શુક્રવાર, 2 જાન્યુઆરી, 2015

હિન્દુત્વનો મલમ

પાટનગરમાં સમાજ કલ્યાણ ખાતાના પ્રધાનની કેબિન આગળ એક યુવાન કલાકથી ઉભો છે. એના થાકેલા ચહેરા પર આક્રોશ મિશ્રિત દુ:ખની રેખાઓ તણાયેલી છે. એના કપડાં પર ચોંટેલી ધૂળમાં લોહીનાં ટીંપા એવી રીતે ગોઠવાયા છે કે જાણે ગોરંભાયેલા આભમાં લાલ લાલ તારલાં. એના ખભે ઝૂલતા વાદળી રંગના થેલામાં દાબી દાબીને કપડાં ને કાગળીયા ભર્યા છે ને થેલો હ્રદય રોગના હૂમલાનો ભોગ બનેલા કોઈ પૈસાદાર પેશન્ટના હાર્ટની જેમ ફાટુ ફાટુ થઈ રહ્યો છે.

થોડીવારે કેબિનનો દરવાજો ખૂલે છે અને એક પટાવાળો યુવાનને અંદર દોરી જાય છે. સામેની દિવાલે ડો. બાબાસાહેબ આંબેડકરનું દસ બાય પાંચ ફુટનું વિશાળ તૈલચિત્ર લટકી રહ્યું છે. યુવાન બે ઘડી બાબાસાહેબ સામે જોઈ રહ્યો છે. "બાબાસાહેબ ગુસ્સામાં હોય એવું કેમ લાગે છે મને" એ મનોમન પોતની જાતને સવાલ પૂછે છે.

બાજુમાં એક વિશાળ ટેબલ પાછળ મંત્રીશ્રી બેઠા છે. એમના ગોળમટોળ, કાળા ડિબાંગ ચહેરા પર ગોલ્ડન ફ્રેમના ચશ્મા પરાણે ગોઠવાયેલા છે. ચશ્માથી પોતે ખાસા ઇન્ટેલિજન્ટ લાગે છે એ વાતનો મંત્રીશ્રીને ખ્યાલ હોય એવું સ્પષ્ટ જણાય છે.

મંત્રીશ્રી: શું ફરિયાદ છે તારી

યુવાન: સાહેબ, હું સૌરાષ્ટ્રના ગામડાનો વતની છું. મારું નામ છે વિજય સોસા. મારા ભાઈની કારડીયાઓએ હત્યા કરી છે. પોલિસ એમની ધરપકડ કરતી નથી. ગામમાં ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે.

મંત્રીશ્રી: સમાજ કલ્યાણ અધિકારીને તારા ગામે મોકલું છું રીપોર્ટ કરવા. તને વળતર મળી જશે.

યુવાન: સાહેબ, મારે વળતર નથી જોઇતું. ગુનેગારોને સજા કરાવો. ગઇ કાલે એમણે પાછો મારા પર હૂમલો કર્યો. (વાંકા વળીને બરડો મંત્રીશ્રીને બતાવતાં) ચાર ઇંચનો ઘા કર્યો ચપ્પુ મારીને.

(મંત્રીશ્રી બેલ વગાડીને પટાવાળાને બોલાવે છે.)

પટાવાળો: બોલો સાહેબ.

મંત્રીશ્રી: (પટાવાળા તરફ હાથ લાંબો કરીને) આ વિજય સોસાને પહેલાં તો મારા ઘરે લઇ જા. સુંદર સુરુચિપૂર્ણ ભોજન જમાડ અને પછી બગોદરા ચોકડી પર આવેલા આશ્રમમાં સ્વામી આદિત્યનાથના સાનિંધ્યમાં તેને લઈ જા.

(પટાવાળો યુવાનને સાહેબના ઘરે જમાડીને પછી આશ્રમમાં લઈ જાય છે. સ્વામીજી એક રૂમમાં પલાંઠી વાળીને પદ્યાસનની મુદ્રામાં બેઠા છે. યુવાન સ્વામીજીના ચરણોમાં પડે છે.)

યુવાન: સ્વામીજી, મને બચાવો. મારી રક્ષા કરો.

સ્વામીજી: વત્સ. મારા આશ્રમમાં તારો વાળ વાંકો નહીં થાય. આ તારું "ઘર" સમજ. તું તારા ઘરમાં જ આવ્યો છે. હવે તારો શર્ટ કાઢી નાંખ.

(સ્વામીજી યુવાનની પાછળ જાય છે. મોંઢામાંથી થૂંક હથેળીમાં કાઢે છે અને હળવેથી યુવાનના બરડે પડેલા ઘા પર લગાવે છે.)

યુવાન: બહુ ઠંડક વળી, સ્વામીજી એ શું હતું


સ્વામીજી: બેટા, એ હિન્દુત્વનો મલમ હતો. તારો ઘા જલ્દી રૂઝાઈ જશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો