સોમવાર, 14 જાન્યુઆરી, 2013

ગુણવંત શાહની સેક્યુલારિઝમ પર એક વધુ લવારી: "વોટ બેન્કથી ખરડાયેલા સેક્યુલારિઝમનો અગ્નિસંસ્કાર"


તા. 13 જાન્યુઆરી, 2013ના દિવ્ય ભાસ્કરમાં ગુજરાતના સ્વ-ઘોષિત, મીડીયા-પોષિત બુદ્ધિજીવી ગુણવંત શાહે સેક્યુલારિઝમ પર એક વધુ લવારી કરી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વિજયને ધ્યાનમાં રાખીને ગુણવંતલાલે "વોટ બેન્કથી ખરડાયેલા સેક્યુલારિઝમનો અગ્નિસંસ્કાર" નામનો લેખ લખ્યો. તેઓ લખે છે, "માનવતાના વિશાળ ખેતરમાં ઉછેર પામેલા ઘટાદાર વૃક્ષનું નામ સેકયુલારિઝમ છે. એ વૃક્ષની નીચે સંકુચિત જાતિવાદ કે કોમવાદ ટકી જ ન શકે. સ્વરાજ મળ્યા પછી પંડિત નેહરુ અને તેમના વંશજોએ એક એવી આબોહવા ઉભી કરી કે સેક્યુલારિઝમ જેવા ભવ્ય વૃક્ષની ઘટામાં માનવની જગ્યાએ કેવળ મુસલમાન ગોઠવાઈ ગયો. પરિણામ શું આવ્યું? ભારતના 82 ટકા હિન્દુઓએ છેક 1985 સુધી રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી ગણાતા પક્ષને જરાય ટેકો આપ્યો ન હતો, તે પક્ષને છેવટે દિલ્હીની ગાદી સુધી પહોંચાડી દીધો. ભારતના મુસ્લિમોને સૌથી મોટો અન્યાય કઈ બાબતે થયો? એમને વોટબેન્કના ગંદા રાજકારણ હેઠળ દેશના નોર્મલ નાગરિક ગણવાને બદલે ઢગલો કે ગઠ્ઠો ગણીને એમને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહથી વેગળા ને વેગળા જ રાખવામાં આવ્યા. વર્ષો સુધી જે ગઠ્ઠો કોંગ્રેસની વોટબેન્ક તરીકે જીવ્યો, તે ગઠ્ઠો પાછળથી મુલાયમ સાથે, લાલુ સાથે, માયાવતી સાથે જોડાયો. એ ગઠ્ઠો હવે માંડ માંડ પીગળી રહ્યો છે અને શિક્ષણનું પ્રમાણ વધતું જાય તેમ તેમ નોર્મલ નાગરિકતા ધારણ કરી રહ્યો છે. કટ્ટર ધાર્મિકતાના વળતા પાણી થાય તો જ નાગરિક ધર્મનો ઉઘાડ પ્રગટે. કટ્ટરતા કેવળ મુસ્લિમનો જ ઇજારો નથી."
 
મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ખતમ કરવાનો એજન્ડા ગુજરાતમાં એની ચરમસીમાએ છે, એ પ્રક્રિયાને ભાઈ ગુણવંત કહે છે કે "એ ગઠ્ઠો હવે માંડ માંડ પીગળી રહ્યો છે." નરેન્દ્ર મોદીને સારા સાબિત કરવા માટે ગુણવંતલાલ લખે છે કે "પ્રવીણ તોગડીયા નરેન્દ્ર મોદીથી નાખુશ છે. મોદી કદાચ તેમને ઓછા હિન્દુ જણાય છે. મોદી સરકારે રસ્તામાં નડતાં કેટલાય મંદિરો તોડ્યાં તે એમને ગમ્યુ નહીં હોય." ગુણવંતલાલના કહેવા પ્રમાણે, પ્રવીણ તોગડીયા મોદીથી નાખુશ છે કેમ કે મોદીએ મંદિરો તોડ્યા છે. હકીકત એ છે કે આ દેશમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાન હજુ અમલમાં છે અને તેને કારણે તોગડીયાના અસંખ્ય સાથીદારો જેલમાં છે. એમને મોદીએ બચાવ્યા નથી કે બચાવી શક્યા નથી, તેથી તોગડીયા મોદીથી નારાજ છે, બે-ચાર મંદિરોના તૂટવાથી નારાજ નથી. 

વોટબેન્કના ગંદા રાજકારણને ગુણવંતલાલ છાશવારે ગાળો ભાંડે છે. ગુજરાતના પટેલોએ ચૂંટણી પહેલાં જે કંઈ કર્યું, અને તેને પ્રતાપે આજે એમની વસતી કરતા પણ વધારે પ્રમાણમાં પ્રધાનો બન્યા છે, તે વોટબેન્કનું રાજકારણ નથી? ગુણવંતલાલના શું આ ડબલ સ્ટાન્ડર્ડ નથી? પટેલો કરે તે લોકશાહી અને બીજા કરે તે ગંદુ રાજકારણ

નેહરુ અને કોંગ્રેસીઓને ભાંડતા ગુણવંતલાલ આ જ લેખમાં આગળ ગૌશાળા માટે લાખો રૂપિયાનું દાન કરતા અહેમદ પટેલને બિરદાવે છે. અહેમદ પટેલ જેવા મુસલમાનોએ સોનાયાબહેનને રાજકીય સલાહો આપ્યા કરવાની અને ક્યારેક ગૌશાળા માટે પાંચ-દસ લાખનું દાન કરી દેવાનું, એટલે ગુણવંતલાલો ખુશ! આ ક્યાંનો ન્યાય? 

રોમિલા થાપરે તાજેતરમાં ઉમાશંકર જોષી મેમોરીયલ લેક્ચર આપેલું તેની જીકર કરીને ગુણવંતલાલ ગઝનીની સાથે આવેલા અલબેરુનીને ટાંકીને કહે છે કે ગઝનીએ કેવા ભયાનક અત્યાચારો કર્યા હતા. મજાની વાત તો એ છે કે રોમીલાએ આ જ વાત પર તેમના લેક્ચરમાં ભાર મુક્યો હતો. તેમણે કહેલું કે સોમનાથનો ઇતિહાસ પર્શીયન સ્રોતો પર આધારીત ધોળીયા ઇતિહાસકારોએ લખ્યો છે અને તેમાં ભારોભાર અતિશયોક્તિ છે. આજના સમયમાં આવડી લોકશાહીના દૌરમાં પણ જો ગુણવંતલાલ જેવા લેખકો સત્તાધીશોની ખુશામત કરવા આટલો બધો પસીનો પાડતા હોય તો હજાર વર્ષ પહેલાં વાત વાતમાં ખતના કરનારા અને સર કલમ કરનારા ગાંડીયા બાદશાહો-સુલતાનોના દરબારી લેખકો એમના કહેવાતા વિજયોનું કેવું ચિત્રણ કરતા હશે તે આપણે સમજી શકીએ છીએ. વધારે વિગતો માટે વાચક-મિત્રોને મારો લેખ सोमनाथ का ऐतिहासिक परिप्रेक्ष्य - रोमीला थापर મારા બ્લોગ सेक्युलर गुजरात પર વાંચવા વિનંતી છે.  

ગુણવંતલાલ વડોદરાના પ્રો. બંદુકવાલાને "કોમવાદી" કહે છે. તેમના કહેવા પ્રમાણે બંદુકવાલા હજુ પણ "વી મુસ્લિમ"ની ભાષામાં જ વાત કરે છે. બંદુકવાલાએ તાજેતરની ચૂંટણીઓ અંગે પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે, "એમના જીવનકાળ દરમિયાન ગુજરાતમાં ગાંધી કદી પણ લોકપ્રિય પાત્ર ન હતા. ગુજરાતીઓ તો સ્વામી દયાનંદ, કે. એમ. મુનશી અને મહંમદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી તે વાતે ઘણા વધારે પ્રભાવિત થયેલા છે. આવી પ્રચ્છન્ન મુસ્લિમ-વિરોધી લાગણીનો સફળતાપૂર્વક ગેરલાભ લઇને મોદીએ એને જોરદાર હથિયારમાં ફેરવી નાખી." રોમિલાજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના તેમના પ્રવચનમાં "નવલકથાકાર" ક. મા. મુનશીની ઇતિહાસસૂઝ અંગે પાયાના સવાલો ઉઠાવ્યા હતા. આ દેશના ઇતિહાસને "હિન્દુ", "મુસ્લિમ" કે "અંગ્રેજ"ના ખાનાઓમાં શા માટે વહેંચવો જોઇએ? 

સમગ્ર લેખમાં ગુણવંતલાલે એક જ વાત સાચી કરી છે અને તે પણ જ્યારે તે મધુ કિશવારને ઉદ્ધુત કરે છે ત્યારે. આઉટલુકના તા. 31-12-2012ના એ લેખમાં મધુ કહે છે કે, "ગુજરાતમાં 2012માં જાતિનું નિકંદન થયું તેને મોદીનો અક્ષમ્ય ગુનો ગણવામાં આવે છે, પરંતુ એ હુલ્લડો વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સાથે કોંગ્રેસના સ્ત્રી-પુરુષો પણ જોડાયા હતા." ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે એમાં નવાઈ શું છે! પરંતુ, જે માણસને "જેનોસાઇડ"નું ગુજરાતી આવડતું નથી અને તેનો અનુવાદ "જાતિ" કરે છે એવો માણસ દિવ્ય ભાસ્કરના પાને બેસીને આખા ગામનું ડહાપણ ડોળે છે એ ગુજરાતના બૌદ્ધિક જગતની મોટી કમનસીબી છે.