બુધવાર, 28 માર્ચ, 2012

બાબરી સે શબરી: વાયા ગોધરા


બાવીસમી ફેબ્રુઆરી, 2006 ગુરુવારે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા બે મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા. એમના નામ હતા બંસી મચાર અને છગન મેણા. બંને આદિવાસી. અમદાવાદની આ દુર્ઘટનાના ૨૪ કલાક પછી વડોદરાની હનુમાન ટેકરી ખાતે હિન્દુત્વની ભેખડ નીચે નવ જણા ચગદાઈ મર્યા. એમાં પણ બે આદિવાસી હતા. શૈલેષ તડવી અને સુરેશ વસાવા.


શ્યામલ ચાર રસ્તા પર મરી ગયેલા આદિવાસી માતા શબરીના સંતાન હતા. શબરી બિચારી સ્વર્ગમાં બેઠી બેઠી કલ્પાંત કરતી હશે. બેસ્ટ બેકરી કેસમાં જન્મટીપની સજા પામેલા આદિવાસીઓ પણ શબરીના સંતાન હતા. કોઈ પણ સાચા હિન્દુને એમના માટે લાગણી થવી જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદે ગોધરા-કાંડ પછીના હુલ્લડોમાં હિન્દુત્વની રક્ષા માટે ખપી જનારા દલિત-આદિવાસીઓના પ્રત્યેક કુટુંબને રૂ. ૫૦ લાખ આપવા જોઈએ. હનુમાન ટેકરીની મુલાકાતે ગયેલા એક હિન્દુ બાવાએ જેનો પિતા જેલમાં છે એવા બાળકને રૂ.૫૦૦૦નો ચેક આપ્યો. શું આ શબરી માતાની મશ્કરી નથી? ગુજરાતની પાંચ કરોડ જનતાનું અપમાન નથી? મુખ્યપ્રધાન નેરન્દ્ર મોદીએ જાતે રૂ. ૫૦ લાખના ચેક લઈને હનુમાન ટેકરી જવું જોઈતું હતું. તમે કહશો, નરેન્દ્રભાઈ આટલા પૈસા ક્યાંથી લાવે? મોદી એમને મળેલી ભેટોની હરાજી કરાવીને તોષાખાનામાં જમા કરાવે છે. તેઓ તેમના કપડાની હરાજી કરાવી શકે છે. પછી તેઓ નિર્વસ્ત્ર ફરશે....! આ દેશમાં નાગા બાવાઓ પણ પૂજાય છે. અમે નરેન્દ્ર મોદીની પૂજા કરીશું.

ઇચ્છાધારી નાગની વાર્તા વિષે સાંભળ્યું છે? ચડ્ડીધારી નાગ વિષે સાંભળ્યું છે? એ જેને ડસે તેને હિન્દુત્વુનું ઝેર ચડે. દલિત-અદિવાસી જેવા નબળા મનના લોકોને તો આ ઝેર જલ્દી ચડે છે. આ ચડ્ડીધારી નાગ આમ તો ભાજપ નામના દરમાં રહે છે. પણ જરૂર પડયે એ કોંગ્રેસમાં પ્રગટ થાય છે, કમ્યુનિસ્ટોમાં પણ એમના કામણ પાથરે છે અને આપણી ઘણી એનજીઓમાં પણ બેઠા છે. આ કાળોતરા ચડ્ડીધારી નાગ. એ વેપારી મહામંડળમાં પણ છે. ને ગુજરાતી સાહિત્યમાં પરિષદમાં પણ છે. ૧૯૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના મુંબઈ અધિવેશનમાં રજિસ્ટ્રેશન ટાણે દરેક ડેલીગેટને ભગવા રંગના બગલથેલા ભેટ અપાયા હતા.

આજે દેશમાં ખાનગીકરણનો પવન ફૂંકાયો છે. અસંગઠિત ઉદ્યોગની બોલબાલા છે. ઈંટના ભઠ્ઠા, પાવર લુમ......... યાદી કેટલી લાંબી છે? છેલ્લે એક નવો ઉદ્યોગ ઉમેરાયો છે. હિન્દુત્વનો ઉદ્યોગ. દરેક ઉદ્યોગની જેમ આ ઉદ્યોગમાં પણ દલિતો-આદિવાસીઓનું ભયંકર શોષણ થાય છે. એમની કામગીરી તો જુઓ. કોઈ શીફ્ટ નહી. ચોવીસ કલાક, બારે મહિના હિન્દુત્વની ફેક્ટરી ધમધમતી રાખવા સંતોષીમા, દશામા, શબરી માતા બધાની પૂજા કરવાની. આસારામ, સચ્ચિદાનંદ, શ્રી શ્રી રવિશંકર, મુરારી બધાની કથાઓમાં ભક્તિભાવપૂર્વક જવાનું. મહોલ્લાઓના નાકે ગણેશચતુર્થીના દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદે મફતમાં આપેલી વીસ-પચીસ ફુટની સિદ્ધિ વિનાયક પ્રતિમા આગળ દિવસ-રાત આરતી ઉતારવાની ને નવરાશના સમયમાં દારૂ પીને, તલવારો લઈને મુસલમાનો સામે લડવાનું. કોઈ મોંઘવારી ભથ્થુ નહીં, ટી. એ. ડી. એ. નહીં. ટ્રેનોમાં મફત જવાનું કારસેવક બનીને. પાછા ફરતા રસ્તામાં સળગી મરવાનું ને હિન્દુત્વના તબીબ ડૉક્ટર તોગડિયાને દેહદાન કરવાનું. બી.જે. મેડીકલ કૉલજમાં તમે દેહદાન કરો તો, છોકરા-છોકરીઓ વાઢકાપ કરીને શરીર રચનાનું જ્ઞાન મેળવશે. ડૉ. તોગડિયાને તમે દેહદાન કરશો તો, તમારી લાશને કેસરી કફનમાં વીંટાળીને ટ્રક ઉપર ચડાવીને ‘જય શ્રી રામ'ના ગગનભેદી સૂત્રો સાથે અમદાવાદની સડકો પર ફેરવશે.

બાબરી સે શબરી:વાયા ગોધરા વિષય પર અમદાવાદના મહેંદી નવાઝ જંગ હૉલમાં આપેલા વક્તવ્યના અંશો. તા.૨૮.૨.૨૦૦૬ 

1 ટિપ્પણી:

  1. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો