બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

શું રાજ્ય દ્વારા થતું ભૂમિપૂજન બિનસાંપ્રદાયિક છે?



રામ પુનિયાની

પોલીસ સ્ટેશનો અને અન્ય ઇમારતો જેવા સરકારની માલિકીના જાહેર સ્થળોએ હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ, ફોટા અને પ્રતીકોની ઉપસ્થિતિ હવે સર્વસામાન્ય બાબત બની ગઇ છે. એ જ પ્રમાણે રાજ્ય સંચાલિત બસોમાં પણ દેવો અને દેવીઓનો ફોટા હોય છે. આ સાચુ છે કે ખોટુ એ વિચારવાનું પણ આપણે હવે બંધ કરી દીધુ છે. સામાન્યપણે એવું જોવા મળે છે કે, રાજ્યના પ્રોજક્ટો માટે શિલાન્યાસ થાય ત્યારે મોટાભાગે હિન્દુ વિધિ થાય છે. આ પરંપરા એક પ્રકારનું રુટિન બની ગઈ છે અને મોટાભાગના લોકો તેના અંગે વિચારતા નથી.

એ બાબત યાદ કરવા જેવી છે કે, આઝાદી પછી પ્રબુદ્ધ વિદ્ધાનોએ સરકારની અધકચરી બિનસાંપ્રદાયિકતાની ટીકા કરી હતી. પંડિત નેહરુ જયારે વડાપ્રધાન હતા ત્યારે કેંદ્રીય પ્રધાનમંડળે રાજ્યના નાણામાંથી સોમનાથ મંદિરનું નિમાર્ણ કરવાની દરખાસ્ત ફગાવી દીધી હતી, એટલુ જ નહીં, તો વખતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને ભારતના રાષ્ટ્રપતિ તરીકે સોમનાથ મંદિરનુ ઉદ્ઘાટન કરવા નહીં જવાની પણ સલાહ આપવામાં આવી હતી. જાહેર સેવકોની પવિત્ર સ્થળોની મુલાકાત માધ્યમોની ચકાચૌંધથી દૂર, ચુસ્તપણે ખાનગી બાબત હતી, પરંતુ હવે સમય બદલાઇ રહ્યો હોય એવું જણાય છે.

રાજકારણીઓ સારી પેઠે પ્રસિદ્ધિ પામતી વિવિધ મુલાકાતો દ્વારા દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા એકબીજા સાથે હોડમાં ઉતર્યા છે. રાજ્ય-પ્રાયોજિત ઇમારતોના ઉદ્ઘાટકીય સમારંભોમાં બ્રાહ્મણ પુરોહિતોની ઉપસ્થિતિમાં, શિલાન્યાસ અને ભૂમિપૂજનની વિધિ થાય છે. અને બ્રાહ્મણ પુરોહિતો મંત્રોના ઉચ્ચારણો દ્વારા અધિભૌતિક શક્તિઓનુ આહવાન કરવા શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. આ પરિસ્થિતિમાં, ગુજરાતના દલિત કર્મશીલ રાજેશ સોલંકીએ હાઇકોર્ટની નવી ઇમારત માટેના શિલાન્યાસ સમારોહના ભાગરુપે થયેલા ભૂમિપૂજન અને મંત્રોચ્ચારો સામે દાખલ કરેલી જાહેર હિતની અરજી બિનસાંપ્રદાયિક ભૂમિકાને દ્રઢ કરવાના એક પગલા સમાન છે.

ઉપરોક્ત કાર્યક્રમ ગુજરાતના રાજ્યપાલ, હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો. સોલંકીની અરજીમાં રજૂઆત એવી હતી કે એક બિનસાંપ્રદાયિક રાજ્યએ ધાર્મિક વિધિઓ કરવી જોઇએ નહીં. આવી પૂજાવિધિ ભારતના બંધારણના બુનિયાદી સિદ્ધાંતોનો ભંગ કરે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે. અને બંધારણે રાજ્ય અને ધર્મ વચ્ચે ભેદરેખા દોરી છે. સોલંકીએ દલીલ કરી હતી કે બ્રાહ્મણ પુરોહિતો દ્ધારા પૂજા અને મંત્રોચ્ચારથી ન્યાયતંત્ર તેનુ બિનસાંપ્રદિયક ચરિત્ર ગુમાવી બેસશે.

અરજદારની બુદ્ધિવાદી અને બિનસાંપ્રદયિક અરજી બહાલ રાખવાના બદલે અદાલતે અરજી ફગાવી દીધી. એટલુ જ નહી અરજદારના ઇરાદાઓ અંગે શંકા સેવીને તેનો રૂ. ૨૦,૦૦૦નો દંડ કર્યો. ન્યાયમુર્તિઓએ ત્યાં સુધી કહ્યુ કે બાંધકામ સમયે ઘરતીને ખોદવામાં આવે છે. અને તેના પર ભાર સર્જવામાં આવે છે. ધરતીની માફી માગવા માટે અને બાંધકામ સફળ થાય તે માટે ભૂમિપૂજન કરવામાં આવે છે. અને આ બધું સર્વજનહિતાય કરવામાં આવે છે, કેમકે તે વાસુદેવ કુટુંબકમ અને સર્વજન સુખિનો ભવન્તુના હિન્દુ મૂલ્યો સાથે બંધ બેસે છે.

આ કેસમાં હાઇર્કોટે કરેલી વિવિધ દલીલોમાં ઘણો બધો ગુંચવાડો છે. સૌ પ્રથમ જોઇએ તો, બાંધકામ કરવા માટે ઘરતીની પુજા કરવી જોઇએ, એ સિદ્ધાંત સંપૂર્ણપણે હિન્દુ સિદ્ધાંત છે. અન્ય ધર્મોના લોકો તેમના બાંધકામના કાર્યા શરુ કરતા પહેલાં અલગ અલગ વિધિ કરશે, જેમ કે ખ્રિસ્તી પાદરીઓ હોલી વોટર છાંટશે. નાસ્તિકો પર્યાવણીય સંતુલન અંગે વધારે ચિંતિત હશે અને ભુસ્તરશાસ્ત્રીય અને સ્થાપત્યના પાસાઓની દરકાર રખાય છે કે નહી તેનું ધ્યાન રાખશે. રાજ્યની કામગીરી માટે એક ધર્મના પાલનનો કાનૂની બચાવ ભારતીય બંધારણના પાયાના સિદ્ધાંતોના ભંગથી વિશેષ કશું જ નથી. ભારતીય બંધારણ એ બાબતની ખાત્રી આપે છે કે રાજ્ય તમામ ધર્મોથી સરખું અંતર જાળવશે અને તેમની સાથે સમાન વ્યવહાર કરશે. એસ.આર. બોમ્માઈ કેસમાં આ બાબત ભારપૂર્વક જણાવવામાં આવી હતી. એસ. આર. બોમ્માઈ કેસમાં બિનસંપ્રાદયિકતાનો અર્થ આ રીતે ઘટાવાયો હતો, ૧) રાજ્યનો કોઇ ધર્મ નથી, ૨) રાજ્ય ધર્મથી અલગ છે, અને રાજ્ય કોઇપણ ધર્મને પ્રોત્સાહન નહી આપે કે કોઇપણ ધર્મથી ઓળખાશે નહી.

એ સાચુ છે કે ઘણા ધર્મોના નૈતિક મૂલ્યો વ્યાપકપણે સમાજ સ્વીકારી શકે છે, જેમ કે "વસુધૈવ કુટુંબકમ" (હિન્દુ ધર્મ) કે "તમામ મનુષ્યો એકબીજાના ભાઇ છે" (ઇસ્લામ) કે" લવ ધાઇ નેબર" (ખ્રિસ્તી). પરન્તુ, ધાર્મિક કર્મકાંડો (કે વિધિઓ) સાવ જુદી જ બાબત છે. તમામ ધર્મોનું હાર્દ કર્મકાંડો નથી, પરન્તુ  નૈતિક મૂલ્યો છે. લોકોના મગજમાં અને વહેવારોમાં તો આ કર્મકાંડો જ ધર્મ તરીકે ઓળખાય છે. આ સામાજિક સમજણની બાબત છે અને વિવિધ ચિંતન પ્રણાલીઓ આ અંગે અલગ અભિપ્રયો ધરાવતી હશે. મુખ્ય મુદ્દો એ છે કે કબીર, નિઝામુદીન ઓલીયા અને ગાંધીની કક્ષાના સંતાએ ધર્મના નૈતિક પાસાઓ પર ભાર મુકયો હતો. જ્યાં સુધી ધર્મના વહેવારુ સમયનો સવાલ છે, ત્યાં સુધી લોકોને તેમની સામાજિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત  પ્રથાઓ અનુસરતા કોઇ રોકતું નથી. આ પ્રથાઓ પ્રત્યેક ધર્મમાં અત્યંત જુદી જુદી છે, એટલું જ નહી એક જ ધર્મમાં વિવિધ સંપ્રદાયો પણ અલગ ધાર્મિક પ્રથાઓને અનુસરે છે.

આવો ચુકાદો બંધારણના અનુચ્છેદ ૫૧(એ) ની સંપૂર્ણ વિરુદ્ધમાં છે. અનુચ્છેદ ૫૧(એ) સમાજમાં" બુદ્ધિવાદી ચિંતનને પ્રોત્સાહન આપવા આદેશે છે. રાજ્ય દ્વારા કોઇ ચોક્કસ ધર્મની ધાર્મિક વિધિઓ આપણા બંધારણના હાર્દની વિરુદ્ધમાં છે. અને ઘણા બધા કિસ્સાઓમાં તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા જ હોય  છે. અંધશ્રદ્ધા સમાજને પ્રતિગામી દિશામાં ધકેલશે. આજે આપણે જાણીએ કે જ્યાં સુધી બાંધકામનુ સ્થળ યોગ્ય રીતે પંસદ કરવામાં ના આવે, ભુસ્તરશાસ્ત્રીય અને બાંધકામના પાસાઓની વૈજ્ઞાનિક રીતે દરકાર લેવામાં ના આવે તો, અકસ્માતો સર્જાતા હોય છે. એટલે જ સરકારે બાંધકામના નિયમો વિકસાવ્યા છે, જેનુ પાલન થવું જરુરી હોય છે. અને આપણે જોયુ છે કે આવા નિયમોના ભંગથી અકસ્માતો સર્જાયા છે. આપણી અદાલતોએ કોઇ એક વર્ગની પ્રથાઓ રાજ્યની પ્રથાઓ તરીકે સ્વીકારાય તેવું જટીલતાપૂર્વક પુરવાર કરવાના બદલે બંધારણના ઉપરોક્ત પાસાઓને પ્રોત્સાહન આપવાની જરુર છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ કહેલું કે "મારા સમગ્ર જીવન દરમિયાન જેના નિર્માણ માટે મેં કામ કર્યું છે તેવા ભારત દેશમાં દરેક માણસ સમાન દરજ્જો ભોગવે છે, એનો ધર્મ ગમે તે હોય, રાજ્ય સંપૂર્ણપણે બિનસાંપ્રદયિક હોવું જ જોઇશે. (હરિજન, ૩૧ ઑગસ્ટ, ૧૯૪૭) અને ''ધર્મ રાષ્ટ્રીયતાની કસોટી નથી, પરન્તુ માણસ અને ઇશ્વર વચ્ચેની વ્યક્તિગત બાબત છે.'' (એજ, પાનુ ૯૦) અને "ધર્મ દરેક વ્યક્તિની વ્યક્તિગત બાબત છે, તેથી રાજકરણ સાથે અથવા રાષ્ટ્રીય બાબતો સાથે ભેળસેળ હરગીજ કરવી જોઇએ નહી.''(એજ, પાનુ ૯૦)

છેલ્લા કેટલાક દાયકાઓમાં હિન્દુ ધાર્મિક પ્રથાઓ રાજ્યની પ્રથા તરીકે સ્વીકૃત બનેલી છે અને  આના અંગે પુનર્વિચારનો સમય પાકી ગયો છે.
(સૌજન્ય: મિલિ ગેઝેટ,   -૧૫ એપ્રિલ, ૨૦૧૧)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો