ગુરુવાર, 1 માર્ચ, 2012

ટીકેશ મકવાણા - સેક્યુલર ગુજરાતની સાચી પહેચાન


टीकेश मकवाणाना अवसानने पांच वर्ष थया. 2002ना नंरसंहार वखते जे केटलाक लोकोए दलितोनी वच्चे सेक्युलारिझमनी ज्योत पकडवानुं साहस कर्युं हतुं तेमांना एक एटले टीकेश मकवाणा. टीकेशनुं युवान वये अकाळ अवसान थयुं हतुं. गुजरातना अग्रणी दलित साहित्यकारोमांना एक एवा टीकेशना लेखोनुं संपादन प्रकाशित करवानुं मित्रोए नक्की कर्युं अने संपादननुं काम मने सोंप्युं हतुं. अत्रे ए संपादन 'पथ्थर तो तबियत से उछालो यारो'नी मारी प्रस्तावना 'टीकेश मकवाणा: पथ्थर ज्यारे पाळियो बने' अने टीकेशनो यादगार लेख 'हाय रे टीकला हाय हाय' रजु कर्यो छे.

...................................................





टीकेश मकवाणा: पथ्थर ज्यारे पाळियो बने


"એ જન્મ્યો ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ નહોતી.
ન તો એની માતાએ સ્વપ્નમાં કોઈ ઐરાવત જોયો.
'બાળક પ્રખર વિદ્ધાન, બત્રીસલક્ષણો થશે',
કમભાગ્યે જોષીઓ એવું કહી શક્યા નહીં." ..............
કારણ કે...
એ રાજપુરમાં જન્મ્યો હતો. એને વતનની મીટ્ટી સાથે મહોબ્બત હતી. એણે  એની કલમ પોતાના દલિત-બાંધવોની વેદનાને સમર્પિત કરી હતી. એના રૂંવે રૂંવે રાજપુરની ચાલીઓનું દલિત-જીવન ધબકતું હતું અને એટલે જ એણે આલેખ્યો રાજપુરનો વિસરાયેલો ઇતિહાસ; આંબેડકર ચળવળનો પ્રેરણાદાયી પ્રવાસ. એણે ઝીલ્યું હતું અનામતના રમખાણોમાં ગોળીએ વીંધાયેલા દલિત-શહીદોની ખાંભીઓનું મૂંગું રૂદન. એણે વેઠી હતી નાત-જાતના વાડાઓમાં વહેંચાયેલા પોતાના સમાજની બળબળતી ઇર્ષા અને દ્વેષ. એની અભિવ્યક્તિને શબ્દોના સથવારે પાંખો ફૂટી ત્યારથી એના લેખનમાં છટપટાતો રહ્યો એનો પરિવેશ.

કાશ, એને પણ મળી શક્યો હોત, સમાજ કલ્યાણખાતાના અનગિનત એવોર્ડસ પૈકીનો એકાદ ઇલકાબ. એ પણ પોંખાઈ શક્યો હોત, ભાડુતી ચંદ્રકોની ચકાચૌંધ રોશનીમાં. પરન્તુ, એણે કોઈ પ્રધાનને થાબડવા માટે એનો ખભો આપ્યો નહીં. એ  લોકનાયક હતો. સત્તા આગળ કુરનીસ બજાવતા નાલાયકોની પંગતમાં બેસવાનો એણે નન્નો ભણ્યો હતો.

એ શબ્દ-સ્વામી હતો. પ્રબુદ્ધ દલિત-ચેતનાનું જીવંત પ્રતીક હતો. અસ્તિત્વને હચમચાવતી શતસહસ્ત્ર વિટંબણાઓ, દ્વિધાઓ, બળતરાઓને કોરાણે મૂકીને સમાજના પ્રશ્નો વિષે અવિરત લખતો રહ્યો. પ્રશ્નોના પ્રોજેક્ટસ બનાવીને ફોરીન ફન્ડના વહેતી ગંગામાં મન મૂકીને પરિપ્લાવિત થવાનું એણે દિવાસ્વપ્નમાં પણ વિચાર્યુ નહીં. દલિત સમસ્યાઓને રોકડ રકમમાં ફેરવવાનો ઇલમ અજમાવીને એક્ટીવીસ્ટનું છોગું ઘારણ કરવાની ધખના એણે હૈયે ધરી નહીં. એકલપંડે, ટાંચા સાધનો-સંસાધનો વડે, મુઠ્ઠીભર સાથીદારોની આંખમાં આંબેડકરી સ્વપ્ન આંજીને વૈચારિક પરિવર્તનની સળગતી મશાલ લઇને ચાલવાની નિયતિ એણે સભાનપણે સ્વીકારી હતી.

રાજકારણની આંટીઘૂંટીઓ એને હસ્તકમલાવત્ હતી; પરંતુ, એ રાજકીય પક્ષોનો ખાંધિયો નહોતો. એ માત્ર ને માત્ર પોતાના સમાજને વફાદાર હતો. પ્રસ્થાપિત રાજકીય પક્ષોની ગદ્દા્રી, ઉપેક્ષા, બદમાશી સામે એ સતત લડતો રહ્યો, કોઇપણ જાતના બખ્તર વિના, છત્ર વિના. અને એના માટે મસમોટી કિંમત ચૂકવવા પણ તૈયાર હતો. એ સાચા અર્થમાં મેદાનનો માણસ હતો.

"પળે પળે ચામડી બચાવીને ચાલો, બધી દિશાઓ સુરક્ષિત કરીને જીવો; નિરાંતે, સલામતપણે જિંદગી આખી નોકરી-વ્યવસાયમાં રચ્યા-પચ્યા રહો; વાડી-વજીફામાં બેસુમાર બઢોતરી કરો; પંદર-વીસ લાખનો દલ્લો ઓશિકા નીચે મૂકીને ચેનથી ઉંઘો; અને વન-પ્રવેશની વેળાએ, નિવૃત્તિ વયે 'સમાજ સેવા' કરવા નીકળો; બે મગરમચ્છ જેવા પક્ષોમાંથી કોઈ પણ એક પક્ષમાં જોડાઈ જાવ.'' લિતોના ભ્રષ્ટ, કેરિયરિસ્ટ, લોલુપ અને લુચ્ચા અગ્રવર્ગની છેલ્લા સાઠ વર્ષની આ રામ-કહાણી રહી છે. પરંતુ, આ ગ્રંથના પાને પાને જેની પારદર્શક પ્રતિબદ્ધતાનો વાચકોને પરિચય સાંપડે છે, એ ઇન્સાન આ જૂઠડી જમાતથી બેશક ઉફરો હતો, મુઠ્ઠી ઉંચરો હતો.

એ ગાઝીપુરના ’ભગત’નો દીકરો હતો. ફકીર જેવા ઓલિયા પિતાની આંખનું રતન હતો. પ્રેમાળ પિતાની આસ્તિકતાના સંસ્કાર ઠુકરાવીને દુનિયાની નજરમાં ’નઠારા’ નાસ્તિક થવાનું સાહસ એ ખેડી શક્યો. સદીઓથી દલિત સમાજને ટકાવનારી ભક્તિ-પરંપરા એણે ગળથૂથીમાં પીધી હતી; અને છતાં, વર્તમાનમાં એ જ પરંપરાને દલિત સમાજના ગળે ઘંટીનું પાડિયું બનીને રંઝાડનારી બનેલી જોઇને એણે લખ્યુ. થોડાક કટાક્ષમાં, પણ વેધક રીતે: "બાપા, તમે નરકમાં જ જજો હોં!’ ગુજરાતી સાહિત્ય અકાદમીના ’શબ્દસૃષ્ટિ’માં પ્રકાશિત ગુજરાતી ભાષાની મોંઘરી જણસ જેવો લેખ એક આસ્તિક બાપને નાસ્તિક દીકરાએ આપેલી અમર શ્રદ્ધાંજલિ બની ગયો.

માત્ર બે દાયકના ટૂંકા ગાળામાં અચરજ પમાડે એવા વૈવિધ્યથી સભર લખાણો એણે પ્રસવ્યા. દલિત-આકાશમાં ઝબકારો કરી ગયેલો એ જાજવલ્યમાન ધૂમકેતુ હતો. જો એ જન્મે ત્રિવેદી, શાહ કે પટેલ હોત, તો કોઈપણ અખબારનો ચહેતો પત્રકાર બની શક્યો હોત. મુખ્ય ધારાના માધ્યમોમાં બેસવાની અદમ્ય અભિપ્સા એના હૈયે હતી. પરન્તુ, એનો કોઈ પોતીકો સ્વજન ક્યાંય કોઈ અખબારની ડાળે કેલિકૂજન કરતો નહોતો. જાત છૂપાવીને કે અટક બદલીને, ચહેરો છૂપાવીને કે સ્વભાવ બદલીને ’પ્રસ્થાપિત’ થવાનો પ્રપંચ એને આવડ્યો નહીં. આપણે એનો અફસોસ નહીં કરીએ. જેમના માટે એની લેખિની સર્જાઈ હતી, એ લોક માટે લખવાની પૂરતી મોકળાશ અને હળવાશ એને સાંપડ્યો હતા. એક યોદ્ધાની જેમ એણે કલમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો.

એનુ ગદ્ય એની સશક્ત ભૂજાઓ જેવું બળકટ હતું. એનો તર્ક તીરના ફણાં જેવી એની તીક્ષ્ણ આંખો સમાન હતો. એના લખાણમાં ભારોભાર સર્જનાત્મકતા હતી. અનામત વિરોધી રમખાણોમાં ખપી ગયેલા દલિતની વિધવાની રૂબરૂ મુલાકાત બાદ એ લખે છે. "૨૪ વર્ષ પહેલાનાં સંભારણા તાજા કરતી વખતે તેમની આંખો ઉભરાઈ ગઈ. પતિના મરણની ઘટનાનું બયાન કરતાં કરતાં એમનો સ્વર તૂટતો ગયો, તરડાતો ગયો. અમેના રૂંવે રૂંવે પતિ પથરાઈ ગયા.’

એની પાસે અનોખી ઇતિહાસદ્રષ્ટિ હતી. લખવા ખાતર લખનારી, એવાર્ડ માટે લખનારી જમાતનો એ જણ નહોતો. એના સંશોધન પાછળ એક સ્પષ્ટ સંદેશ હતો. એટલે જ એ લખે છે, "રાજપુરની આંબેડકરી ચળવળનો ભવ્ય ઇતિહાસ કેમ વર્તમાન બની શકતો નથી, તેના કારણો શોધવાની જરૂર છે. દુ:ખની વાત તો એ છે કે આંબેડકરી ચળવળનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું રાજપુર આજે ઠંડુગાર છે અને દલિત પ્રજા હિન્દુત્વના ચાળે ચડી કેસરિયા સાફા પહેરી તેમના જેવી જ પીડિત પ્રજા મુસ્લિમો સામે મારવા મરવા મેદાને પડી છે. જો આંબેડકરી ચળવળ કે બોદ્ધ ચળવળ આગળ વધી હોત તો રાજપુરના રંગઢંગ જુદા હોત. આંબેડકરનો ક્રાંતિરથ રાજપુરમાં અટકી ગયો છે, તે વરવી વાસ્તવિક્તાની નોંધ લેવી ઘટે." રાજપુરની આંબેડકરી ચળવળનો ઇતિહાસ’ નામના લેખકની મોટાભાગની સામગ્રી ટીકેશે ડૉ. પી.જી. જ્યોતિકરના ગ્રંથમાંથી લીધી છે, પરન્તુ એનું વિશ્લેષણ ‘હિન્દુવાદી' બનેલા ડૉ. પી. જી. જ્યોતિકરના વિશ્લેષણ કરતા સામા છેડાનું છે એ વાતની નોંધ લેવી ઘટે.

ટીકેશ સંગઠનના માણસ હતા. દલિત યૂથ સર્કલના પોતે સ્થાપક-સભ્ય, પરન્તુ સંસ્થાના કોઈ પણ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસતા નહોતા. આજના વકતૃત્વ-પ્રેમી નેતૃત્વમાં આવો ગુણ કવચિત્ જ જોવા મળે છે. ૧૯૮૫માં ગાંધીનગરમાં રોસ્ટર-તરફી રેલીમાં સ્ટેજ પર એટલા બધા નેતાઓ બિરાજ્યા હતા કે સ્ટેજ તૂટી ગયું હતું. ચાર માણસ એકઠા થઇને કોઈ સંગઠન રચે તો ચારેયને કન્વીનર થવાના લાળા થાય. નેપથ્યમાં રહીને કામ કરવાની ખાસિયત ટીકેશમાં હતી.

’બિનસાંપ્રદાયિકતા’ એક અદભૂત શબ્દ છે. એનો વિરોધ કરનારા કે એનો ઝંડો લઇને ફરનારા બંને પ્રકારના લોકો માટે તે ટંકશાળ સમાન બની ગયો. ટીકેશના નસીબમાં બિનસાંપ્રદાયિકતાની ભડભડતી આગમાં બળવાનું જ લખાયેલું હતું. સેટેલાઇટ ને નવરંગપુરામાં બેસીને સેક્યુલારિઝમની વાતો કરવી સહેલી છે. રાજપુરમાં દલિતોની વચ્ચે બેસીને બિનસાંપ્રદાયિકતાનો ’બ’ ઉચ્ચારવો એ તલવારની ધાર પર ચાલવા બરોબર છે. ટીકેશે આ કામ બખૂબી કર્યું, ભલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એની નોંધ ના લીધી કે ફ્રાંસ સરકારે કોઈ એવાર્ડ ના આપ્યો. ટીકેશ મકવાણાના કાર્યો તિસ્તા સેતલવાડ કે ફાધર સેડ્રીક પ્રકાશના જેટલા જ મૂલ્યવાન છે.

"ભગતના ઘરે જ પથરો કેમ પાક્યો?" લેખમાં ટીકેશ લખે છે, "બાલ્ઝાક કહેતા, 'એવા બદમાશોથી હમેંશા ચેતીને રહેજો, જેનો ભગવાન ઉપર આકાશમાં રહે છે'. માણસોની વચમાં રહીને કોઇના હ્રદયમાં ક્યાંક ’ભગવાન’ મળી જાય એની સતત તલાશમાં છું. સંવેદના અને સહ્રદયતાનો આ નાનો નાતો મારી નાળમાં જોડાયેલો છે. માનવીય અસ્મિતાની શોધમાં નીકળનારને તો ક્યારેક પથરા ખાવા પડે અને કોઈ પથરો ગણીને તુચ્છકારી કાઢે તોય તેની અવગણના કરવી નહીં તેવું સમયે મને શીખવ્યું છે."

આ સંપાદકીય અને સંપાદન બંન્નેના શીર્ષકો અહીંથી જડ્યા છે. ટીકેશને અને આપણને સૌને પ્રિય એવા દુષ્યંતકુમારના એક અત્યંત જાણીતા શેરનો પણ શીર્ષકમાં ઉપયોગ કર્યો છે:
  
"કોન કહેતા  હૈ આસમાં મેં સુરાગ હો નહીં સકતા,
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો"

તબિયતથી આકાશમાં ઉછળી ગયેલા ને 'આકાશમાં તડ પાડી ગયેલા અવાજ' જેવા ટીકેશ મકવાણાના કેટલાક લેખોના વાંચનથી આપણી કાળમીંઢ ખડક જેવી નિંભરતા ભાંગીને ભૂક્કો થઈ જાય એટલી પ્રાર્થના સહ વિરમું છું.

તા.૨૮/૦૧/૨૦૦૭                             રાજુ સોલંકી
ટીકેશ મકવાણા સ્મૃતિ દિન 

                                                        
 ................................................

हाय रे टीकला हाय हाय!

૨૫મી માર્ચ, ૨૦૦૨ની એ બળબળતી બપોરે રાજપુર વિસ્તારની અસંખ્ય બહેનો પ્રતાપનગરનાં મારા નિવાસસ્થાને કીડીયારાની જેમ ઉમટી પડી. અધ્ધર હાથે અને મરશીયાના તાલે ઠેકડા ભરી ભરીને મારા નામનાં છાજીયા લેવા માંડી: હાય રે ટીકલા હાય હાય! હાય, ટીકલા તારું નખ્ખોદ જાય! હાય રે ટીકલા તારું ધનોત-પનોત થાય!! બેફામ છજિયા કુટવાની સાથોસાથ કાનનાં કીડા ખરી પડે તથા અહીં લખી ના શકાય તેવી બીભત્સ ગાળોનો ધોધમાર વરસાદ વરસાવી દીધો. અમારા વિસ્તારની આ બહેનો મારા નામનાં રોદણાં રોતી હતી: ટીકલો દલિતોનો ગદ્ધાર છે, સમાજનો ગદ્ધાર છે.... દેશનો ગદ્ધાર છે.... દેશદ્રોહી છે.... ટીકલો મિંયાના પેટનો છે... ને મિંયાના ઘર ભરે છે.... મીંયાને છાવરે છે.... વગેરે વગેરે.

પ્રતાપનગરનાં બે-પાંચ સમજુ અને સહિષ્ણુ રહીશો જેવા કે પ્રવીણભાઈ (બચુભાઈ), પ્રવીણ આસોડીયા, વિનુભાઈ સોલંકી, કમળાભાભી, રેવાભાભીએ રમણે ચઢેલી આ બહેનોને સમજાવી-પટાવીને અહીંથી રવાના કરવા માંડી. દરમિયાનમાં પોલિસની મદદ આવી પહોંચી અને બહેનો ટપોટપ વિખરાઈ ગઇ.

એકાદ કલાક પછી ફરી આ જ વિસ્તારની અન્ય બહેનો એટલા જ જુસ્સા અને ગુસ્સામાં અહીં આવી પહોંચી અને બળતામાં ઘી હોમ્યું. સમજાવટથી તેમને ફરી વિખેરી નાંખી. એ સમય પૂરતી મારે મનોમન હાર કબૂલવી પડી. મારા સાથી કિશનભાઇની જેમ હું અડગ અને મક્કમ રહ્યો. મેં કોઇનીય માફી ના માંગી. મેં કોઈ ભૂલ કરી જ નહોતી કે મારે પસ્તાવો પણ કરવો પડે. અલબત્ત, મારૂં મન આક્રંદી ઉઠ્યું હતું. મને સમજાયું કે મારી આંબેડકરી, ઉદ્દામ વિચારાધારાના સર્વ વિરોધીઓને મોકળું મેદાન મળ્યું હતું. મને સમજાયું કે મારા વિચારશત્રુઓ ચાર ચાસણી ચઢી ગયા છે. મારી સામે કાવતરૂં કરવામાં તેઓ કારગત નીવડ્યા. મારૂં મન બળતું હતું, પણ અંદરથી એ વાતથી શાતા વળી કે મારા આંબેડકરી અને માનવતાવાદી વિચારોની સચ્ચાઈ અને દાહક્તાએ આ વિચારશત્રુઓને મારા કરતાં અનેકગણા અંદરથી અને બહારથી દઝાડયા હતા. આંબડકરી સચ્ચાઇનો એમના હૈયે ડામ દેવાયો હતો.

વિચારશત્રુઓનો એક માત્ર દુશ્મન ટીકેશ નહોતો. આ જ વિસ્તારના ઉદ્દામ વિચારો ધરાવતા અન્ય કાર્યકારોને પણ નિમિત્ત બનાવાયા હતા; જેમાં સામ્યવાદી પક્ષ સાથે સંકળાયેલા કૉમરેડ આનંદ પરમાર, આર.પી.આઈ.ના વિચારે રંગાયેલા રમેશ સંડેસરા, દલિત સેના સાથે જોતરાયેલા મહેશ પરમાર તથા અન્ય જાગૃતજનોને પણ લપેટમાં લેવાયા હતા. આ સૌમાં સૌથી કફોડી હાલત ’દલિત યુથ સર્કલ’ના પ્રાણસમા કિશનભાઈ પરમારની થઈ હતી. જે ’દલિત યુથ સર્કલ’નું કાર્યાલય પણ છે તે કિશનભાઈનાં ઘર ઉપર છાજીયા અને મરસિયા ઉપરાંત સશસ્ત્ર હુમલાઓ પણ થયા છે અને ’હાય કિશનીયા હાય હાય’ના ભદ્દા નારાઓએ ધોળા દિવસે નર્યો અંધકાર ફેલાવી દીધો હતો. આ વિસ્તારના અપક્ષ કાઉન્સીલર ડાહ્યાભાઈ વીરાભાઈને ધક્કે ચઢાવી એમના પણ છાજીયા લીધા હતા, મરસિયા ગાયા હતા.

ગોધરાકાંડ પછી અમારી એવી તે શી ભૂમિકા હતી કે આ વિસ્તારના મુઠ્ઠીભર મચ્છારોએ હાથીઓ સામે બાથ ભીડી? ન્યાય, સમતા અને સહિષ્ણુતાની રચનાત્મક વાતો લઈ ચાલનારાઓ કેમ આ બદમાશોને આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા? સમાજના કડવા અને વાસ્તવિક પ્રશ્નો સામે માથું મૂકનારાઓનું જ માથું વાઢવાનો પ્રયાસ કેમ થયો? કુતરાઓને એકાએક કેમ હડકવા ઉપડ્યો?

ઘટનાઓના સહેજ મૂળમાં જવાથી જ સમજાય કે સત્યનો પક્ષ લેનાર સોક્રેટીસને તો ઝેર જ પીવું પડે કે પ્રેમ અને સહિષ્ણુતાની વાત કરનાર ઇસુને તો વધ:સ્થંભ પર જ ચઢવું પડે. આંબેડકરી વિચારાધારાને લઈને ચાલનારાઓને એક જર્મન કહેવતનું સત્ય આભડી ગયું  કે જો તમે સાચું બોલવાના હોવ તો એક પલાણેલો ઘોડો તૈયાર રાખજો; નાસી જવા માટે! અને સાચે જ, આંબેડકર વિરોધી કસાઇઓએ સત્યના બકરાઓનો ભોગ લીધો હતો.

પાંચ વર્ષ અગાઉ, ૧૯૯૭ના જુલાઈ માસમાં મુંબઈની રમાબાઈ કૉલોનીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને કોઈ હિટલરપુત્રએ ખાસડાંનો હાર પહેરાવી અપમાનિત કર્યા. એના પગલે અહીં અમદાવાદમાં ફાટી નીકળેલી હિંસા અને જુવાળના પરિપાકરૂપે રાજપુર પોસ્ટ ઑફિસના આંગણે ’દલિત યુથ સર્કલ’નો પ્રસવ થયો હતો. હજારો ’પાટીયા સંસ્થાઓ’ની સરખામણીમાં ’દલિત યુથ સર્કલ’ની એક આગવી ઓળખ અને પહેચાન ઉભી થવા લાગી. સંસ્થાનું ક્લેવર વિશેષત: ડૉ. બી. આર. આંબેડકરની ન્યાયિક વિચારાધારાથી ઘડાવા લાગ્યુ. ઉદ્દામ, વૈજ્ઞાનિક અને માનવીય વિચારસણીને અહીં માન અને સ્થાન મળ્યું. અહીંના યુવાનોમાં એનું ઊડું સીંચન થવા લાગ્યું. ડૉ. આંબેડકરના જ શબ્દોમાં કહીએ તો ગુલામોને ગુલામીનો અહેસાસ થવા લાગ્યો અને યુવાનોના મનમાં સદીઓ જુની અમાનવીય, જંગલી સમાજવ્યવસ્થા સામે રોષ અને વિદ્રોહ ભભૂકી ઉઠ્યો. યુવાનોની મુઠ્ઠી ભીડાવા માંડી અને બાહુ તંગ થવા લાગ્યા.

કોઇએ સાચું જ કહ્યું છે કે સૌ પ્રથમ યુદ્ધ તો માનવીનાં હદ્દયમાં થાય છે. વિચારરૂપે! વિચારવાનું કામ એ સૌથી કપરામાં કપરૂં કામ છે, યુવાનો હવે વિચારવા અને સમજવા લાગ્યા હતા કે જો સમાજમાં જાગૃતિ નહીં આવે તો અમારી આવતી કાલનો સુરજ કાળે જ ઉગવાનો છે. યુવાનો પામવા લાગ્યા કે હિટલર અને હેડગેવારની નાલાયક ઔલાદોએ ચારેકોર અને ચોપાસથી દલિત સમાજને સખત ભીંસમાં લીધો છે. લાંબી લડતના અંતે મળેલ બંધારણીય અને મૂળભૂત અધિકારના સ્વરૂપે મળેલી વ્યવસ્થાને યેનકેનપ્રકારે લૂલી અને પાંગળી બનાવી દેવામાં આવી છે. છેલ્લા ૧૮થી ૨૦ વર્ષથી સરકારી ભરતી લગભગ બંધ છે. મિલોને મોટાં તાળાં લગાવી દેવાયા છે. રોજગારી અને વ્યવસાયની તમામ તકો છીનવી લેવામાં આવી છે. ભય, સુખ, આંતક અને અત્યાચારના ઓળા નીચે સમાજ શ્વસી રહ્યો છે. ડૉ. કેશવ બળીરામ હેડગેવાર અને એમ. એસ. ગોલવાલકરની ઔલાદોએ અત્યંત ચૂપકીદી અને સુવ્યવસ્થિત રીતે દલિત સમાજને ખોદવાનું અને તોડવાનું ષડયંત્ર ગોઠવ્યું છે. દલિત હરગીજ હિન્દુ ના હોવા છતાંય એને હિંદુમાં ખપાવી એના ખભે બંદુક ધરી દીધી છે. હિંદુત્વના તમામ બદઇરાદાઓ બર લાવવા માટે સ્વંય દલિતોને જ હોળીના નાળીયેર તરીકે તૈયાર કર્યા છે... આ વાતો હવે દલિત યુથ સર્કલ’માં આવતો કોઈ પણ યુવાન સમજવા લાગ્યો હતો. સવાયા હિંદુ બનેલા દલિતો અર્થાત્ હિટલર અને હેડગેવારના ચમચાઓને આ વાત આંખમાં કણાની જેમ ખૂંચતી હતી, ખટકતી હતી કે દલિત સમાજમાં એમનો શેકાતો રોટલો બંધ થતો હતો.

સમાજને સ્પર્શતા જુદા-જુદા મુદ્દાઓ લઇને જાગૃતિ અભિયાનના સ્વરૂપે ’દલિત યુથ સર્કલે’ દલિતોની સોસાયટીઓ, વસાહતો, ચાલીઓ, મહોલ્લાઓ, વાસ, ફુટપાથ, ઝૂંપડપટ્ટી અને આંગણામાં ઢુંકવા માડ્યું. અંગ્રેજી કહેવત, ’પસાએ પહાડ જોડે જવું જોઇએ. પહાડ પસલા જોડે નહીં આવે’ સાર્થક કરવા માંડી. સંસ્થાને મોટી બનાવવી હોય તો નાનામાં નાના માણસ પાસે જવું તેવી અમારી નેમ હતી. છેલ્લી ચુંટણીઓમાં સંસ્થાએ ’મતદાર જાગૃતિ અભિયાન’ ચલાવ્યું, જેમાં આખા વિસ્તારમાં અને વિસ્તાર બહાર અસંખ્ય સભાઓ, ગ્રુપ મીટીંગ તથા ચર્ચા સભાઓ યોજવામાં આવી. માત્ર રાજકારણને આશરે પેટીયું રળતા કે પછી માલતુજાર થયેલા તથા પોતાના અંગત સ્વાર્થ અને હિતોની વાત કરતા રાજકીય ખાંધિયાઓને ’દલિત યુથ સર્કલે’ નાગા કર્યા. બે બદામના બની બેઠેલા નેતાઓના સંસ્થાએ કાન પકડેલા એને તેમને ઉભી પૂંછડીએ નાસતા કરી દીધેલા. કાઉન્સીલરો અને મીનીસ્ટરો સુદ્ધાંને પણ એમની ઔકાત બતાવી દીધો. દલિત સમાજને ગેરમાર્ગે દોરતા કોઇપણ બદમાશને ઉંધાચત્તા કરી દીધો. ગાલે થપ્પડ ખાઇને બધાય સમસમી ગયા પરતું સંસ્થા સામે જાહેરમાં (કે ખાનગીમાં) આંગળી ચીંધવાનીય હીંમત ગુમાવી બેઠા.

છેલ્લા પાંચ વર્ષમાં ’દલિત યુથ સર્કલ’ના વિચારનો અને પ્રવૃત્તિનો વ્યાપ વધતો ગયો. પરિણામે, આ વિસ્તારમાં ખભો ઉંચો કરીને ચાલતા રાજકીય ખાંધિયાઓ મૂછે તાવ દઇને ફરતા લુખ્ખાઓની કિંમત બે કોડીની થઈ ગઈ. આંબેડકરના ચીંધેલા માપદંડ અને રસ્તાઓ ધમરોળી દલિત સમાજનું ધનોતપનોત કરનારા આ નાલાયાકો અત્યંત વામણા ભાસવા લાગ્યા. એમની ગાજરની પિપૂડી વાગતી બંધ થઈ ગઈ.

ગોધરાના બનાવ પછી સમગ્ર ગુજરાતમાં અને વિશેષત: અમદાવાદમાં સખત કોમી તનાવ ઉભો થઈ ગયો. અત્યંત આયોજનબદ્ધ રીતે દલિતોના હાથમાં હથિયાર પકડાવી દેવામાં આવ્યા અને મુસલમાનો સામે તેમને લડતા- બાખડતા કરી દીધા. આખાય અમદાવાદની તાસીર અને તસ્વીર જોતાં એ સ્પષ્ટ થવા લાગ્યું કે, ’સવર્ણ ગણાતા વિસ્તારો- ગોમતીપુર ગામ, સરસપુર, બાપુનગર, ખાડીયા આ બધો તમાશો જોતા રહ્યા અને માત્ર ને માત્ર દલિતો લડતા રહ્યા, મરતા રહ્યા, રહેંસાતા રહ્યા. હિન્દુત્વનો ઝંડો ડંડો લઇને ફરનારાઓ માટે આ ખૂબ મોટો અવસર હતો. તેમણે આ તક બરાબરની ઝીલી હતી. અને દલિતોને દારૂ પીવડાવીને મુસ્લિમો સામે ધરી દીધા હતા. લૂંટ, આગ, હિંસા, ઝનૂન અને કોમી વૈમનસ્યએ બિહામણું અટ્ટહાસ્ય કર્યું.

કોમી તોફાનો થોડાં શાંત થતાં એક જાણીતા સંસ્થાએ દલિત યૂથ સર્કલ સમક્ષ અનાજ વગેરેની મદદ માટે એક પ્રસ્તાવ મૂક્યો. એ સંસ્થાની શરત હતી કે કોમી તોફાનો દરમિયાન જેના ઘરબાર સળગાવાયા છે તથા જેઓ બેઘર કે બેહાલ બન્યા છે તે સૌ કોઇને માનવતા ઘોરણે ન્યાયિક અને યથાશક્તિ મદદ કરવી. રાજપુરના તેમના સર્વેક્ષણમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે અહીં ભારતીય મુસલમાનોને અત્યંત નુકશાન થયું છે તેથી તેઓ માત્ર મુસલમાનોને જ મદદ આપવા તૈયાર થાય. અમે તેમને સમજાવ્યા કે મુસલમાનો નુકશાન થયું છે, સાથોસાથ દલિતોને પણ એટલા જ પ્રમાણમાં પ્રચ્છન્ન નુકશાન થયેલ છે. મિલો બંધ થવાથી રાજપુરની આર્થિક કમર તૂટી ગઈ છે. અહીં લોકો શાકભાજી, ગલ્લા કે રેંકડી પર ઘર ચલાવે છે. કોઈ કાગળ વીણે છે તો કોઈ કારખાનામાં કે કડીયા કામે જાય છે. કોઈ અગરબત્તી વીણે છે તો કોઈ દવાનાં ખોખા બનાવે છે. કોઈ છૂટક મજૂરી કરે છે તો કોઈ ખાનગીમાં ટેભાં તોડે છે. તોફાનોના લીધે સૌ કોઇના ધંધા-વ્યવસાય છીનવાઇ ગયા છે અને સૌ બેહાલ અને બેકાર થઈ ગયા છે. એ સંસ્થાના પ્રતિનિધિઓને અમારી વાત ગળે ઉતરી. તેમણે આપેલા અનાજ મુસ્લિમોને બારોબાર તેમની રાહત છાવણીમાં પહોંચાડયું. અનાજનો બીજો જથ્થો આવતાં તે અનાજ માત્ર દલિતોમાં જ વહેચ્યું. આ ઘટનાની રાજકીય ગીધડાંઓ નોંધ લીધી અને એમન પેટમાં તેલ રેડાયું.

આ તોફાનો દરમિયાન જ ઝોનના ડી.સી.પી.આર.જે સવાણીની દરમિયાનગીરીથી શાંતિ અને એખલાસ માટેની એક સભા દલિત યુથ સર્કલ માધ્યમથી ભરવામાં આવી, જેમાં સત્ય અને તથ્ય રજુ કરવામાં આવ્યાં. આ સભામાં રાજપુરના સ્થાનિક જાગૃત દલિતોને સંબોધવામાં આવ્યા. મારા સહિત કિશનભાઈએ પણ એમાં ન્યાયિક રજુઆત કરી અને તોફાનોથી માત્ર દલિતોન જ નુકશાન થાય છે તેવી વાત સમજાવી.
રાજકીય કાગડાઓ દલિત યુથ સર્કલને બદનામ કરવાની એક તક શોધતા  હતા, જે અહીં મળી ગઈ. તેમણે રાતોરાત ખાનગી સભાઓ ઠેર ઠેર ભરી અને સંસ્થાના વિરોધમાં લોકોને પાનો ચઢાવ્યો કે, દલિત યુથ સર્કલ કોમવાદી સંસ્થા છે, દલિતોના દુશ્મન મુસલમાનોના ઘર ભરે છે, મુસલમાનોને અનાજ ખવડાવે છે અને તેમને લડાઈ માટે તગડા કરે છે. સંસ્થા ઉચ્ચ પોલિસ અધિકારીઓ સાથે ભળી ગઈ છે મુસલમાનો સાથે મળી ગઈ છે અને તોફાન કરનારાઓના નામ-ઠામ આપી દે છે...વગેર વગેરે. આંખ મીંચીને ચાલનારા લોકો એમના ગેરમાર્ગ દોરવાઈ ગયા અને ગેરસમજની ગર્તામાં ઉતરી પડ્યા. તેમણે એવું ના વિચાર્યું કે જે સંસ્થા દલિતોની જ છે અને દલિતો માટે પ્રતિબદ્ધ છે તે સંસ્થા દલિતવિરોધી કેવી રીતે હોઈ જ શકે?

આ સંજોગોમાં તોફાનનો બીજો દોર શરૂ થયો. અપક્ષ કાઉન્સીલરો ડાહ્યાભાઇ વીરાભાઈ તથા ઇતબાલ શેખના સંયુક્ત પ્રયાસથી રાજપુર પોસ્ટ ઑફિસ, શકરા ઘાંચીની ચાલી, જેઠીબાઇની ચાલી, તુલસીનગર વગેરે તદ્દન શાંત અને નિષ્ક્રિય રહ્યા હતા. ત્યાં તકસાધુઓએ કોમી આગ ભડકાવી અને આ વિસ્તારને લપેટમાં લીધો. આ તોફોનોમાં ભોગ બનેલા મુસ્લિમોએ પોલીસ સ્ટેશન તથા રુબરું મજીસ્ટ્રેટ સમક્ષ એમના નામજોગ ગુનો નોંધાવ્યો અને તોફાનો કરાવનારા શકમંદોના નામો આપ્યા.

મુસ્લિમો તરફથી ઊચ્ચ સ્થાનોએ લેખિત ફરિયાદ થતાં શકમંદ ઇસમોની પોલીસ ઘરપકડ શરુ કરી. ગુજરાતીમાંય જેને પોતાનું સાચું નામ-સરનામું લખતાં આવડતું નથી કે ભારતનું સાચું નામ-સરનામું લખતાં આવડતું નથી કે ભારતનુ સાચું બંધારણી નામ પણ જાણતો નથી એવા ભાજપના એક બોઘા ભૂતપૂર્વ કાઉન્સીલરની પણ અનેક અપરાધીઓ સાથે ઘરપકડ કરાઈ. પોતાના જ સ્વાર્થ પાછળ અંધ બની ગયેલા સમાજશત્રુઓ તથા રાજકીય શિયાળવા એક મંચ હેઠળ ખાનગીમાં ભેગા મળ્યા અને દલિત યુથ સર્કલ’ વિરુદ્ધ લોકોને ભડકાવી દીધા.

પ્રતાપનગરમાં તથા અન્યત્ર મારા વિરુદ્ધ આ અરસામાં આ મુદ્દાઓ જોડીને બીજી વધારાની ભડકામણી શરુ થઈ. કોમી તોફાનોમાં પ્રતાપનગરના સામેની તમામ મુસ્લિમ દુકાનો લૂંટી લીધી હતી. તોફાન શાંત થયા પછીના ચાર-પાંચ દિવસો પછી એ બળી-સળગી ગયેલ દુકાનોના મેં એવા ઉમદા આશયથી ફોટા પાડેલા કે આપણી ભાવિ પેઢી એ જોઈ શકે અને એનો વિનાશ જોઇને કઈં માનવીય બોધપાઠ લઈ શકે. મારા ફોટા પાડવાની આ ઘટનાને પ્રતાપનગરના જ બે-ચાર નામર્દોએ જ્યાં-ત્યાં વિકૃત રજુઆતો કરી કે ટીકલાએ કોઇના દુકાન સળગાવતા, દુકાન લૂંટતા, પથ્થરો ભાંગતા કે પેટ્રોલ બોંબ ફેંકતા ફોટાઓ પાડ્યા છે અને તે પોલીસમાં આપવાના છે. મારી જ વિરુદ્ધમાં આ કાયરોએ અન્ય મનઘડંત વાતો તથા મુદ્દાઓ જોડીને ગોબેલ્સ પદ્ધતિથી ભયંકર અપપ્રચાર શરુ કર્યો. લોકોને મારા વિરુદ્ધ  ભડકાવી દીધા. સામ્યવાદી પક્ષમાંથી વાનરગુલાંટ મારીને વિશ્વ હિન્દુ પરિષદની મલાઈ ખાવા જોડાયેલા એક ભાઇએ તો મારી હાજરીમાં જ મારી વિરુદ્ધ ભયંકર આક્ષેપો કર્યા કે ટીકલો સોસાયટીનો ગદ્ધાર છે, સમાજનો ગદ્ધાર છે અને દેશનો ગદ્ધાર છે. ન્યાયના પક્ષે છું તેવું જાણી-સમજીને મારી સાથે રહેલ મારા સાથીદારો વિનુભાઈ સોલંકી (સોસાયટીના ચેરમેન) તથા પ્રવીણ આસોડીયાને પણ એમણે ના છોડ્યા અને લુખ્ખો બડબડાટ કર્યો કે આ બંને જણા પણ મારી ગાંડમાં પેઠા છે, વગેરે... આવા બકવાસથી મારા વિરુદ્ધનું વાતાવરણ ઓર ભડકી ઉઠ્યું અને તેના પરિણામે તદ્દન અંધારામાં અને અજાણતા મારા જ ભાઈ-બહેનોએ મારા વિરુદ્ધ છાજીયા લીધા.

આજે લોકો સમજતા થાય છે કે સામ્યવાદી પક્ષની ઉદ્દામ વિચારસરણી પચાવી ન શકનાર તત્વો સમાજ  મિત્ર છે કે શત્રુ? અડધો ચાવેલો ખોરાક પેટમાં જ ચૂંક આણે છે. જેઓના મગજના સ્થાને મૂત્રપિંડ હોય એનો ન્યાય દલિત સમાજ કઈ રીતે કરશે?

આવા ખંધા લોકોની દલિત સમાજમાં ખોટ નથી. પરન્તુ કોઇએ સાચું જ કહ્યું છે કે તમે થોડા માણસોને બધા સમય માટે મૂર્ખ બનાવી શકશો, બધા માણસોએ થોડા સમય માટે મૂર્ખ બનાવી નહીં શકો. હવે લોકો આ વાત જાણી-સમજી ગયા છે. લોકોને હવે સત્ય સમજાઈ ગયું છે, અને સત્ય પરખાઈ પણ ગયું છે.

આંબેડકરી વિચારસરણી તથા ઉદ્દામ વિચારાધારાને વરેલાઓ માટે ખૂબ મોટો ધડો લેવા જેવો છે. માર્ટીન નીમોલરની કવિતાની જેમ અન્ય પર આતંક અને અત્યાચાર થતો હોય ત્યારે ચુપ રહીશું તો આપણો વારો આવશે ત્યારે આપણા માટે બોલનાર કોઈ બચ્યું નહીં હોય.

અંગ્રેજીમાં કહેવત છે કે,જ્યાં મૂર્ખાઓ રાજ કરે છે, ત્યાં દેવદૂતો ધસી જતા નથી. હિટલર અને ગોલવેલકરના નિર્લજ્જ વંશજો ખુલ્લેઆમ દલિત, શોષિતો પ્રજાને ભોળવે છે, છેતરે છે અને રાજ કરે છે. કોઈ નાગો, અહીં ભૂખ્યો નથી. વિનાશ અને વૈમનસ્યની અહીં બોલબાલા છે. આ સંજોગોમાં સત્યને ક્યાં સુધી ગુંગળાવા દઇશું? સત્યને ક્યાં લગી પીંખાવા દઇશું? સત્ય માટે શહીદી વહોરવી તો અત્યંત ગૌરવની વાત છે. આપણે પણ અસ્મિતાની લડાઈ શરુ કરી છે અને જંગ ખેલ્યો છે. આપણે હારીને હઠી જવાનું નથી. આવનારા આનાથી અતિશય કાતિલ સમય માટે તૈયારી કરવાની છે. અને ’ગની’ દહીંવાલાના શેરમાંથી સંદેશ લેવાનો છે:

’કહો દુશ્મનને હું દરિયા જેમ પાછો આવીશ જરુર,
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.’        



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો