રવિવાર, 18 નવેમ્બર, 2012

બાલ ઠાકરેના મૃત્યુ ટાણે


"1985માં સંભાજીનગરની ચૂંટણી પછી મરાઠાવાડામાં શિવસેનાનો પ્રસાર ખૂબ જ ઝડપથી થયો. સેનાનું મુખ્ય શસ્ત્ર આંબેડકર વિરોધ હતું, મરાઠાવાડામાં દલિતોને બાદ કરતા બાકીના લોકો સામાન્ય રીતે નામાંતરના પક્ષમાં નહોતા, આ વાત શિવસેનાના ધ્યાનમાં આવી હતી. નામાંતરનો વિરોધ કરીશું તો એનાથી રાજકીય લાભ ચોક્કસ મળશે એવા રાજકીય લાભ-નુકસાનનો વિચાર કરીને શિવસેનાએ નામાંતર વિરોધી ભૂમિકા અપનાવી. બાળાસાહેબ ઠાકરેએ ઘોષણા કરી કે કોઇપણ પરિસ્થિતિમાં મરાઠાવાડા વિશ્વ વિદ્યાલયનું નામાંતરણ થવા દેવાશે નહીં. એવો પ્રચાર પણ કર્યો કે, "ડૉ. બાબાસાહેબ આંબેડકર નિઝામના એજન્ટ હતા." આવા પ્રચારથી આંબેડકરના અનુયાયી ખૂબ જ ગુસ્સે થયા અને એક વખત ફરી મોરચો, પ્રતિ મોરચો અને ધમકીઓનું પૂર આવ્યું. રીડલ્સ પ્રશ્નને લઇને જે રીતે સામાજિક વાતાવરણ વધુ ને વધુ ગરમ થતું ગયું એ જ રીતે ફરીથી વાતાવરણ ગરમ થવા લાગ્યું. આ બધી ઘટનાઓ 1992 જુલાઈ અને ઑગસ્ટ મહિનાની છે."
                                                           (પાનુ 109. હું, મનુ અને સંઘ. રમેશ પતંગે)

આરએસએસના એક કાર્યકર્તાએ તેમના પુસ્તકમાં બાળ ઠાકરેની દલિત-વિરોધી ભૂમિકાનું આ રીતે સચોટ ચિત્રણ કર્યું છે. હિટલરનો પ્રસંશક ઠાકરે વાઘ હતો કે શિયાળ હતો, જર્મન હતો કે ભારતીય હતો આ પ્રશ્નો હાલ પૂછવાનું માંડી વાળીએ, પરંતુ ક્યારેક દક્ષિણ ભારતીયો તો ક્યારેક બિહારીઓની વિરુદ્ધમાં ઝેર ઓકનારા આ ઇસમને "દેશભક્ત"નું બિરુદ આપનારાઓની દયા ખાશો નહીં. 


1988માં શિવસેનાએ બાબાસાહેબ આંબેડકરના ગ્રંથ 'રીડલ્સ ઇન હિન્દુઇઝમ'નો વિરોધ કર્યો હતો. આ ગ્રંથના પરિશિષ્ટ "રીડલ્સ ઑફ રામ એન્ડ ક્રિષ્ના' (રામ અને કૃષ્ણના ગુઢ કોયડા) સામે મુખ્ય વિરોધ હતો. એમાં બાબાસાહેબે જે લખ્યું હતું એમાં કશું નવું નહોતું. વાલ્મીકિ રામાયણ અને બૌદ્ધ રામાયણમાં સદીઓ પહેલાં એ બધી વાતો લખાઈ ચૂકી છે. પરંતુ, 1988માં શિવસેના-ભાજપ સહિત સમગ્ર સંઘ પરિવાર અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ્ત કરવાની યોજના પાર પાડવા ધસમસતા જઈ રહ્યા હતા. રામની આભામાં સહેજ પણ તિરાડ પડે તે તેમને મંજુર નહોતું. રીડલ્સના પુસ્તકની હોળી સાથે શિવસેનાએ મુંબઈમાં બે લાખની રેલી કાઢી, ત્યારે આંબેડકરવાદીઓએ ચાર લાખની રેલી કાઢી અને ઉગ્ર યુવાનોએ હુતાત્મા ચોકમાં મહારાષ્ટ્રના સ્વાભિમાન પર લઘુશંકા કરીને સમગ્ર દેશને સંદેશ આપ્યો કે બાબાસાહેબના વિચારોને દફનાવવાનો પ્રયાસ થશે તો શું પરીણામ આવશે. 

એ સમયે અમદાવાદમાં અમે રેલી કાઢી હતી, જેમાં ભાગ લેવા મુંબઈથી પ્રા. અરુણ કાંબળે આવ્યા હતા. કાંબળેએ ભયાનક માનસિક સ્થિતિમાં હમણાં જ થોડાક વર્ષો પહેલાં આત્મ-વિલોપન કર્યું. ઠાકરે જેવા મનુવાદીઓ દેશના આર્થિક પાટનગરમાં મૂડીવાદીઓના દલાલ બનીને, કામદાર આંદોલનોને ખતમ કરીને, નકરું ઝેર ફેલાવીને, દેશની એકતા-અખંડિતતાનો કચ્ચરઘાણ વાળીને નિરાંતે મરે છે, માધ્યમો ઠાકરે જેવા લાગતા ગુંડા પર બનેલી બોલીવુડની ફિલ્મને યાદ કરીને લખે છે, સરકારની અલવિદા અને કાંબળે જેવા આંબેડકરવાદીઓ આત્મ-વિલોપન કરે છે. બાલ ઠાકરેના મૃત્યુ ટાણે એક કર્મઠ આંબેડકરવાદીને સલામ!
   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો