શનિવાર, 17 નવેમ્બર, 2012

સંઘ પરિવાર અને મનુવાદ




રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં દાખલ થતી વખતે દરેક કાર્યકર્તા આ પ્રતિજ્ઞા લે છે:
"સર્વશક્તિમાન શ્રી પરમેશ્વર તથા આપણા પૂર્વજોનું સ્મરણ કરી હું પ્રતિજ્ઞા કરું છું કે આપણા પવિત્ર હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ તથા હિન્દુ સમાજનું સંરક્ષણ કરી હિન્દુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવા માટે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઘટક થયો છું. સંઘનું કાર્ય હું પ્રમાણિકતાથી, નિ:સ્વાર્થ બુદ્ધિથી તથા તન-મન-ધનપૂર્વક કરીશ. આ વ્રતનું હું આજન્મ પાલન કરીશ."

સંઘના સમર્થકોના કહેવા પ્રમાણે પ્રતિજ્ઞામાં ક્યાંય મનુનો ઉલ્લેખ થયો નથી, છતાં સંઘને નાહકનો મનુવાદી ઠેરવવામાં આવે છે. સંઘનું લેખતિ બંધારણ છે. આ બંધારણની પ્રસ્તાવના નીચે પ્રમાણે છે:

"આજે દેશની વિઘટિત સ્થિતિમાં,
ક. હિન્દોના વિભિન્ન પંથ, મત, સંપ્રદાયના કારણે ઉત્પન્ન થયેલા ભેદ, એજ રીતે આર્થિક, ભાષા તથા પ્રાંતીય વિવિધતાના કારણે પેદા થનાર પરિબળોને દૂર કરવા માટે-
ખ. એમને(હિન્દુઓના) એમના ઉજ્જવળ ભૂતકાળનું સ્મરણ કરાવવા માટે,
ગ. હિન્દુઓમાં સેવા, ત્યાગ અને નિસ્વાર્થ – ભક્તિભાવ નિર્માણ કરવા માટે
ઘ. આ રીતે એક સંગઠિત અને અનુશાસિત જીવન ઉત્પન્ન કરવા માટે –
ડ. હિન્દુ સમાજના સર્વાંગીણ પુન:જીવન કરવા માટે એક સંગઠનની જરૂરિયાત લાગી. તે મુજબ સન 1925માં વિજ્યદાશમીના શુભ મુહૂર્તે સ્વ. ડૉ. કેશવ બળીરામ હેડગેવારે 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' નામના એક સંગઠનનો પ્રારંભ કર્યો."

સંઘના બંધારણમાં પણ  ક્યાંય મનુ કે મનુસ્મૃતિનો ઉલ્લેખ નથી અને છતાં સંઘ મનુવાદી કઈ રીતે કહેવાય? ચાલો, જોઇએ, સંઘ મનુવાદી કઈ રીતે અને શા માટે છે.

સંઘમાં દાખલ થતી વખતે દરેકે જે પ્રતિજ્ઞા લેવાની હોય છે, તેમાં પવિત્ર હિન્દુ ધર્મનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. આ પવિત્ર હિન્દુ ધર્મ શું છે? વહેવારીક રીતે જોઇએ તો, હિન્દુ ધર્મ એટલે ભારતનો એક એવો ધર્મ જે ધર્મ બૌદ્ધો, જૈનો, શીખો, મુસલમાનો, પારસીઓ પાળતા નથી. મનુસ્મૃતિ, વેદો, પુરાણો, ગીતા, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાં આ હિન્દુ ધર્મની રૂઢિઓ, રીવાજો, પરંપરાઓ વ્યાખ્યાયિત થયા છે. આ પૈકીના એકપણ ગ્રંથમાં 'હિન્દુ' શબ્દ જ નથી. 

આરએસએસની સ્થાપના 1925માં થઈ હતી. ત્યારે દેશમાં ધર્મ-જાતિના આધારે વસતી ગણતરી શરૂ થઈ ગઈ હતી. મજાની વાત તો એ છે કે 1881માં જ્યારે પહેલીવાર વસતી ગણતરી કરવામાં આવી ત્યારે હિન્દુ કોને ગણવો તે મોટી દ્વિધા હતી. એટલે અંગ્રેજોએ 'મુસલમાન' અને 'બિન-મુસલમાન' એવી બે કેટગરી નક્કી કરી હતી. મુસલમાનને ઓળખવો સહેલો હતો, એની ચોક્કસ આઇડેન્ટીટી હતી. મુસલમાન સિવાયના તમામ લોકોને 'બિન-મુસલમાન'ના ખાનામાં નાંખવામાં આવ્યા હતા. ત્યારબાદ, 1891માં આ 'બિન-મુસલમાન'ની કેટેગરીમાંથી 'અછૂત' કેટેગરીને અલગ પાડવા દસ માપદંડ નક્કી કરવામાં આવ્યા. બાબાસાહેબે આ પ્રક્રિયાનું રસપ્રદ વર્ણન પાંચમા ખંડમાં કર્યું છે. હાલ તમે જેને હિન્દુ સમાજ તરીકે ઓળખો છો, તે ઓળખ આપવા બદલ સંઘે ખરેખર તો અંગ્રેજોનો પાડ માનવો જોઇએ. પરંતુ, સંઘ અંગ્રેજોનો પાડ માનતું નથી, કેમ કે એક અંગ્રેજ રામ્સે મેકડોનાલ્ડે કોમ્યુનલ એવોર્ડ જાહેર કરીને (સંઘના માનવા પ્રમાણે) હિન્દુઓને વિભાજીત કર્યા હતા. 

સંઘ અને ગાંધીજી બંનેની વિચારધારાનો સ્રોત આ પવિત્ર હિન્દુ ધર્મ જ છે. સંઘના સ્વયંસેવકો પાસે હાલ જે લાકડી છે, તે ગાંધીજીની જ છે, એમાં મને કોઈ શંકા નથી. સંઘ અને ગાંધીજી બંને પોતાને કહેવાતા 'અછૂતો'ના સંરક્ષક, ટ્રસ્ટી સમજે છે. કહેવાતા 'અછૂતો'ની નેતાગીરી સંઘ અને ગાંધીજી બંનેને માન્ય નથી. સંઘના 'હિન્દુ રાષ્ટ્ર' અને ગાંધીજીના રામરાજ્યમાં ઝાઝો ફેર નથી. વીસમી સદીમાં સમગ્ર વિશ્વમાં એટલું મોટું મૂલ્ય પરિવર્તન થયું હતું કે અસ્પૃશ્યતાનો બચાવ કરવાની કોઈની હિંમત નહોતી. એટલે ગાંધીજીએ કહેલું કે શંબુકની વાત ક્ષેપક (બહારથી ઉમેરેલી) છે. પરંતુ એ ગાંધીજીનો અંગત અભિપ્રાય હતો, હિન્દુ સમાજ ગાંધીજીના અભિપ્રાય સાથે સંમત નહોતો. 

કૌટિલ્યએ કહેલું કે જે સંગઠનનો નેતા બ્રાહ્મણ ના હોય તે સંગઠનમાં અરાજકતા પ્રવર્તે છે. મનુએ સમાજની આધ્યાત્મિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક નેતાગીરી બ્રાહ્મણોને સોંપી હતી અને તેને દિવ્ય સ્વરૂપ આપ્યું હતું. સંઘ પરિવાર આ અર્થમાં મનુવાદી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો