બુધવાર, 16 એપ્રિલ, 2014

ગુજરાત મેં વિકાસ હુઆ હૈ, આપ કા ક્યા ખયાલ હૈ?



થોડાક દિવસો પહેલા વડોદરા ચૌપાલ નામના કાર્યક્રમમાં એક ટીવી ચેનલની એન્કરે એક તરફ વડોદરાના મુસલમાનો અને બીજી તરફ હિન્દુઓને સરેઆમ રસ્તા પર ઉભા રાખીને મોદીના ગુણગાન ગાવાનો પ્રયાસ કર્યો. મુસલમાનોમાં પ્રો. બંદુકવાલાનો જાણીતો ચહેરો દેખાયો એટલે કાર્યક્રમ જોવાનું મન થયું. એન્કર બહેન ગુજરાત મેં વિકાસ હુઆ હૈ, આપ કા ક્યા ખયાલ હૈ?”ની જુની પુરાણી રેકર્ડ વગાડતા હતા અને મુસલમાન બિરાદર ના, ના વિકાસ કહાં હુઆ હૈ?, ચલો મેરે મોહલ્લે મેં, એવું કીધે રાખતા હતા. સામે ઉભા રહેલા સવર્ણ હિન્દુઓ (રીપીટ સવર્ણ હિન્દુઓ) મોદી નામના માણસે જબરો વિકાસ કર્યો એની રઢ લઇને બેઠેલા. અને બંદુકવાલા કેડેથી વાંકા વળીને ઉભા હતા, જાણે એમની પીઠ પર આખા દેશના સેક્યુલારિઝમનો ભાર ના હોય! એક વાર જે માણસને ભાનુ અધ્વર્યુએ બંદુકમાં સેવાની કારતૂસ કહીને બિરદાવેલો એ માણસ મુસલમાનોને સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી દીધા છે એની વાત લગભગ રડતા સાદે કહી રહ્યો હતો.

આ દ્રશ્ય જોઇને મને થયું કે મુસલમાનો શા માટે આ વિકાસના ટ્રેપમાં ફસાઈ ગયા છે કેમ સીધે સીધુ બોલતા નથી કે આ મોદી અને તેના જેવા ફાસિસ્ટ લોકો (એમાં વડોદરાનો ગુણવંત શાહ પણ આવી જાય જેને કેટલાક મુસલમાનો પોતાનો હમદર્દ ગણે છે) આ દેશમાં મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ખતમ કરવા કસમ ખાઇને બેઠા છે. માન્યું કે કેટલાક મુસલમાનો દાંડ છે, માફીયા છે, આતંકવાદી છે, પરંતુ શું સમગ્ર મુસલમાન કોમ નાલાયક છે? ગુજરાતમાં ભાજપને એક મુસલમાન નથી મળતો જે વિધાનસભ્ય થવાને લાયક હોય? રાજસભામાં મોકલવા માટે લાયક હોય? કોંગ્રેસને મૌલાના અબુલ કલામ આઝાદથી માંડીને રઉફ વલીઉલ્લા, અહેસાન જાફરી મળે છે. દેશના તમામ પક્ષોને મુસલમાનોમાં સારા માણસો મળે છે, જે રાજકીય પ્રતિનિધિત્વ માટે પૂરા કાબેલ હોય. કેમ ભાજપને મળતા નથી? પેલો સરેશવાલા મોદીની આટલી બધી ચમચાગીરી કરે છે, એને કેમ વિધાનસભાની ટિકિટ ના આપી સલમાનખાનને કેમ ના આપી
 
હકીકતમાં ભાજપ મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ઇચ્છતો જ નથી. આરએસએસ તો અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને પણ વિધાનસભા કે સંસદમાં બેસાડવા લાયક ગણતો નથી. એ તો એમનો બાપ આંબેડકર એમની કરોડરજ્જુ નીચેના છિદ્રમાં ખીલો ઠોકીને ગયા છે એટલે બાપા કહીને બેસાડવા પડે છે. પરંતુ એમાં પણ સવર્ણ બહુમતીના જોરે એમના દલિત ગુલામો ચૂંટી લાવે છે. આ ગુલામો કેસરીયા સાફા પહેરીને ફરે છે અને મુસલમાનોના વિરોધમાં એમની વસતીના પ્રમાણ કરતા વધારે ફાળો નોંધાવે છે. 

હકીકત એ છે કે ગુજરાતમાં નવ મુસલમાનો 1981માં ચૂંટાઈને આવતા હતા, હવે માત્ર ત્રણ ચૂંટાઇને આવે છે અને વધેલી છ સીટો પર સવર્ણો (એસસીએસટીઓબીસી નહીં) ચૂંટાઈને આવે છે. મુસલમાનોને રાજકીય રીતે ખતમ કરવાની મુહિમનો મોદી સિપેહસાલાર છે અને સમગ્ર દેશમાં આજે જે કહેવાતા દેશભક્તોનું ટોળું મોદી મોદી કરી રહ્યું છે એ ટોળુ આ કારણસર જ મોદીને એમનો ભગવાન, નરોમાં ઇન્દ્ર સમજે છે. આ ટોળુ દલિતો-આદિવાસીઓના લોહીનું પણ તરસ્યું છે, પરંતુ દલિતો-આદિવાસીઓ સામેનો દ્વેષ મોઢાં પર બતાવતું નથી. આ ટોળું સમજે છે કે વગર ખંજરે મોદી મુસલમાનો-દલિતો-આદિવાસીઓની કત્લ કરતો હોય તો એને ખરેખર ઘરે ઘરે પહોંચાડવો જોઇએ. સંઘ પરિવારે પણ એટલે જ આ ચૂંટણીને આરપારની લડાઈ ગણી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો