમીનના માલીક નહોતા. ગણોત ધારાના અસરકારક અમલે તેમને જમીન અપાવી. જ્યારે, દલિતો માટે ખેતી જમીન ટોચ મર્યાદા કાયદાનો અમલ થયો નહીં. આમાં કોંગ્રેસ અને ભાજપ, બંનેના ગપ્પીદાસો એક છે. આ કાયદાના અમલ માટેની અમારી લડાઈ ચાલી રહી છે. (ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં ડો. આનંદ તેલતુંબડેનો લેખ, ફ્રોમ ધી અન્ડરબેલી ઑફ સ્વર્ણિમ ગુજરાત, જુઓ, http://dalitrightsgujarat.blogspot.in)

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામની વીસ વર્ષની દલિત કન્યાને જુલાઈ 2011માં  વીસ દિવસ સુધી અલગ અલગ ઠેકાણે (એમાં એક સ્થળ તો સરકારી આંગણવાડી) ગોંધી રાખીને સામૂહિક બળાત્કારો કરનારા અગિયાર ઇસમો સામે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તેની નીચે સહી કરે તે પહેલાં જિલ્લાની ભાજપની એક મહિલા આગેવાન તેની ગાડીમાં પોલિસ સ્ટેશને આવીને તે દલિત યુવતીને હાથ પકડીને લઈ જાય; આ તમામ હકીકતો સ્ટેશન ડાયરીમાં નોંધવામાં આવી હોય અને એફઆઈઆર ફાડી નાંખવામાં આવે; દલિત યુવતીને શહેરના નારી કેન્દ્રમાં મોકલવામાં આવે, તો ત્યાં પણ તેણે આપેલું નિવેદન જિલ્લાની ભાજપની પેલી મહિલા આગેવાન ફરી નારી કેન્દ્રમાં આવીને નિવેદન ફાડી નાંખે, નારી કેન્દ્રના સંચાલિકા જિલ્લાના પોલિસ વડાને મહિલા આગેવાન સામે લેખિત ફરિયાદ કરે; ચાર દિવસ પછી બીજા પોલિસ સ્ટેશનમાં બીજી એફઆઈઆર નોંધાવે ત્યારે અગાઉની એફઆઈઆરમાં જેમના નામ આરોપીઓમાં છે તેવા ચાર આરોપીઓના નામ કાઢી નંખાય અને આ ચારે જણા જિલ્લાના ભાજપના સરપંચો-આગેવાનો હોય; પ્રથમ એફઆઈઆર ફાડી નાંખનાર પીએસઆઈને જિલ્લાનો પોલિસ વડા સસ્પેંડ કરે તે પહેલાં તમામ આરોપીઓને એક પછી એક કોર્ટમાં રજુ કરીને જામીન પર છોડી દેવામાં આવે; કોર્ટમાં રજુ થયેલી ચાર્જશીટમાં ભાજપની પેલી મહિલા આગેવાનનું નામ સાક્ષી તરીકે હોય અને સમગ્ર ઘટના અંગે પોલિસ ખાતુ હવે એમ કહે કે આ બહુ જુની વાત છે. ગાંધીનગરના ગપ્પીદાસ આ ઘટના અંગે શું કહેવા માગે છે?

રાજકોટમાં ચૌદમી એપ્રિલે બાબાસાહેબ આંબેડકરનું પૂતળુ તોડી નંખાયાની અફવા ફેલાવવામાં આવે, ગાંડાતૂર દલિતો મુસલમાનો પર તૂટી પડે, એટલે એમના હાડકા ખોખરા કરીને જેલભેગા કરી દેવામાં આવે, સ્થળ પર આવેલી રાજકોટની પોલીસ કમિશનર ગીતા જૌહરી પાછુ પૂતળુ યથાસ્થાને ગોઠવીને મુકે, ઘટનાથી પાંચ કિલોમીટર દૂર છાત્રાલયમાં રહેતા દલિત વિદ્યાર્થીઓ પર માલવિયાનગરની પોલિસ કૂતરાની જેમ તૂટી પડે, તેમના હાથપગના હાડકા તોડી નાંખે, ઉપરથી એમના પર એફઆઈઆર કરે, છાપામાં બીજા દિવસે દલિતોની ગુંડાગીરીની વિગતોથી સમાચારો ઉભરાય, તદ્દન નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલી એફઆઈઆર ક્વોશ કરાવવા હાઇકોર્ટમાં જઇએ ત્યારે જજસાહેબ કહે કે, ગુંડાગીરી કરો છો અને હાઇકોર્ટમાં આવો છો. અફસોસ સાથે કહેવું પડે છે કે, ભાજપે દલિતોને ક્યાંયના નથી રાખ્યા.

ગુજરાતમાં ભાજપે સત્તા મેળવવા માટે, કોંગ્રેસનો કિલ્લો તોડવા માટે દલિતોનો ઉંટીયા તરીકે આબાદ ઇસ્તેમાલ કર્યો. ગોધરાકાંડ પછી આ વ્યૂહરચનાએ નગ્ન તાંડવ જ કર્યું. કોમવાદના ગોળ પર પડેલા દલિત મંકોડાઓને વીણી વીણીને પકડીને જેલભેગા કરવામાં આવ્યા. (વધુ વિગતો માટે જુઓ, બ્લડ અન્ડર સેફ્રન, http://bloodundersaffron.blogspot.in) ભાજપને ટેકો આપવાની દલિતોએ ભયાનક કિંમત ચૂકવી છે. છેલ્લા વીસ વર્ષમાં મુસ્લિમ બહુમતી વચ્ચે ઘેરાયેલા દલિતોના પચીસ મહોલ્લાઓ આજે ખાલી થઈ ગયા. મુસ્લિમ નેતાગીરીએ પણ આ મામલામાં દેવાળુ ફુંક્યુ. આજે ભાજપ ગૌરવથી કહે છે, ગુજરાતમાંથી જાતિવાદ અને કોમવાદનો અમે નાશ કર્યો. (વાંચો, દલિતો અને મુસ્લિમોની નેતાગીરીનો નાશ કર્યો).    

રાજુ સોલંકી

બ્લોગ:

http://gujaratchildrights.blogspot.in (બાળ અધિકાર)  
http://gujaratsecular.blogspot.in સેક્યુલર ગુજરાત) 
http://gujaratdalitrights.blogspot.in (દલિત અધિકાર)
http://bamanvad.blogspot.in (બામણવાદની બારાખડી)
http://rajusolankidalitworld.blogspot.in (રાજુ સોલંકી)
http://dalitworldrajusolanki.blogspot.in/ (દલિત વિશ્વ)

(તા. 5 માર્ચ, 2012, ઇન્સાફ કી ડગર પર કાર્યક્રમ હેઠળ ગુજરાતનો કહેવાતો વિકાસ, સરકારી દાવાઓ, લોક આંદોલન અને પાયાની વાસ્તવિકતાઓ વિષય પર યોજાએલા સેમીનારમાં રજુ કરેલું વક્તવ્ય)

ગુરુવાર, 1 માર્ચ, 2012

ટીકેશ મકવાણા - સેક્યુલર ગુજરાતની સાચી પહેચાન


टीकेश मकवाणाना अवसानने पांच वर्ष थया. 2002ना नंरसंहार वखते जे केटलाक लोकोए दलितोनी वच्चे सेक्युलारिझमनी ज्योत पकडवानुं साहस कर्युं हतुं तेमांना एक एटले टीकेश मकवाणा. टीकेशनुं युवान वये अकाळ अवसान थयुं हतुं. गुजरातना अग्रणी दलित साहित्यकारोमांना एक एवा टीकेशना लेखोनुं संपादन प्रकाशित करवानुं मित्रोए नक्की कर्युं अने संपादननुं काम मने सोंप्युं हतुं. अत्रे ए संपादन 'पथ्थर तो तबियत से उछालो यारो'नी मारी प्रस्तावना 'टीकेश मकवाणा: पथ्थर ज्यारे पाळियो बने' अने टीकेशनो यादगार लेख 'हाय रे टीकला हाय हाय' रजु कर्यो छे.

...................................................





टीकेश मकवाणा: पथ्थर ज्यारे पाळियो बने


"એ જન્મ્યો ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ નહોતી.
ન તો એની માતાએ સ્વપ્નમાં કોઈ ઐરાવત જોયો.
'બાળક પ્રખર વિદ્ધાન, બત્રીસલક્ષણો થશે',
કમભાગ્યે જોષીઓ એવું કહી શક્યા નહીં." ..............
કારણ કે...
એ રાજપુરમાં જન્મ્યો હતો. એને વતનની મીટ્ટી સાથે મહોબ્બત હતી. એણે  એની કલમ પોતાના દલિત-બાંધવોની વેદનાને સમર્પિત કરી હતી. એના રૂંવે રૂંવે રાજપુરની ચાલીઓનું દલિત-જીવન ધબકતું હતું અને એટલે જ એણે આલેખ્યો રાજપુરનો વિસરાયેલો ઇતિહાસ; આંબેડકર ચળવળનો પ્રેરણાદાયી પ્રવાસ. એણે ઝીલ્યું હતું અનામતના રમખાણોમાં ગોળીએ વીંધાયેલા દલિત-શહીદોની ખાંભીઓનું મૂંગું રૂદન. એણે વેઠી હતી નાત-જાતના વાડાઓમાં વહેંચાયેલા પોતાના સમાજની બળબળતી ઇર્ષા અને દ્વેષ. એની અભિવ્યક્તિને શબ્દોના સથવારે પાંખો ફૂટી ત્યારથી એના લેખનમાં છટપટાતો રહ્યો એનો પરિવેશ.

કાશ, એને પણ મળી શક્યો હોત, સમાજ કલ્યાણખાતાના અનગિનત એવોર્ડસ પૈકીનો એકાદ ઇલકાબ. એ પણ પોંખાઈ શક્યો હોત, ભાડુતી ચંદ્રકોની ચકાચૌંધ રોશનીમાં. પરન્તુ, એણે કોઈ પ્રધાનને થાબડવા માટે એનો ખભો આપ્યો નહીં. એ  લોકનાયક હતો. સત્તા આગળ કુરનીસ બજાવતા નાલાયકોની પંગતમાં બેસવાનો એણે નન્નો ભણ્યો હતો.

એ શબ્દ-સ્વામી હતો. પ્રબુદ્ધ દલિત-ચેતનાનું જીવંત પ્રતીક હતો. અસ્તિત્વને હચમચાવતી શતસહસ્ત્ર વિટંબણાઓ, દ્વિધાઓ, બળતરાઓને કોરાણે મૂકીને સમાજના પ્રશ્નો વિષે અવિરત લખતો રહ્યો. પ્રશ્નોના પ્રોજેક્ટસ બનાવીને ફોરીન ફન્ડના વહેતી ગંગામાં મન મૂકીને પરિપ્લાવિત થવાનું એણે દિવાસ્વપ્નમાં પણ વિચાર્યુ નહીં. દલિત સમસ્યાઓને રોકડ રકમમાં ફેરવવાનો ઇલમ અજમાવીને એક્ટીવીસ્ટનું છોગું ઘારણ કરવાની ધખના એણે હૈયે ધરી નહીં. એકલપંડે, ટાંચા સાધનો-સંસાધનો વડે, મુઠ્ઠીભર સાથીદારોની આંખમાં આંબેડકરી સ્વપ્ન આંજીને વૈચારિક પરિવર્તનની સળગતી મશાલ લઇને ચાલવાની નિયતિ એણે સભાનપણે સ્વીકારી હતી.

રાજકારણની આંટીઘૂંટીઓ એને હસ્તકમલાવત્ હતી; પરંતુ, એ રાજકીય પક્ષોનો ખાંધિયો નહોતો. એ માત્ર ને માત્ર પોતાના સમાજને વફાદાર હતો. પ્રસ્થાપિત રાજકીય પક્ષોની ગદ્દા્રી, ઉપેક્ષા, બદમાશી સામે એ સતત લડતો રહ્યો, કોઇપણ જાતના બખ્તર વિના, છત્ર વિના. અને એના માટે મસમોટી કિંમત ચૂકવવા પણ તૈયાર હતો. એ સાચા અર્થમાં મેદાનનો માણસ હતો.

"પળે પળે ચામડી બચાવીને ચાલો, બધી દિશાઓ સુરક્ષિત કરીને જીવો; નિરાંતે, સલામતપણે જિંદગી આખી નોકરી-વ્યવસાયમાં રચ્યા-પચ્યા રહો; વાડી-વજીફામાં બેસુમાર બઢોતરી કરો; પંદર-વીસ લાખનો દલ્લો ઓશિકા નીચે મૂકીને ચેનથી ઉંઘો; અને વન-પ્રવેશની વેળાએ, નિવૃત્તિ વયે 'સમાજ સેવા' કરવા નીકળો; બે મગરમચ્છ જેવા પક્ષોમાંથી કોઈ પણ એક પક્ષમાં જોડાઈ જાવ.'' લિતોના ભ્રષ્ટ, કેરિયરિસ્ટ, લોલુપ અને લુચ્ચા અગ્રવર્ગની છેલ્લા સાઠ વર્ષની આ રામ-કહાણી રહી છે. પરંતુ, આ ગ્રંથના પાને પાને જેની પારદર્શક પ્રતિબદ્ધતાનો વાચકોને પરિચય સાંપડે છે, એ ઇન્સાન આ જૂઠડી જમાતથી બેશક ઉફરો હતો, મુઠ્ઠી ઉંચરો હતો.

એ ગાઝીપુરના ’ભગત’નો દીકરો હતો. ફકીર જેવા ઓલિયા પિતાની આંખનું રતન હતો. પ્રેમાળ પિતાની આસ્તિકતાના સંસ્કાર ઠુકરાવીને દુનિયાની નજરમાં ’નઠારા’ નાસ્તિક થવાનું સાહસ એ ખેડી શક્યો. સદીઓથી દલિત સમાજને ટકાવનારી ભક્તિ-પરંપરા એણે ગળથૂથીમાં પીધી હતી; અને છતાં, વર્તમાનમાં એ જ પરંપરાને દલિત સમાજના ગળે ઘંટીનું પાડિયું બનીને રંઝાડનારી બનેલી જોઇને એણે લખ્યુ. થોડાક કટાક્ષમાં, પણ વેધક રીતે: "બાપા, તમે નરકમાં જ જજો હોં!’ ગુજરાતી સાહિત્ય અકાદમીના ’શબ્દસૃષ્ટિ’માં પ્રકાશિત ગુજરાતી ભાષાની મોંઘરી જણસ જેવો લેખ એક આસ્તિક બાપને નાસ્તિક દીકરાએ આપેલી અમર શ્રદ્ધાંજલિ બની ગયો.

માત્ર બે દાયકના ટૂંકા ગાળામાં અચરજ પમાડે એવા વૈવિધ્યથી સભર લખાણો એણે પ્રસવ્યા. દલિત-આકાશમાં ઝબકારો કરી ગયેલો એ જાજવલ્યમાન ધૂમકેતુ હતો. જો એ જન્મે ત્રિવેદી, શાહ કે પટેલ હોત, તો કોઈપણ અખબારનો ચહેતો પત્રકાર બની શક્યો હોત. મુખ્ય ધારાના માધ્યમોમાં બેસવાની અદમ્ય અભિપ્સા એના હૈયે હતી. પરન્તુ, એનો કોઈ પોતીકો સ્વજન ક્યાંય કોઈ અખબારની ડાળે કેલિકૂજન કરતો નહોતો. જાત છૂપાવીને કે અટક બદલીને, ચહેરો છૂપાવીને કે સ્વભાવ બદલીને ’પ્રસ્થાપિત’ થવાનો પ્રપંચ એને આવડ્યો નહીં. આપણે એનો અફસોસ નહીં કરીએ. જેમના માટે એની લેખિની સર્જાઈ હતી, એ લોક માટે લખવાની પૂરતી મોકળાશ અને હળવાશ એને સાંપડ્યો હતા. એક યોદ્ધાની જેમ એણે કલમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો.

એનુ ગદ્ય એની સશક્ત ભૂજાઓ જેવું બળકટ હતું. એનો તર્ક તીરના ફણાં જેવી એની તીક્ષ્ણ આંખો સમાન હતો. એના લખાણમાં ભારોભાર સર્જનાત્મકતા હતી. અનામત વિરોધી રમખાણોમાં ખપી ગયેલા દલિતની વિધવાની રૂબરૂ મુલાકાત બાદ એ લખે છે. "૨૪ વર્ષ પહેલાનાં સંભારણા તાજા કરતી વખતે તેમની આંખો ઉભરાઈ ગઈ. પતિના મરણની ઘટનાનું બયાન કરતાં કરતાં એમનો સ્વર તૂટતો ગયો, તરડાતો ગયો. અમેના રૂંવે રૂંવે પતિ પથરાઈ ગયા.’

એની પાસે અનોખી ઇતિહાસદ્રષ્ટિ હતી. લખવા ખાતર લખનારી, એવાર્ડ માટે લખનારી જમાતનો એ જણ નહોતો. એના સંશોધન પાછળ એક સ્પષ્ટ સંદેશ હતો. એટલે જ એ લખે છે, "રાજપુરની આંબેડકરી ચળવળનો ભવ્ય ઇતિહાસ કેમ વર્તમાન બની શકતો નથી, તેના કારણો શોધવાની જરૂર છે. દુ:ખની વાત તો એ છે કે આંબેડકરી ચળવળનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું રાજપુર આજે ઠંડુગાર છે અને દલિત પ્રજા હિન્દુત્વના ચાળે ચડી કેસરિયા સાફા પહેરી તેમના જેવી જ પીડિત પ્રજા મુસ્લિમો સામે મારવા મરવા મેદાને પડી છે. જો આંબેડકરી ચળવળ કે બોદ્ધ ચળવળ આગળ વધી હોત તો રાજપુરના રંગઢંગ જુદા હોત. આંબેડકરનો ક્રાંતિરથ રાજપુરમાં અટકી ગયો છે, તે વરવી વાસ્તવિક્તાની નોંધ લેવી ઘટે." રાજપુરની આંબેડકરી ચળવળનો ઇતિહાસ’ નામના લેખકની મોટાભાગની સામગ્રી ટીકેશે ડૉ. પી.જી. જ્યોતિકરના ગ્રંથમાંથી લીધી છે, પરન્તુ એનું વિશ્લેષણ ‘હિન્દુવાદી' બનેલા ડૉ. પી. જી. જ્યોતિકરના વિશ્લેષણ કરતા સામા છેડાનું છે એ વાતની નોંધ લેવી ઘટે.

ટીકેશ સંગઠનના માણસ હતા. દલિત યૂથ સર્કલના પોતે સ્થાપક-સભ્ય, પરન્તુ સંસ્થાના કોઈ પણ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસતા નહોતા. આજના વકતૃત્વ-પ્રેમી નેતૃત્વમાં આવો ગુણ કવચિત્ જ જોવા મળે છે. ૧૯૮૫માં ગાંધીનગરમાં રોસ્ટર-તરફી રેલીમાં સ્ટેજ પર એટલા બધા નેતાઓ બિરાજ્યા હતા કે સ્ટેજ તૂટી ગયું હતું. ચાર માણસ એકઠા થઇને કોઈ સંગઠન રચે તો ચારેયને કન્વીનર થવાના લાળા થાય. નેપથ્યમાં રહીને કામ કરવાની ખાસિયત ટીકેશમાં હતી.

’બિનસાંપ્રદાયિકતા’ એક અદભૂત શબ્દ છે. એનો વિરોધ કરનારા કે એનો ઝંડો લઇને ફરનારા બંને પ્રકારના લોકો માટે તે ટંકશાળ સમાન બની ગયો. ટીકેશના નસીબમાં બિનસાંપ્રદાયિકતાની ભડભડતી આગમાં બળવાનું જ લખાયેલું હતું. સેટેલાઇટ ને નવરંગપુરામાં બેસીને સેક્યુલારિઝમની વાતો કરવી સહેલી છે. રાજપુરમાં દલિતોની વચ્ચે બેસીને બિનસાંપ્રદાયિકતાનો ’બ’ ઉચ્ચારવો એ તલવારની ધાર પર ચાલવા બરોબર છે. ટીકેશે આ કામ બખૂબી કર્યું, ભલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એની નોંધ ના લીધી કે ફ્રાંસ સરકારે કોઈ એવાર્ડ ના આપ્યો. ટીકેશ મકવાણાના કાર્યો તિસ્તા સેતલવાડ કે ફાધર સેડ્રીક પ્રકાશના જેટલા જ મૂલ્યવાન છે.

"ભગતના ઘરે જ પથરો કેમ પાક્યો?" લેખમાં ટીકેશ લખે છે, "બાલ્ઝાક કહેતા, 'એવા બદમાશોથી હમેંશા ચેતીને રહેજો, જેનો ભગવાન ઉપર આકાશમાં રહે છે'. માણસોની વચમાં રહીને કોઇના હ્રદયમાં ક્યાંક ’ભગવાન’ મળી જાય એની સતત તલાશમાં છું. સંવેદના અને સહ્રદયતાનો આ નાનો નાતો મારી નાળમાં જોડાયેલો છે. માનવીય અસ્મિતાની શોધમાં નીકળનારને તો ક્યારેક પથરા ખાવા પડે અને કોઈ પથરો ગણીને તુચ્છકારી કાઢે તોય તેની અવગણના કરવી નહીં તેવું સમયે મને શીખવ્યું છે."

આ સંપાદકીય અને સંપાદન બંન્નેના શીર્ષકો અહીંથી જડ્યા છે. ટીકેશને અને આપણને સૌને પ્રિય એવા દુષ્યંતકુમારના એક અત્યંત જાણીતા શેરનો પણ શીર્ષકમાં ઉપયોગ કર્યો છે:
  
"કોન કહેતા  હૈ આસમાં મેં સુરાગ હો નહીં સકતા,
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો"

તબિયતથી આકાશમાં ઉછળી ગયેલા ને 'આકાશમાં તડ પાડી ગયેલા અવાજ' જેવા ટીકેશ મકવાણાના કેટલાક લેખોના વાંચનથી આપણી કાળમીંઢ ખડક જેવી નિંભરતા ભાંગીને ભૂક્કો થઈ જાય એટલી પ્રાર્થના સહ વિરમું છું.

તા.૨૮/૦૧/૨૦૦૭                             રાજુ સોલંકી
ટીકેશ મકવાણા સ્મૃતિ દિન 

                                                        
 ................................................

हाय रे टीकला हाय हाय!

૨૫મી માર્ચ, ૨૦૦૨ની એ બળબળતી બપોરે રાજપુર વિસ્તારની અસંખ્ય બહેનો પ્રતાપનગરનાં મારા નિવાસસ્થાને કીડીયારાની જેમ ઉમટી પડી. અધ્ધર હાથે અને મરશીયાના તાલે ઠેકડા ભરી ભરીને મારા નામનાં છાજીયા લેવા માંડી: હાય રે ટીકલા હાય હાય! હાય, ટીકલા તારું નખ્ખોદ જાય! હાય રે ટીકલા તારું ધનોત-પનોત થાય!! બેફામ છજિયા કુટવાની સાથોસાથ કાનનાં કીડા ખરી પડે તથા અહીં લખી ના શકાય તેવી બીભત્સ ગાળોનો ધોધમાર વરસાદ વરસાવી દીધો. અમારા વિસ્તારની આ બહેનો મારા નામનાં રોદણાં રોતી હતી: ટીકલો દલિતોનો ગદ્ધાર છે, સમાજનો ગદ્ધાર છે.... દેશનો ગદ્ધાર છે.... દેશદ્રોહી છે.... ટીકલો મિંયાના પેટનો છે... ને મિંયાના ઘર ભરે છે.... મીંયાને છાવરે છે.... વગેરે વગેરે.

પ્રતાપનગરનાં બે-પાંચ સમજુ અને સહિષ્ણુ રહીશો જેવા કે પ્રવીણભાઈ (બચુભાઈ), પ્રવીણ આસોડીયા, વિનુભાઈ સોલંકી, કમળાભાભી, રેવાભાભીએ રમણે ચઢેલી આ બહેનોને સમજાવી-પટાવીને અહીંથી રવાના કરવા માંડી. દરમિયાનમાં પોલિસની મદદ આવી પહોંચી અને બહેનો ટપોટપ વિખરાઈ ગઇ.

એકાદ કલાક પછી ફરી આ જ વિસ્તારની અન્ય બહેનો એટલા જ જુસ્સા અને ગુસ્સામાં અહીં આવી પહોંચી અને બળતામાં ઘી હોમ્યું. સમજાવટથી તેમને ફરી વિખેરી નાંખી. એ સમય પૂરતી મારે મનોમન હાર કબૂલવી પડી. મારા સાથી કિશનભાઇની જેમ હું અડગ અને મક્કમ રહ્યો. મેં કોઇનીય માફી ના માંગી. મેં કોઈ ભૂલ કરી જ નહોતી કે મારે પસ્તાવો પણ કરવો પડે. અલબત્ત, મારૂં મન આક્રંદી ઉઠ્યું હતું. મને સમજાયું કે મારી આંબેડકરી, ઉદ્દામ વિચારાધારાના સર્વ વિરોધીઓને મોકળું મેદાન મળ્યું હતું. મને સમજાયું કે મારા વિચારશત્રુઓ ચાર ચાસણી ચઢી ગયા છે. મારી સામે કાવતરૂં કરવામાં તેઓ કારગત નીવડ્યા. મારૂં મન બળતું હતું, પણ અંદરથી એ વાતથી શાતા વળી કે મારા આંબેડકરી અને માનવતાવાદી વિચારોની સચ્ચાઈ અને દાહક્તાએ આ વિચારશત્રુઓને મારા કરતાં અનેકગણા અંદરથી અને બહારથી દઝાડયા હતા. આંબડકરી સચ્ચાઇનો એમના હૈયે ડામ દેવાયો હતો.

વિચારશત્રુઓનો એક માત્ર દુશ્મન ટીકેશ નહોતો. આ જ વિસ્તારના ઉદ્દામ વિચારો ધરાવતા અન્ય કાર્યકારોને પણ નિમિત્ત બનાવાયા હતા; જેમાં સામ્યવાદી પક્ષ સાથે સંકળાયેલા કૉમરેડ આનંદ પરમાર, આર.પી.આઈ.ના વિચારે રંગાયેલા રમેશ સંડેસરા, દલિત સેના સાથે જોતરાયેલા મહેશ પરમાર તથા અન્ય જાગૃતજનોને પણ લપેટમાં લેવાયા હતા. આ સૌમાં સૌથી કફોડી હાલત ’દલિત યુથ સર્કલ’ના પ્રાણસમા કિશનભાઈ પરમારની થઈ હતી. જે ’દલિત યુથ સર્કલ’નું કાર્યાલય પણ છે તે કિશનભાઈનાં ઘર ઉપર છાજીયા અને મરસિયા ઉપરાંત સશસ્ત્ર હુમલાઓ પણ થયા છે અને ’હાય કિશનીયા હાય હાય’ના ભદ્દા નારાઓએ ધોળા દિવસે નર્યો અંધકાર ફેલાવી દીધો હતો. આ વિસ્તારના અપક્ષ કાઉન્સીલર ડાહ્યાભાઈ વીરાભાઈને ધક્કે ચઢાવી એમના પણ છાજીયા લીધા હતા, મરસિયા ગાયા હતા.

ગોધરાકાંડ પછી અમારી એવી તે શી ભૂમિકા હતી કે આ વિસ્તારના મુઠ્ઠીભર મચ્છારોએ હાથીઓ સામે બાથ ભીડી? ન્યાય, સમતા અને સહિષ્ણુતાની રચનાત્મક વાતો લઈ ચાલનારાઓ કેમ આ બદમાશોને આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા? સમાજના કડવા અને વાસ્તવિક પ્રશ્નો સામે માથું મૂકનારાઓનું જ માથું વાઢવાનો પ્રયાસ કેમ થયો? કુતરાઓને એકાએક કેમ હડકવા ઉપડ્યો?

ઘટનાઓના સહેજ મૂળમાં જવાથી જ સમજાય કે સત્યનો પક્ષ લેનાર સોક્રેટીસને તો ઝેર જ પીવું પડે કે પ્રેમ અને સહિષ્ણુતાની વાત કરનાર ઇસુને તો વધ:સ્થંભ પર જ ચઢવું પડે. આંબેડકરી વિચારાધારાને લઈને ચાલનારાઓને એક જર્મન કહેવતનું સત્ય આભડી ગયું  કે જો તમે સાચું બોલવાના હોવ તો એક પલાણેલો ઘોડો તૈયાર રાખજો; નાસી જવા માટે! અને સાચે જ, આંબેડકર વિરોધી કસાઇઓએ સત્યના બકરાઓનો ભોગ લીધો હતો.

પાંચ વર્ષ અગાઉ, ૧૯૯૭ના જુલાઈ માસમાં મુંબઈની રમાબાઈ કૉલોનીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને કોઈ હિટલરપુત્રએ ખાસડાંનો હાર પહેરાવી અપમાનિત કર્યા. એના પગલે અહીં અમદાવાદમાં ફાટી નીકળેલી હિંસા અને જુવાળના પરિપાકરૂપે રાજપુર પોસ્ટ ઑફિસના આંગણે ’દલિત યુથ સર્કલ’નો પ્રસવ થયો હતો. હજારો ’પાટીયા સંસ્થાઓ’ની સરખામણીમાં ’દલિત યુથ સર્કલ’ની એક આગવી ઓળખ અને પહેચાન ઉભી થવા લાગી. સંસ્થાનું ક્લેવર વિશેષત: ડૉ. બી. આર. આંબેડકરની ન્યાયિક વિચારાધારાથી ઘડાવા લાગ્યુ. ઉદ્દામ, વૈજ્ઞાનિક અને માનવીય વિચારસણીને અહીં માન અને સ્થાન મળ્યું. અહીંના યુવાનોમાં એનું ઊડું સીંચન થવા લાગ્યું. ડૉ. આંબેડકરના જ શબ્દોમાં કહીએ તો ગુલામોને ગુલામીનો અહેસાસ થવા લાગ્યો અને યુવાનોના મનમાં સદીઓ જુની અમાનવીય, જંગલી સમાજવ્યવસ્થા સામે રોષ અને વિદ્રોહ ભભૂકી ઉઠ્યો. યુવાનોની મુઠ્ઠી ભીડાવા માંડી અને બાહુ તંગ થવા લાગ્યા.

કોઇએ સાચું જ કહ્યું છે કે સૌ પ્રથમ યુદ્ધ તો માનવીનાં હદ્દયમાં થાય છે. વિચારરૂપે! વિચારવાનું કામ એ સૌથી કપરામાં કપરૂં કામ છે, યુવાનો હવે વિચારવા અને સમજવા લાગ્યા હતા કે જો સમાજમાં જાગૃતિ નહીં આવે તો અમારી આવતી કાલનો સુરજ કાળે જ ઉગવાનો છે. યુવાનો પામવા લાગ્યા કે હિટલર અને હેડગેવારની નાલાયક ઔલાદોએ ચારેકોર અને ચોપાસથી દલિત સમાજને સખત ભીંસમાં લીધો છે. લાંબી લડતના અંતે મળેલ બંધારણીય અને મૂળભૂત અધિકારના સ્વરૂપે મળેલી વ્યવસ્થાને યેનકેનપ્રકારે લૂલી અને પાંગળી બનાવી દેવામાં આવી છે. છેલ્લા ૧૮થી ૨૦ વર્ષથી સરકારી ભરતી લગભગ બંધ છે. મિલોને મોટાં તાળાં લગાવી દેવાયા છે. રોજગારી અને વ્યવસાયની તમામ તકો છીનવી લેવામાં આવી છે. ભય, સુખ, આંતક અને અત્યાચારના ઓળા નીચે સમાજ શ્વસી રહ્યો છે. ડૉ. કેશવ બળીરામ હેડગેવાર અને એમ. એસ. ગોલવાલકરની ઔલાદોએ અત્યંત ચૂપકીદી અને સુવ્યવસ્થિત રીતે દલિત સમાજને ખોદવાનું અને તોડવાનું ષડયંત્ર ગોઠવ્યું છે. દલિત હરગીજ હિન્દુ ના હોવા છતાંય એને હિંદુમાં ખપાવી એના ખભે બંદુક ધરી દીધી છે. હિંદુત્વના તમામ બદઇરાદાઓ બર લાવવા માટે સ્વંય દલિતોને જ હોળીના નાળીયેર તરીકે તૈયાર કર્યા છે... આ વાતો હવે દલિત યુથ સર્કલ’માં આવતો કોઈ પણ યુવાન સમજવા લાગ્યો હતો. સવાયા હિંદુ બનેલા દલિતો અર્થાત્ હિટલર અને હેડગેવારના ચમચાઓને આ વાત આંખમાં કણાની જેમ ખૂંચતી હતી, ખટકતી હતી કે દલિત સમાજમાં એમનો શેકાતો રોટલો બંધ થતો હતો.

સમાજને સ્પર્શતા જુદા-જુદા મુદ્દાઓ લઇને જાગૃતિ અભિયાનના સ્વરૂપે ’દલિત યુથ સર્કલે’ દલિતોની સોસાયટીઓ, વસાહતો, ચાલીઓ, મહોલ્લાઓ, વાસ, ફુટપાથ, ઝૂંપડપટ્ટી અને આંગણામાં ઢુંકવા માડ્યું. અંગ્રેજી કહેવત, ’પસાએ પહાડ જોડે જવું જોઇએ. પહાડ પસલા જોડે નહીં આવે’ સાર્થક કરવા માંડી. સંસ્થાને મોટી બનાવવી હોય તો નાનામાં નાના માણસ પાસે જવું તેવી અમારી નેમ હતી. છેલ્લી ચુંટણીઓમાં સંસ્થાએ ’મતદાર જાગૃતિ અભિયાન’ ચલાવ્યું, જેમાં આખા વિસ્તારમાં અને વિસ્તાર બહાર અસંખ્ય સભાઓ, ગ્રુપ મીટીંગ તથા ચર્ચા સભાઓ યોજવામાં આવી. માત્ર રાજકારણને આશરે પેટીયું રળતા કે પછી માલતુજાર થયેલા તથા પોતાના અંગત સ્વાર્થ અને હિતોની વાત કરતા રાજકીય ખાંધિયાઓને ’દલિત યુથ સર્કલે’ નાગા કર્યા. બે બદામના બની બેઠેલા નેતાઓના સંસ્થાએ કાન પકડેલા એને તેમને ઉભી પૂંછડીએ નાસતા કરી દીધેલા. કાઉન્સીલરો અને મીનીસ્ટરો સુદ્ધાંને પણ એમની ઔકાત બતાવી દીધો. દલિત સમાજને ગેરમાર્ગે દોરતા કોઇપણ બદમાશને ઉંધાચત્તા કરી દીધો. ગાલે થપ્પડ ખાઇને બધાય સમસમી ગયા પરતું સંસ્થા સામે જાહેરમાં (કે ખાનગીમાં) આંગળી ચીંધવાનીય હીંમત ગુમાવી બેઠા.

છેલ્લા પાંચ વર્ષમાં ’દલિત યુથ સર્કલ’ના વિચારનો અને પ્રવૃત્તિનો વ્યાપ વધતો ગયો. પરિણામે, આ વિસ્તારમાં ખભો ઉંચો કરીને ચાલતા રાજકીય ખાંધિયાઓ મૂછે તાવ દઇને ફરતા લુખ્ખાઓની કિંમત બે કોડીની થઈ ગઈ. આંબેડકરના ચીંધેલા માપદંડ અને રસ્તાઓ ધમરોળી દલિત સમાજનું ધનોતપનોત કરનારા આ નાલાયાકો અત્યંત વામણા ભાસવા લાગ્યા. એમની ગાજરની પિપૂડી વાગતી બંધ થઈ ગઈ.

ગોધરાના બનાવ પછી સમગ્ર ગુજરાતમાં અને વિશેષત: અમદાવાદમાં સખત કોમી તનાવ ઉભો થઈ ગયો. અત્યંત આયોજનબદ્ધ રીતે દલિતોના હાથમાં હથિયાર પકડાવી દેવામાં આવ્યા અને મુસલમાનો સામે તેમને લડતા- બાખડતા કરી દીધા. આખાય અમદાવાદની તાસીર અને તસ્વીર જોતાં એ સ્પષ્ટ થવા લાગ્યું કે, ’સવર્ણ ગણાતા વિસ્તારો- ગોમતીપુર ગામ, સરસપુર, બાપુનગર, ખાડીયા આ બધો તમાશો જોતા રહ્યા અને માત્ર ને માત્ર દલિતો લડતા રહ્યા, મરતા રહ્યા, રહેંસાતા રહ્યા. હિન્દુત્વનો ઝંડો ડંડો લઇને ફરનારાઓ માટે આ ખૂબ મોટો અવસર હતો. તેમણે આ તક બરાબરની ઝીલી હતી. અને દલિતોને દારૂ પીવડાવીને મુસ્લિમો સામે ધરી દીધા હતા. લૂંટ, આગ, હિંસા, ઝનૂન અને કોમી વૈમનસ્યએ બિહામણું અટ્ટહાસ્ય કર્યું.

કોમી તોફાનો થોડાં શાંત થતાં એક જાણીતા સંસ્થાએ દલિત યૂથ સર્કલ સમક્ષ અનાજ વગેરેની મદદ માટે એક પ્રસ્તાવ મૂક્યો. એ સંસ્થાની શરત હતી કે કોમી તોફાનો દરમિયાન જેના ઘરબાર સળગાવાયા છે તથા જેઓ બેઘર કે બેહાલ બન્યા છે તે સૌ કોઇને માનવતા ઘોરણે ન્યાયિક અને યથાશક્તિ મદદ કરવી. રાજપુરના તેમના સર્વેક્ષણમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે અહીં ભારતીય મુસલમાનોને અત્યંત નુકશાન થયું છે તેથી તેઓ માત્ર મુસલમાનોને જ મદદ આપવા તૈયાર થાય. અમે તેમને સમજાવ્યા કે મુસલમાનો નુકશાન થયું છે, સાથોસાથ દલિતોને પણ એટલા જ પ્રમાણમાં પ્રચ્છન્ન નુકશાન થયેલ છે. મિલો બંધ થવાથી રાજપુરની આર્થિક કમર તૂટી ગઈ છે. અહીં લોકો શાકભાજી, ગલ્લા કે રેંકડી પર ઘર ચલાવે છે. કોઈ કાગળ વીણે છે તો કોઈ કારખાનામાં કે કડીયા કામે જાય છે. કોઈ અગરબત્તી વીણે છે તો કોઈ દવાનાં ખોખા બનાવે છે. કોઈ છૂટક મજૂરી કરે છે તો કોઈ ખાનગીમાં ટેભાં તોડે છે. તોફાનોના લીધે સૌ કોઇના ધંધા-વ્યવસાય છીનવાઇ ગયા છે અને સૌ બેહાલ અને બેકાર થઈ ગયા છે. એ સંસ્થાના પ્રતિનિધિઓને અમારી વાત ગળે ઉતરી. તેમણે આપેલા અનાજ મુસ્લિમોને બારોબાર તેમની રાહત છાવણીમાં પહોંચાડયું. અનાજનો બીજો જથ્થો આવતાં તે અનાજ માત્ર દલિતોમાં જ વહેચ્યું. આ ઘટનાની રાજકીય ગીધડાંઓ નોંધ લીધી અને એમન પેટમાં તેલ રેડાયું.

આ તોફાનો દરમિયાન જ ઝોનના ડી.સી.પી.આર.જે સવાણીની દરમિયાનગીરીથી શાંતિ અને એખલાસ માટેની એક સભા દલિત યુથ સર્કલ માધ્યમથી ભરવામાં આવી, જેમાં સત્ય અને તથ્ય રજુ કરવામાં આવ્યાં. આ સભામાં રાજપુરના સ્થાનિક જાગૃત દલિતોને સંબોધવામાં આવ્યા. મારા સહિત કિશનભાઈએ પણ એમાં ન્યાયિક રજુઆત કરી અને તોફાનોથી માત્ર દલિતોન જ નુકશાન થાય છે તેવી વાત સમજાવી.
રાજકીય કાગડાઓ દલિત યુથ સર્કલને બદનામ કરવાની એક તક શોધતા  હતા, જે અહીં મળી ગઈ. તેમણે રાતોરાત ખાનગી સભાઓ ઠેર ઠેર ભરી અને સંસ્થાના વિરોધમાં લોકોને પાનો ચઢાવ્યો કે, દલિત યુથ સર્કલ કોમવાદી સંસ્થા છે, દલિતોના દુશ્મન મુસલમાનોના ઘર ભરે છે, મુસલમાનોને અનાજ ખવડાવે છે અને તેમને લડાઈ માટે તગડા કરે છે. સંસ્થા ઉચ્ચ પોલિસ અધિકારીઓ સાથે ભળી ગઈ છે મુસલમાનો સાથે મળી ગઈ છે અને તોફાન કરનારાઓના નામ-ઠામ આપી દે છે...વગેર વગેરે. આંખ મીંચીને ચાલનારા લોકો એમના ગેરમાર્ગ દોરવાઈ ગયા અને ગેરસમજની ગર્તામાં ઉતરી પડ્યા. તેમણે એવું ના વિચાર્યું કે જે સંસ્થા દલિતોની જ છે અને દલિતો માટે પ્રતિબદ્ધ છે તે સંસ્થા દલિતવિરોધી કેવી રીતે હોઈ જ શકે?

આ સંજોગોમાં તોફાનનો બીજો દોર શરૂ થયો. અપક્ષ કાઉન્સીલરો ડાહ્યાભાઇ વીરાભાઈ તથા ઇતબાલ શેખના સંયુક્ત પ્રયાસથી રાજપુર પોસ્ટ ઑફિસ, શકરા ઘાંચીની ચાલી, જેઠીબાઇની ચાલી, તુલસીનગર વગેરે તદ્દન શાંત અને નિષ્ક્રિય રહ્યા હતા. ત્યાં તકસાધુઓએ કોમી આગ ભડકાવી અને આ વિસ્તારને લપેટમાં લીધો. આ તોફોનોમાં ભોગ બનેલા મુસ્લિમોએ પોલીસ સ્ટેશન તથા રુબરું મજીસ્ટ્રેટ સમક્ષ એમના નામજોગ ગુનો નોંધાવ્યો અને તોફાનો કરાવનારા શકમંદોના નામો આપ્યા.

મુસ્લિમો તરફથી ઊચ્ચ સ્થાનોએ લેખિત ફરિયાદ થતાં શકમંદ ઇસમોની પોલીસ ઘરપકડ શરુ કરી. ગુજરાતીમાંય જેને પોતાનું સાચું નામ-સરનામું લખતાં આવડતું નથી કે ભારતનું સાચું નામ-સરનામું લખતાં આવડતું નથી કે ભારતનુ સાચું બંધારણી નામ પણ જાણતો નથી એવા ભાજપના એક બોઘા ભૂતપૂર્વ કાઉન્સીલરની પણ અનેક અપરાધીઓ સાથે ઘરપકડ કરાઈ. પોતાના જ સ્વાર્થ પાછળ અંધ બની ગયેલા સમાજશત્રુઓ તથા રાજકીય શિયાળવા એક મંચ હેઠળ ખાનગીમાં ભેગા મળ્યા અને દલિત યુથ સર્કલ’ વિરુદ્ધ લોકોને ભડકાવી દીધા.

પ્રતાપનગરમાં તથા અન્યત્ર મારા વિરુદ્ધ આ અરસામાં આ મુદ્દાઓ જોડીને બીજી વધારાની ભડકામણી શરુ થઈ. કોમી તોફાનોમાં પ્રતાપનગરના સામેની તમામ મુસ્લિમ દુકાનો લૂંટી લીધી હતી. તોફાન શાંત થયા પછીના ચાર-પાંચ દિવસો પછી એ બળી-સળગી ગયેલ દુકાનોના મેં એવા ઉમદા આશયથી ફોટા પાડેલા કે આપણી ભાવિ પેઢી એ જોઈ શકે અને એનો વિનાશ જોઇને કઈં માનવીય બોધપાઠ લઈ શકે. મારા ફોટા પાડવાની આ ઘટનાને પ્રતાપનગરના જ બે-ચાર નામર્દોએ જ્યાં-ત્યાં વિકૃત રજુઆતો કરી કે ટીકલાએ કોઇના દુકાન સળગાવતા, દુકાન લૂંટતા, પથ્થરો ભાંગતા કે પેટ્રોલ બોંબ ફેંકતા ફોટાઓ પાડ્યા છે અને તે પોલીસમાં આપવાના છે. મારી જ વિરુદ્ધમાં આ કાયરોએ અન્ય મનઘડંત વાતો તથા મુદ્દાઓ જોડીને ગોબેલ્સ પદ્ધતિથી ભયંકર અપપ્રચાર શરુ કર્યો. લોકોને મારા વિરુદ્ધ  ભડકાવી દીધા. સામ્યવાદી પક્ષમાંથી વાનરગુલાંટ મારીને વિશ્વ હિન્દુ પરિષદની મલાઈ ખાવા જોડાયેલા એક ભાઇએ તો મારી હાજરીમાં જ મારી વિરુદ્ધ ભયંકર આક્ષેપો કર્યા કે ટીકલો સોસાયટીનો ગદ્ધાર છે, સમાજનો ગદ્ધાર છે અને દેશનો ગદ્ધાર છે. ન્યાયના પક્ષે છું તેવું જાણી-સમજીને મારી સાથે રહેલ મારા સાથીદારો વિનુભાઈ સોલંકી (સોસાયટીના ચેરમેન) તથા પ્રવીણ આસોડીયાને પણ એમણે ના છોડ્યા અને લુખ્ખો બડબડાટ કર્યો કે આ બંને જણા પણ મારી ગાંડમાં પેઠા છે, વગેરે... આવા બકવાસથી મારા વિરુદ્ધનું વાતાવરણ ઓર ભડકી ઉઠ્યું અને તેના પરિણામે તદ્દન અંધારામાં અને અજાણતા મારા જ ભાઈ-બહેનોએ મારા વિરુદ્ધ છાજીયા લીધા.

આજે લોકો સમજતા થાય છે કે સામ્યવાદી પક્ષની ઉદ્દામ વિચારસરણી પચાવી ન શકનાર તત્વો સમાજ  મિત્ર છે કે શત્રુ? અડધો ચાવેલો ખોરાક પેટમાં જ ચૂંક આણે છે. જેઓના મગજના સ્થાને મૂત્રપિંડ હોય એનો ન્યાય દલિત સમાજ કઈ રીતે કરશે?

આવા ખંધા લોકોની દલિત સમાજમાં ખોટ નથી. પરન્તુ કોઇએ સાચું જ કહ્યું છે કે તમે થોડા માણસોને બધા સમય માટે મૂર્ખ બનાવી શકશો, બધા માણસોએ થોડા સમય માટે મૂર્ખ બનાવી નહીં શકો. હવે લોકો આ વાત જાણી-સમજી ગયા છે. લોકોને હવે સત્ય સમજાઈ ગયું છે, અને સત્ય પરખાઈ પણ ગયું છે.

આંબેડકરી વિચારસરણી તથા ઉદ્દામ વિચારાધારાને વરેલાઓ માટે ખૂબ મોટો ધડો લેવા જેવો છે. માર્ટીન નીમોલરની કવિતાની જેમ અન્ય પર આતંક અને અત્યાચાર થતો હોય ત્યારે ચુપ રહીશું તો આપણો વારો આવશે ત્યારે આપણા માટે બોલનાર કોઈ બચ્યું નહીં હોય.

અંગ્રેજીમાં કહેવત છે કે,જ્યાં મૂર્ખાઓ રાજ કરે છે, ત્યાં દેવદૂતો ધસી જતા નથી. હિટલર અને ગોલવેલકરના નિર્લજ્જ વંશજો ખુલ્લેઆમ દલિત, શોષિતો પ્રજાને ભોળવે છે, છેતરે છે અને રાજ કરે છે. કોઈ નાગો, અહીં ભૂખ્યો નથી. વિનાશ અને વૈમનસ્યની અહીં બોલબાલા છે. આ સંજોગોમાં સત્યને ક્યાં સુધી ગુંગળાવા દઇશું? સત્યને ક્યાં લગી પીંખાવા દઇશું? સત્ય માટે શહીદી વહોરવી તો અત્યંત ગૌરવની વાત છે. આપણે પણ અસ્મિતાની લડાઈ શરુ કરી છે અને જંગ ખેલ્યો છે. આપણે હારીને હઠી જવાનું નથી. આવનારા આનાથી અતિશય કાતિલ સમય માટે તૈયારી કરવાની છે. અને ’ગની’ દહીંવાલાના શેરમાંથી સંદેશ લેવાનો છે:

’કહો દુશ્મનને હું દરિયા જેમ પાછો આવીશ જરુર,
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.’