રવિવાર, 28 એપ્રિલ, 2013

ભારતમાં ફાસીવાદના મૂળ: શું આપણે રોકી શકીશું?

સવારથી ચર્ચા ચાલી રહી છે. ફાસીવાદ એટલે શું? હું કોઈ મોટો પ્રોફેસર નથી, પરંતુ એક જ લીટીમાં તમને કહું કે ફાસીવાદ એટલે શું. ગુજરાતમાં મુસલમાનોની વસતી કેટલી છે? દસ ટકા. ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો છે. દસ ટકા પ્રમાણે વિધાનસભામાં મુસલમાનોના 17 ધારાસભ્યો હોવા જોઇએ. હાલ કેટલા છે? માત્ર ત્રણ. હવે હું બે વાક્યો બોલું છું. એક. "ગુજરાત વિધાનસભામાં મુસલમાનોના સત્તર ધારાસભ્યો હોવા જોઇએ." અને બીજું વાક્ય. "સર્વે સન્તા સુખિન ભવન્તુ. સર્વે સન્તુ નિરામયા." હવે તમને કયા વાક્યમાં સમજ પડી? પહેલા વાક્યમાં સમજ પડી. બીજા વાક્યમાં ના પડી. તો જેમાં તમને સમજ ના પડે એ ફાસીવાદ. તમે જ્યારે એમ કહો કે ગુજરાતમાં વિધાનસભામાં અમારા મુસલમાનોના સત્તર ધારાસભ્યો હોવા જોઇએ, ત્યારે ફાસવાદી તમને કહે છે, "સર્વે સન્તા સુખિન ભવન્તુ. સર્વે સન્તુ નિરામયા." એટલે કે અગડમ્ બગડમ્. 

ફાસીવાદ નથી ઇચ્છતો કે કોઈ મુસલમાન આ દેશનું પ્રતિનિધિત્વ કરે, નેતાગીરી કરે. જો કોઈ મુસલમાન સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરે તો તેને ખતમ કરવો. તેની હત્યા પણ કરી નાંખવી. જે રીતે અહેસાન જાફરીની કરી તેમ. અને આ બાબત માત્ર મુસલમાનને જ લાગુ નથી પડતી. ફાસીવાદ આ દેશમાં દલિતો, આદિવાસીઓ, મુસલમાનોથી માંડીને તમામ વંચિત સમુદાયોના સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક અધિકારો ખતમ કરવા માંગે છે. એ ધ્યાનમાં રાખજો. 

હવે હું તમારી સમક્ષ એક પત્રીકા વાંચુ છું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આ પત્રીકા બહાર પાડવામાં આવી હતી. તેમાં અંબાજી માતાના મંદિરનો ફોટો છે. ઉપર લખ્યું છે,"બોલ મારી અંબે.... જય જય અંબે" ફોટાની નીચે કેટલાક વાક્યો લખ્યા છે, જે આ પ્રમાણે છે, "કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર જગપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર આતંકીઓના હિટ લિસ્ટમાં છે ત્યારે.... શું મા જગદંબાના ટ્રસ્ટમાં એક મુસ્લિમને બેસાડવાનો છે? જરા વિચારો ...... જો દાંતામાં કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર જીતે તો અંબાજી ટ્રસ્ટમાં આપોઆપ સભ્ય બને – શું કરશું? મા જગદંબાના સ્થાનની પવિત્રતા જળવાઈ રહે એ આપણા સૌનું કર્તવ્ય છે. બોલ મારી અંબે ..... જય જય અંબે ...... પ્રકાશક: મહેસાણા માઈ મંડળ

આવી હજારો પત્રીકાઓ છપાવીને દાંતા મતવિસ્તારમાં વહેંચવામાં આવી અને કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર હારી ગયો. આ છે ફાસીવાદ, જે ધર્મના નામે લોકોને ઉશ્કેરે છે, વિભાજીત કરે છે અને એક કોમના રાજકીય પ્રતિનિધિત્વને ખતમ કરે છે. 

મધુ કીસ્વાર નામની એક બાઈ નરેન્દ્ર મોદીની ભગતાણી છે. હમણા જુનાગઢમાં આવી હતી અને મીડીયા આગળ મોદીની મંજીરા વગાડીને ગઈ. આ બાઈએ કાફીલા નામની વેબસાઇટ પર લખેલા લેખમાં મોદી સરકારને મળેલા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડોની લાંબી યાદી મુકી. આમાંના મોટાભાગના એવોર્ડો તો વર્તમાન યુપીએ સરકારે આપ્યા છે. આમ કેમ? બીજી તરફ, ગુજરાત સરકારના દરેક દસ્તાવેજમાં આ એક વાક્ય હોય છે કે, "1991માં કેન્દ્ર સરકારે (એટલે કે મનમોહને) અર્થતંત્રને ખુલ્લુ કર્યું (એટલે કે વૈસ્વિકરણ કર્યું) એ પ્રક્રિયાના સુફળ સૌથી વધારે ગુજરાતે ચાખ્યા છે." એટલે કે ગુજરાતે હાલ જે કહેવાતો વિકાસ કર્યો છે તેમાં મનમોહનનો મોટો ફાળો છે. તો પછી ભાઈ મોદી તમારે મનમોહન સામે શું વાંધો છે? તમે વડાપ્રધાન બનીને એ સિદ્ધ કરવા માગો છો કે જુઓ હું તાતા, અદાણી, અંબાણી, એસ્સાર, જિંદાલ, બિરલા વગેરેના તળિયા મનમોહન કરતા વધારે સારી રીતે ચાટી શકું છું? આ તો દેશના મૂડીપતિઓના પગના તળિયા ચાટવાની હરિફાઈ છે. 

ફાસીવાદનું એક બીજુ મહત્વનું લક્ષણ તમને કહી દઉં. ફાસીવાદ કહે છે અને ઇચ્છે છે કે તમે જુહાપુરામાં બેઠા બેઠા તમારા રોદણાં રોવો. દલિતો થાનગઢમાં અને આદિવાસીઓ સોનગઢ કે સાગબારામાં બેઠા બેઠા એમનું દુખ રડ્યા કરે. તમે ત્રણેય સમદુખીયા છો, પરંતુ તમે ક્યારેય સાથે બેસીને તમારા દુખ વહેંચો નહીં, તમે માત્ર એકબીજાના દુશ્મન બનો, એ જ ફાસીવાદ ઇચ્છે છે. એટલે જો તમારે ફાસીવાદને હરાવવો હોય તો તમામ વંચિતો સાથે મળીને એકબીજાના દુખ દુર કરવા લડો. ફાસીવાદ ખતમ થઈ જશે.

- રાજુ સોલંકી

"ભારતમાં ફાસીવાદના મૂળ: શું આપણે રોકી શકીશું?" વિષય પર કર્મશીલોની સભામાં આપેલા વક્તવ્યના કેટલાક અંશો, આયોજકો: અનહદ, જનવિકાસ, પર્યાવરણ મિત્ર, પ્રશાંત, બીએસસી, વગેરે. સ્થળ: મહેંદી નવાજ જંગ હોલ, અમદાવાદ, તા. 27 એપ્રિલ, 2013)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો