મંગળવાર, 22 એપ્રિલ, 2014

ઇટાલી, રાહુલ અને મોદી



રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને ઇટાલી સાથે નાતો ધરાવે છે. એકને લોહીની સગાઈ છે, બીજાનો વૈચારિક નાતો છે. ઇટાલી રાહુલના મામાનું ઘર છે એ તો સૌ જાણે છે. પરંતુ નરેન્દ્ર મોદી જેના માનસપુત્ર છે એવા ડૉ. મુંજે, સાવરકર અને ગોલવેલકર ઇટાલીના ફાસિસ્ટ સરમુખત્યાર મુસોલીનીના આંધળા પ્રસંશક હતા અને ઇટાલીની આ ફાસિસ્ટ વિચારધારામાંથી પ્રેરણા મેળવીને રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ (આરએસએસ)નું ઘડતર થયું હતું એ હકીકત બહુ ઓછા લોકો જાણે છે. 

ડૉ. મુંજે ડૉ. હેડગેવારના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હતા. ગોળમેજી પરિષદમાંથી પાછા ફર્યા બાદ ડૉ. મુંજે યુરોપના પ્રવાસે ગયા હતા અને ત્યારે તેઓ ઇટાલીમાં મુસોલીનીને મળ્યા હતા. ડૉ. મુંજેએ તેમના આ પ્રવાસનું રસપ્રદ વર્ણન તેમની ડાયરીમાં કર્યું છે. નેહરુ મેમોરીયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીમાં મુંજેઝ પેપર્સ નામની માઇક્રોફિલ્મમાં આ ઇતિહાસ આજે પણ સચવાયેલો છે. 

19મી માર્ચ, 1931એ મુંજેએ મિલિટરી કોલેજ, સેન્ટ્રલ મિલિટરી સ્કુલ ઑફ ફિઝિકલ એજ્યુકેશન, ધી ફાસિસ્ટ એકેડમી ઑફ ફિઝિકલ એજ્યુકેશન તેમજ બલિલા અને આવાંગાર્ડિસ્ટ સંગઠનોની મુલાકાત લીધી હતી. મુંજે તેમની ડાયરીમાં લખે છે, "બલિલા સંગઠન અને સમગ્ર સંગઠનના વિચારોએ મને સૌથી વધારે અપીલ કરી છે. જોકે, તેમનામાં હજુ ઉર્ધ્વ કક્ષાની શિસ્ત અને સંગઠન નથી. આ સમગ્ર વિચારની મુસોલીનીએ ઇટાલીના પુન:નિર્માણ માટે કલ્પના કરી છે. ઇટાલીયનો સ્વભાવે ભારતીયો જેવા શાંતિપ્રય અને બિન-લશ્કરી જણાય છે. ભારતીયોની જેમ તેમણે શાંતિના કાર્યનું સંવર્ધન કર્યું છે અને યુદ્ધની કલાનું સંવર્ધન કર્યું નથી. મુસોલીનીએ તેના દેશની અનિવાર્ય નબળાઈ નિરખી અને બલિલા સંગઠનનો વિચાર કર્યો ....... ઇટાલીના લશ્કરીકરણ માટે આનાથી સારો વિચાર થઈ શક્યો ના હોત. ......... ફાસિઝમનો વિચાર લોકોમાં એકતાને ગતિશીલ રીતે બહાર લાવે છે. ........ ભારત અને ખાસ કરીને હિન્દુ ભારતને હિન્દુઓના લશ્કરી પુન:નિર્માણ માટે આવી જ કોઈ સંસ્થાની જરૂર છે, જેથી બ્રિટિશ શાસકોએ હિન્દુઓમાં કરેલો લશ્કરી અને બિન-લશ્કરી વર્ગોનો કૃત્રિમ ભેદ નાબૂદ થઈ શકે. ડૉ. હેડગેવારના નેજા નીચેનું આપણું નાગપુરનું સંગઠન - જોકે તદ્દન સ્વતંત્રપણે વિચારાયું છે તો - પણ આ પ્રકારનું છે. હું મારા જીવનનો શેષ ભાગ ડૉ. હેડગેવારની આ સંસ્થાને સમગ્ર મહારાષ્ટ્ર અને અન્ય પ્રાંતોમાં વિકસાવવામાં અને વિસ્તારવામાં ખર્ચીશ."

ડૉ. મુંજે એ જ દિવસે ઇટાલીની ફાસિસ્ટ સરકારના હેડક્વાર્ટર પલાઝો વેનેઝીયા ગયા, જ્યાં તે હિટલરના મિત્ર, ઇટાલીના ડિક્ટેટર મુસોલીનીને મળ્યા. મુંજેએ ડાયરીમાં આ મુલાકાતનું પણ રસપ્રદ વર્ણન કર્યું છે. તેઓ લખે છે, ".......... જેવો હું દરવાજે પહોંચ્યો કે તેઓ (મુસોલીની) ઉભા થયા અને મારું સ્વાગત કરવા આવ્યા. મેં તેમની સાથે હાથ મીલાવીને કહ્યું કે હું ડૉ. મુંજે છું. તેઓ મારા વિષે બધું જ જાણતા હતા અને એવું લાગતું હતું કે આઝાદી માટેના ભારતના જંગની ઘટનાઓનું બારીકીથી નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમને ગાંધી માટે અત્યંત માન હોય તેવું જણાતું હતું. ....... તેમણે મને ગાંધી અને તેમની ચળવળ વિષે પૂછ્યું અને એક સવાલ ખાસ પૂછ્યો કે ગોળમેજી પરિષદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શાંતિ આણશે કે કેમ. મેં કહ્યું કે જો બ્રિટન અમને સામ્રાજ્યના અન્ય સંસ્થાનો સાથે સરખો દરજ્જો આપશે તો સામ્રાજ્યમાં શાંતિપૂર્વક અને વફાદારીથી રહેવામાં અમને વાંધો હશે નહીં."

મુસોલીની સાથેની ડૉ. મુંજેની વાતચીતથી જણાય છે કે તેઓ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માગતા નહોતા. આ બાબતમાં હિન્દુ રાષ્ટ્રવાદીઓ અને કોંગ્રેસના વિચારો લગભગ સરખા હતા. કોંગ્રેસ અને હિન્દુ રાષ્ટ્રવાદીઓ વચ્ચે ફરક હતો તો માત્ર એટલો જ હતો કે ગાંધી-સરદારની કોંગ્રેસ અહિંસામાં માનતી હતી, હિન્દુ રાષ્ટ્રવાદીઓ હિંસામાં માનતા હતા. ભગતસિંહ જેવા ક્રાન્તિકારીઓ પણ હિંસામાં માનતા હતા, પરંતુ ભગતસિંહ હિન્દુ રાષ્ટ્રવાદી નહોતા. ભગતસિંહ મુસલમાનોને દુશ્મન ગણતા નહોતા અને તેઓ વ્યવસ્થા પરિવવર્તનમાં માનતા હતા. મુસોલીનીની મુલાકાતથી પ્રોત્સાહિત થયેલા ડૉ. મુંજે ભારત આવ્યા અને તેમણે હિન્દુઓના લશ્કરીકરણનું મિશન જોરશોરથી આરંભ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો