બુધવાર, 27 નવેમ્બર, 2013

સર, સિંઘલ બોલું છું



કોબરા પોસ્ટે બહાર પાડેલી ઑડીયો ટેપ્સ દરેક જાગૃત નાગરિકે સાંભળવા જેવી છે. નમોના ખાસ અમિત શાહે એક મહિલાની જાસુસી કરવાનું કામ એટીએસના વડા સિંઘલને સોંપ્યું હતું. ખાસા સપ્તાહો સુધી ચાલેલા ઘટનાક્રમ દરમિયાન સિંઘલે અમિત સાથે મોબાઇલ પર થયેલી તમામ વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. ‘ગુડ ગવર્નન્સ’નો અભ્યાસ કરવા માગતા સંશોધકો જ નહીં, બલ્કે મોદીના રાજકીય વિરોધીઓને પણ આ ટેપ્સમાં રસ પડ્યો હોય તો તેની તમામ ક્રેડિટ અમિત શાહને આપવી પડે.

અમિત શાહ સોરાબુદ્દીન એનકાઉન્ટરમાં સંડોવાયેલા છે. ગુજરાતની મોદી-ભક્ત પ્રજા પ્રમાણિકપણે માને છે કે સોહરાબુદ્દીન ત્રાસવાદી હતો, બુટલેગર હતો, સ્મગલર હતો, એના ઘરના કુવામાંથી એકે 47 જેવી રાઇફલોનો જખીરો મળ્યો હતો, એટલે એને ઠાર મારવામાં કોઇએ કશું જ ખોટુ કર્યું નથી અને એની સાથે એની બૈરી પણ મરી ગઈ, એમાં પોલિસનો કંઇ જ વાંક નથી. સૂકા ભેગું લીલુ ક્યારેક બળે જ છે. આવું દિલથી માનનારા પ્રજાજનો જ્યારે આ ટેપમાં અમિત શાહને એવું બોલતા સાંભળે કે, "એ (પ્રદીપ શર્મા) વણઝારા કરતા પણ વધારે વખત જેલમાં રહેવો જોઇએ" ત્યારે એમને ભયંકર આઘાત લાગે છે. આમ પણ પોલિસની મથરાવટી મેલી છે અને રાજકારણીઓએ તો સમગ્ર પોલિસતંત્રનો રખાત તરીકે ઉપયોગ કર્યો હોય એવું સ્પષ્ટ જણાય છે.   

મોદી-ભક્તોના નમો પ્રત્યેના પ્રેમમાં લગીરે ઓટ આવે એવું અમે ઇચ્છતા નથી. પરંતુ આ ટેપ્સ દરેક મોદી-ભક્તે અચૂક સાંભળવા જેવી છે. આ ટેપ્સ સાંભળ્યા પછી લાગે છે કે અમિત શાહ સાવ નવરો માણસ છે. એને કોઈ કામધંધો નથી અને એક સ્ત્રી પાછળ આદુ ખાઈને પડ્યા છે. કદાચ આવા બેજવાબદાર માણસોને કારણે જ ગુજરાતની દસ હજાર કરતા વધારે સગીર કન્યાઓ રાજ્યની બહાર કુટણખાનાઓમાં વેચાઈ ગઈ હશે. 

ગામના કોઈ ખૂણે પાડો મૂતરે એના માટે પણ મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવવાની માનસિકતામાંથી તો બચવું જ રહ્યું. પરંતુ, જે લોકો આતંકવાદ વિરોધી ઓપરેશન્સ જેવા મહત્વના કામોમાં પરોવાયા હોય તેમને આવા પારકી પંચાતના કામે ધંધે લગાડી દેવાના હોય તો આતંકવાદથી પ્રજાને બચાવવાની વાતો તો કેવળ ગુલબાંગો જ કહેવાય. કદાચ આવી માનસિકતાને કારણે જ ગુજરાતમાં આતંકવાદમાં અસંખ્ય નિર્દોષ માણસો માર્યા ગયા હશે. 

ખેર, હાલ તો અમિત-મોદીની પોલ ઉઘાડનારી આ ટેપ્સ જાહેર કરવા બદલ સિંઘલને સલામ.

બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

નાલાયક સાલુ ગુગલ



આજે ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાં શબદ કીર્તન કોલમમાં પરેશ વ્યાસ લખે છે, "ગુગલ સર્ચ એન્જિનમાં તમે ‘મોદી જગરનોટ’ શબ્દ ટાઇપ કરો તો 1,35,000 વેબસિટનું લિસ્ટ ખૂલે છે." પછી પરેશ વ્યાસ મોદીની ભાટાઇના અતિરેકમાં ભાન ભૂલીને વખાણના ઢગલાં ઠાલવે છે. પરેશની સલાહ માનીને અમે બીજો એક પ્રયોગ કર્યો. ગુગલ સર્ચ એન્જિનમાં ‘મોદી રાસ્કલ’ શબ્દ ટાઇપ કર્યો અને 2,87,000 વેબસાઇટનું લિસ્ટ ખૂલ્યું. નાલાયક સાલૂ ગુગલ. અમેરિકાનું એજન્ટ છે.

રવિવાર, 28 એપ્રિલ, 2013

ભારતમાં ફાસીવાદના મૂળ: શું આપણે રોકી શકીશું?

સવારથી ચર્ચા ચાલી રહી છે. ફાસીવાદ એટલે શું? હું કોઈ મોટો પ્રોફેસર નથી, પરંતુ એક જ લીટીમાં તમને કહું કે ફાસીવાદ એટલે શું. ગુજરાતમાં મુસલમાનોની વસતી કેટલી છે? દસ ટકા. ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો છે. દસ ટકા પ્રમાણે વિધાનસભામાં મુસલમાનોના 17 ધારાસભ્યો હોવા જોઇએ. હાલ કેટલા છે? માત્ર ત્રણ. હવે હું બે વાક્યો બોલું છું. એક. "ગુજરાત વિધાનસભામાં મુસલમાનોના સત્તર ધારાસભ્યો હોવા જોઇએ." અને બીજું વાક્ય. "સર્વે સન્તા સુખિન ભવન્તુ. સર્વે સન્તુ નિરામયા." હવે તમને કયા વાક્યમાં સમજ પડી? પહેલા વાક્યમાં સમજ પડી. બીજા વાક્યમાં ના પડી. તો જેમાં તમને સમજ ના પડે એ ફાસીવાદ. તમે જ્યારે એમ કહો કે ગુજરાતમાં વિધાનસભામાં અમારા મુસલમાનોના સત્તર ધારાસભ્યો હોવા જોઇએ, ત્યારે ફાસવાદી તમને કહે છે, "સર્વે સન્તા સુખિન ભવન્તુ. સર્વે સન્તુ નિરામયા." એટલે કે અગડમ્ બગડમ્. 

ફાસીવાદ નથી ઇચ્છતો કે કોઈ મુસલમાન આ દેશનું પ્રતિનિધિત્વ કરે, નેતાગીરી કરે. જો કોઈ મુસલમાન સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરે તો તેને ખતમ કરવો. તેની હત્યા પણ કરી નાંખવી. જે રીતે અહેસાન જાફરીની કરી તેમ. અને આ બાબત માત્ર મુસલમાનને જ લાગુ નથી પડતી. ફાસીવાદ આ દેશમાં દલિતો, આદિવાસીઓ, મુસલમાનોથી માંડીને તમામ વંચિત સમુદાયોના સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક અધિકારો ખતમ કરવા માંગે છે. એ ધ્યાનમાં રાખજો. 

હવે હું તમારી સમક્ષ એક પત્રીકા વાંચુ છું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આ પત્રીકા બહાર પાડવામાં આવી હતી. તેમાં અંબાજી માતાના મંદિરનો ફોટો છે. ઉપર લખ્યું છે,"બોલ મારી અંબે.... જય જય અંબે" ફોટાની નીચે કેટલાક વાક્યો લખ્યા છે, જે આ પ્રમાણે છે, "કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર જગપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર આતંકીઓના હિટ લિસ્ટમાં છે ત્યારે.... શું મા જગદંબાના ટ્રસ્ટમાં એક મુસ્લિમને બેસાડવાનો છે? જરા વિચારો ...... જો દાંતામાં કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર જીતે તો અંબાજી ટ્રસ્ટમાં આપોઆપ સભ્ય બને – શું કરશું? મા જગદંબાના સ્થાનની પવિત્રતા જળવાઈ રહે એ આપણા સૌનું કર્તવ્ય છે. બોલ મારી અંબે ..... જય જય અંબે ...... પ્રકાશક: મહેસાણા માઈ મંડળ

આવી હજારો પત્રીકાઓ છપાવીને દાંતા મતવિસ્તારમાં વહેંચવામાં આવી અને કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર હારી ગયો. આ છે ફાસીવાદ, જે ધર્મના નામે લોકોને ઉશ્કેરે છે, વિભાજીત કરે છે અને એક કોમના રાજકીય પ્રતિનિધિત્વને ખતમ કરે છે. 

મધુ કીસ્વાર નામની એક બાઈ નરેન્દ્ર મોદીની ભગતાણી છે. હમણા જુનાગઢમાં આવી હતી અને મીડીયા આગળ મોદીની મંજીરા વગાડીને ગઈ. આ બાઈએ કાફીલા નામની વેબસાઇટ પર લખેલા લેખમાં મોદી સરકારને મળેલા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડોની લાંબી યાદી મુકી. આમાંના મોટાભાગના એવોર્ડો તો વર્તમાન યુપીએ સરકારે આપ્યા છે. આમ કેમ? બીજી તરફ, ગુજરાત સરકારના દરેક દસ્તાવેજમાં આ એક વાક્ય હોય છે કે, "1991માં કેન્દ્ર સરકારે (એટલે કે મનમોહને) અર્થતંત્રને ખુલ્લુ કર્યું (એટલે કે વૈસ્વિકરણ કર્યું) એ પ્રક્રિયાના સુફળ સૌથી વધારે ગુજરાતે ચાખ્યા છે." એટલે કે ગુજરાતે હાલ જે કહેવાતો વિકાસ કર્યો છે તેમાં મનમોહનનો મોટો ફાળો છે. તો પછી ભાઈ મોદી તમારે મનમોહન સામે શું વાંધો છે? તમે વડાપ્રધાન બનીને એ સિદ્ધ કરવા માગો છો કે જુઓ હું તાતા, અદાણી, અંબાણી, એસ્સાર, જિંદાલ, બિરલા વગેરેના તળિયા મનમોહન કરતા વધારે સારી રીતે ચાટી શકું છું? આ તો દેશના મૂડીપતિઓના પગના તળિયા ચાટવાની હરિફાઈ છે. 

ફાસીવાદનું એક બીજુ મહત્વનું લક્ષણ તમને કહી દઉં. ફાસીવાદ કહે છે અને ઇચ્છે છે કે તમે જુહાપુરામાં બેઠા બેઠા તમારા રોદણાં રોવો. દલિતો થાનગઢમાં અને આદિવાસીઓ સોનગઢ કે સાગબારામાં બેઠા બેઠા એમનું દુખ રડ્યા કરે. તમે ત્રણેય સમદુખીયા છો, પરંતુ તમે ક્યારેય સાથે બેસીને તમારા દુખ વહેંચો નહીં, તમે માત્ર એકબીજાના દુશ્મન બનો, એ જ ફાસીવાદ ઇચ્છે છે. એટલે જો તમારે ફાસીવાદને હરાવવો હોય તો તમામ વંચિતો સાથે મળીને એકબીજાના દુખ દુર કરવા લડો. ફાસીવાદ ખતમ થઈ જશે.

- રાજુ સોલંકી

"ભારતમાં ફાસીવાદના મૂળ: શું આપણે રોકી શકીશું?" વિષય પર કર્મશીલોની સભામાં આપેલા વક્તવ્યના કેટલાક અંશો, આયોજકો: અનહદ, જનવિકાસ, પર્યાવરણ મિત્ર, પ્રશાંત, બીએસસી, વગેરે. સ્થળ: મહેંદી નવાજ જંગ હોલ, અમદાવાદ, તા. 27 એપ્રિલ, 2013)

બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

શું રાજ્ય દ્વારા થતું ભૂમિપૂજન બિનસાંપ્રદાયિક છે?



રામ પુનિયાની

પોલીસ સ્ટેશનો અને અન્ય ઇમારતો જેવા સરકારની માલિકીના જાહેર સ્થળોએ હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ, ફોટા અને પ્રતીકોની ઉપસ્થિતિ હવે સર્વસામાન્ય બાબત બની ગઇ છે. એ જ પ્રમાણે રાજ્ય સંચાલિત બસોમાં પણ દેવો અને દેવીઓનો ફોટા હોય છે. આ સાચુ છે કે ખોટુ એ વિચારવાનું પણ આપણે હવે બંધ કરી દીધુ છે. સામાન્યપણે એવું જોવા મળે છે કે, રાજ્યના પ્રોજક્ટો માટે શિલાન્યાસ થાય ત્યારે મોટાભાગે હિન્દુ વિધિ થાય છે. આ પરંપરા એક પ્રકારનું રુટિન બની ગઈ છે અને મોટાભાગના લોકો તેના અંગે વિચારતા નથી.

એ બાબત યાદ કરવા જેવી છે કે, આઝાદી પછી પ્રબુદ્ધ વિદ્ધાનોએ સરકારની અધકચરી બિનસાંપ્રદાયિકતાની ટીકા કરી હતી. પંડિત નેહરુ જયારે વડાપ્રધાન હતા ત્યારે કેંદ્રીય પ્રધાનમંડળે રાજ્યના નાણામાંથી સોમનાથ મંદિરનું નિમાર્ણ કરવાની દરખાસ્ત ફગાવી દીધી હતી, એટલુ જ નહીં, તો વખતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને ભારતના રાષ્ટ્રપતિ તરીકે સોમનાથ મંદિરનુ ઉદ્ઘાટન કરવા નહીં જવાની પણ સલાહ આપવામાં આવી હતી. જાહેર સેવકોની પવિત્ર સ્થળોની મુલાકાત માધ્યમોની ચકાચૌંધથી દૂર, ચુસ્તપણે ખાનગી બાબત હતી, પરંતુ હવે સમય બદલાઇ રહ્યો હોય એવું જણાય છે.

રાજકારણીઓ સારી પેઠે પ્રસિદ્ધિ પામતી વિવિધ મુલાકાતો દ્વારા દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા એકબીજા સાથે હોડમાં ઉતર્યા છે. રાજ્ય-પ્રાયોજિત ઇમારતોના ઉદ્ઘાટકીય સમારંભોમાં બ્રાહ્મણ પુરોહિતોની ઉપસ્થિતિમાં, શિલાન્યાસ અને ભૂમિપૂજનની વિધિ થાય છે. અને બ્રાહ્મણ પુરોહિતો મંત્રોના ઉચ્ચારણો દ્વારા અધિભૌતિક શક્તિઓનુ આહવાન કરવા શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. આ પરિસ્થિતિમાં, ગુજરાતના દલિત કર્મશીલ રાજેશ સોલંકીએ હાઇકોર્ટની નવી ઇમારત માટેના શિલાન્યાસ સમારોહના ભાગરુપે થયેલા ભૂમિપૂજન અને મંત્રોચ્ચારો સામે દાખલ કરેલી જાહેર હિતની અરજી બિનસાંપ્રદાયિક ભૂમિકાને દ્રઢ કરવાના એક પગલા સમાન છે.

ઉપરોક્ત કાર્યક્રમ ગુજરાતના રાજ્યપાલ, હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો. સોલંકીની અરજીમાં રજૂઆત એવી હતી કે એક બિનસાંપ્રદાયિક રાજ્યએ ધાર્મિક વિધિઓ કરવી જોઇએ નહીં. આવી પૂજાવિધિ ભારતના બંધારણના બુનિયાદી સિદ્ધાંતોનો ભંગ કરે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે. અને બંધારણે રાજ્ય અને ધર્મ વચ્ચે ભેદરેખા દોરી છે. સોલંકીએ દલીલ કરી હતી કે બ્રાહ્મણ પુરોહિતો દ્ધારા પૂજા અને મંત્રોચ્ચારથી ન્યાયતંત્ર તેનુ બિનસાંપ્રદિયક ચરિત્ર ગુમાવી બેસશે.

અરજદારની બુદ્ધિવાદી અને બિનસાંપ્રદયિક અરજી બહાલ રાખવાના બદલે અદાલતે અરજી ફગાવી દીધી. એટલુ જ નહી અરજદારના ઇરાદાઓ અંગે શંકા સેવીને તેનો રૂ. ૨૦,૦૦૦નો દંડ કર્યો. ન્યાયમુર્તિઓએ ત્યાં સુધી કહ્યુ કે બાંધકામ સમયે ઘરતીને ખોદવામાં આવે છે. અને તેના પર ભાર સર્જવામાં આવે છે. ધરતીની માફી માગવા માટે અને બાંધકામ સફળ થાય તે માટે ભૂમિપૂજન કરવામાં આવે છે. અને આ બધું સર્વજનહિતાય કરવામાં આવે છે, કેમકે તે વાસુદેવ કુટુંબકમ અને સર્વજન સુખિનો ભવન્તુના હિન્દુ મૂલ્યો સાથે બંધ બેસે છે.

આ કેસમાં હાઇર્કોટે કરેલી વિવિધ દલીલોમાં ઘણો બધો ગુંચવાડો છે. સૌ પ્રથમ જોઇએ તો, બાંધકામ કરવા માટે ઘરતીની પુજા કરવી જોઇએ, એ સિદ્ધાંત સંપૂર્ણપણે હિન્દુ સિદ્ધાંત છે. અન્ય ધર્મોના લોકો તેમના બાંધકામના કાર્યા શરુ કરતા પહેલાં અલગ અલગ વિધિ કરશે, જેમ કે ખ્રિસ્તી પાદરીઓ હોલી વોટર છાંટશે. નાસ્તિકો પર્યાવણીય સંતુલન અંગે વધારે ચિંતિત હશે અને ભુસ્તરશાસ્ત્રીય અને સ્થાપત્યના પાસાઓની દરકાર રખાય છે કે નહી તેનું ધ્યાન રાખશે. રાજ્યની કામગીરી માટે એક ધર્મના પાલનનો કાનૂની બચાવ ભારતીય બંધારણના પાયાના સિદ્ધાંતોના ભંગથી વિશેષ કશું જ નથી. ભારતીય બંધારણ એ બાબતની ખાત્રી આપે છે કે રાજ્ય તમામ ધર્મોથી સરખું અંતર જાળવશે અને તેમની સાથે સમાન વ્યવહાર કરશે. એસ.આર. બોમ્માઈ કેસમાં આ બાબત ભારપૂર્વક જણાવવામાં આવી હતી. એસ. આર. બોમ્માઈ કેસમાં બિનસંપ્રાદયિકતાનો અર્થ આ રીતે ઘટાવાયો હતો, ૧) રાજ્યનો કોઇ ધર્મ નથી, ૨) રાજ્ય ધર્મથી અલગ છે, અને રાજ્ય કોઇપણ ધર્મને પ્રોત્સાહન નહી આપે કે કોઇપણ ધર્મથી ઓળખાશે નહી.

એ સાચુ છે કે ઘણા ધર્મોના નૈતિક મૂલ્યો વ્યાપકપણે સમાજ સ્વીકારી શકે છે, જેમ કે "વસુધૈવ કુટુંબકમ" (હિન્દુ ધર્મ) કે "તમામ મનુષ્યો એકબીજાના ભાઇ છે" (ઇસ્લામ) કે" લવ ધાઇ નેબર" (ખ્રિસ્તી). પરન્તુ, ધાર્મિક કર્મકાંડો (કે વિધિઓ) સાવ જુદી જ બાબત છે. તમામ ધર્મોનું હાર્દ કર્મકાંડો નથી, પરન્તુ  નૈતિક મૂલ્યો છે. લોકોના મગજમાં અને વહેવારોમાં તો આ કર્મકાંડો જ ધર્મ તરીકે ઓળખાય છે. આ સામાજિક સમજણની બાબત છે અને વિવિધ ચિંતન પ્રણાલીઓ આ અંગે અલગ અભિપ્રયો ધરાવતી હશે. મુખ્ય મુદ્દો એ છે કે કબીર, નિઝામુદીન ઓલીયા અને ગાંધીની કક્ષાના સંતાએ ધર્મના નૈતિક પાસાઓ પર ભાર મુકયો હતો. જ્યાં સુધી ધર્મના વહેવારુ સમયનો સવાલ છે, ત્યાં સુધી લોકોને તેમની સામાજિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત  પ્રથાઓ અનુસરતા કોઇ રોકતું નથી. આ પ્રથાઓ પ્રત્યેક ધર્મમાં અત્યંત જુદી જુદી છે, એટલું જ નહી એક જ ધર્મમાં વિવિધ સંપ્રદાયો પણ અલગ ધાર્મિક પ્રથાઓને અનુસરે છે.

આવો ચુકાદો બંધારણના અનુચ્છેદ ૫૧(એ) ની સંપૂર્ણ વિરુદ્ધમાં છે. અનુચ્છેદ ૫૧(એ) સમાજમાં" બુદ્ધિવાદી ચિંતનને પ્રોત્સાહન આપવા આદેશે છે. રાજ્ય દ્વારા કોઇ ચોક્કસ ધર્મની ધાર્મિક વિધિઓ આપણા બંધારણના હાર્દની વિરુદ્ધમાં છે. અને ઘણા બધા કિસ્સાઓમાં તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા જ હોય  છે. અંધશ્રદ્ધા સમાજને પ્રતિગામી દિશામાં ધકેલશે. આજે આપણે જાણીએ કે જ્યાં સુધી બાંધકામનુ સ્થળ યોગ્ય રીતે પંસદ કરવામાં ના આવે, ભુસ્તરશાસ્ત્રીય અને બાંધકામના પાસાઓની વૈજ્ઞાનિક રીતે દરકાર લેવામાં ના આવે તો, અકસ્માતો સર્જાતા હોય છે. એટલે જ સરકારે બાંધકામના નિયમો વિકસાવ્યા છે, જેનુ પાલન થવું જરુરી હોય છે. અને આપણે જોયુ છે કે આવા નિયમોના ભંગથી અકસ્માતો સર્જાયા છે. આપણી અદાલતોએ કોઇ એક વર્ગની પ્રથાઓ રાજ્યની પ્રથાઓ તરીકે સ્વીકારાય તેવું જટીલતાપૂર્વક પુરવાર કરવાના બદલે બંધારણના ઉપરોક્ત પાસાઓને પ્રોત્સાહન આપવાની જરુર છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ કહેલું કે "મારા સમગ્ર જીવન દરમિયાન જેના નિર્માણ માટે મેં કામ કર્યું છે તેવા ભારત દેશમાં દરેક માણસ સમાન દરજ્જો ભોગવે છે, એનો ધર્મ ગમે તે હોય, રાજ્ય સંપૂર્ણપણે બિનસાંપ્રદયિક હોવું જ જોઇશે. (હરિજન, ૩૧ ઑગસ્ટ, ૧૯૪૭) અને ''ધર્મ રાષ્ટ્રીયતાની કસોટી નથી, પરન્તુ માણસ અને ઇશ્વર વચ્ચેની વ્યક્તિગત બાબત છે.'' (એજ, પાનુ ૯૦) અને "ધર્મ દરેક વ્યક્તિની વ્યક્તિગત બાબત છે, તેથી રાજકરણ સાથે અથવા રાષ્ટ્રીય બાબતો સાથે ભેળસેળ હરગીજ કરવી જોઇએ નહી.''(એજ, પાનુ ૯૦)

છેલ્લા કેટલાક દાયકાઓમાં હિન્દુ ધાર્મિક પ્રથાઓ રાજ્યની પ્રથા તરીકે સ્વીકૃત બનેલી છે અને  આના અંગે પુનર્વિચારનો સમય પાકી ગયો છે.
(સૌજન્ય: મિલિ ગેઝેટ,   -૧૫ એપ્રિલ, ૨૦૧૧)