શનિવાર, 5 મે, 2012

બાવો આવ્યો




નાનપણમાં અમે રડતાં ત્યારે અમને છાનાં રાખવાં લોકો કહેતાં, ‘બાવો આવ્યો'  બાવો. ઘૂઘરીવાળો બાવો. હાથમાં ચીપિયો, કપાળે ત્રિપુંડ, ગળે રુદ્રાક્ષની માળા, ઉઘાડા ડિલે ભભૂત ચોળેલો બાવો.

પરંપરાના તમામ પ્રતીકો પહેરીને સપનામાં બિવડાવતો બાવો, અમારા મુગ્ધ,  ઋજુ મનોજગતમાં એ કોઈ ગૂઢ, અગોચર, અજાણ્યા, આક્રમક તત્વની ઓળખરૂપે દૃઢ થયો હતો.

સાવ સાહજિકપણે, અનાયાસે અમે જેને ધર્મના નામે ઓળખ્યો હતો એ ‘પદારથ'માં બાવાને કોઈ સ્થાન નહોતું.

અમારો ધર્મ તદ્દન એકાંતવાસી, એકાંતસેવી હતો. ઘરના એક ખૂણામાં ગોખલો, અંદર ચામુંડા માની છબી, બાજુમાં બહુચર અને અંબેમાં, રોજ સવારે નાહી-ધોઈને ભાઈ રૂમાલભેર મા આગળ હાથ જોડીને ઉભા રહેતા હતા. એકાદ મિનિટ, અમે કૂતુહલવશ એમને નિરખ્યા કરતા હતા. પૂછતા, ‘માતાજી પાસે શું માંગો છો ?' એ કહેતાં, શક્તિ, ભક્તિ અને મુક્તિ'.

આટલો એમનો ધર્મ. આવો એમનો કર્મકાંડ, ભઈને કદી ઘટંડી વગાડતા, બરાડા પાડતા, ભાવા-વેશમાં ધૂણતાં જોયા નહોતા. ઘરમાં છોકરાની બાબરી ઉતારવાની હોય કે કવચિત્ માનો ‘આદેશ' થાય ત્યારે સૌ ચોટીલા જતા હતા.

અમારા બાપદાદા કબીરપંથી હતા. કબીર સાહેબને અમે વિચારથી જાણ્યા હતા, એમણે આચારથી પ્રમાણ્યા હતા. રૈદાસ એમની રગરગમાં હતા. દાસી જીવનનું નિરાડંબરી પદ એમના મૃતાત્માઓને શાતા અર્પતું હતું.

નવરાત્રીના દિવસોમાં મહોલ્લામાં વચોવચ એક માંડવડી મુકાતી હતી. ચારે બાજુ ચોખ્ખા ઘીના દીવા થતા હતા. માંડવડીમાં માની છબી મુકાતી, ચાંદલા થતા ને ઘેર ઘેર ભાત અને ગોળનો મિષ્ટ ભાવ ભરાતો હતો. લોકો એકબીજાના ઘરે ભાવ લેવા જતા હતા, એ પરંપરા આજે ચાલુ છે.

રાત્રે મહોલ્લાના બૈરા એકઠાં થતાં હતાં, ઘૈડીયાં હલકભેર ગરબાં ગવડાવતાં હતા. વાદ્યમાં એક ઢોલનો અસબાબ ને ઓચ્છવનો પાર નહીં. ‘એકે લાલદરવાજે તંબુ તાણીયા રે લોલ' હળવા સાદે ગાતી એ સ્ત્રીઓ માટે આ ગરબાનો અર્થ શું હતો ? ૫૦૦ વર્ષ પહેલાં આ શહેરમાં એક બાદશાહ હતો. બડો મિજાજી હતો. માણેકચોકમાં હટાણે જતી ગુર્જરીઓને બાદશાહના સિપેહસાલારોની તુમાખીના કડવા અનુભવો થયા હતા. એ સ્મૃતિ ગરબામાં સચવાઈ હતી. સાસુઓ કહેતી ગઈ, ‘એ વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશૉ બડો મિજાજી'.

આજે એ બાદશાહ સલામત રહ્યો નથી. એની યાદરૂપે એક ગરબો છે. ‘અમદાવાદી નગરી એની ફરતે કોટે કંગરી, માણેકચોકની માંહી ગુર્જરી જોવા હાલી' એના ગાનાર માટે ઇતિહાસ એક ખાલી પાત્ર જેવો છે. પાંચસો વર્ષ પહેલાંનાં રાગદ્વેષ, ધિક્કાર, કડવાશ, વેરઝેર સઘળું કોક રસાયણમાં ઓગળી ગયું છે. નિર્ભેળ, વિશુદ્ધ આનંદ. પંડિતો આને શું ‘સંસ્કૃતિ' કહેતાં હશે ?

હવે કોઈ રૂદ્રા, ક્રોધાંબરા, ગજગામિની એ બાદશાહના દુષ્કૃત્યો સામે જંગે એલાન કરે તો અમને પાનો શું ચડે ? અમારી ગળથૂથીમાં વિષવમન છે, વિવાદ નથી.

થોડાક દિવસો પહેલાં અમારા શહેરમાં આખા દેશનાં બાવા એકઠા થયાં હતાં. અમને વટલાવવાની કોશિશ કરતા કેટલાક વિધર્મીઓ સામે લડી લેવાની એમણે અમને હાકલો કરી હતી.  અમે હેરતભરી નજરે એમના ક્રિયાકલાપો નિહાળ્યા હતા. અમને યાદ આવી ગયો બાળપણમાં અમને બિવડાવનારો એ બાવો. સહસા એક પ્રશ્ન અમારાં મસ્તિષ્કમાં ઉદભવ્યો હતો, "નેવું કરોડ બાળકોને છાનાં રાખવા શું આટલા બધા બાવા એકઠાં થયા હશે ?"  

તા. 16.3.99, નીરીક્ષક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો