બુધવાર, 7 માર્ચ, 2012

गांधीनगरनो गप्पीदास, वांझीयो विकास अने दलितो



આજકાલ એક નવલકથા પર કામ કરી રહ્યો છું. વ્હાઇટ એલીફન્ટ એન્ડ અધર સ્ટોરીઝ ફ્રોમ ગુજરાત. આ ઓક્સફર્ડનો કોઈ પ્રોજેક્ટ નથી. એટલે વરસમાં પૂરો થશે જ એવું હું કહી ના શકું. પણ મને હાથીમાં રસ છે. એ બહુજન સમાજ પાર્ટીનું ચૂંટણી પ્રતીક છે એટલા પૂરતું નહીં. હાથી અંગે ઘણી કલ્પનાઓ નાનપણથી ચિત્તમાં જડાયેલી છે. નાનપણમાં આબાદ ડેરીનો ખટારો અમારા મહોલ્લા પાસેથી પસાર થાય ત્યારે અમે બોલતા, હાથી આવ્યો, હાથી આવ્યો. કશુંક કદાવર હોય, તોતીંગ હોય એને હાથી કહેવાય એવી અમારી સમજ હતી. પછી સરકાર, લોકશાહી, યોજનાઓ, અમલદારો, બધા વિષે જાણકારી વધતી ગઈ તેમ તેમ હાથી પાળવો એટલે શું એ અમને સમજાતું ગયું.

છ કરોડ ગુજરાતીઓએ એક હાથી પાળ્યો છે. દસ વર્ષથી. આ હાથી માઇન્ડબ્લોઇંગ (મગજ બહેર મારી જાય તેવી?) વાતો કરે છે. આગામી એક જ વર્ષમાં ગુજરાત દેશને વીજળી પૂરી પાડશે. ગુજરાત અમેરિકા સાથે સ્પર્ધા કરશે. વગેરે વગેરે. કોંગ્રેસના રાજમાં એસસી, એસટી, ઓબીસી, બક્ષી પંચ, અનામતો, ગરીબી, આવા ગંદા ગંદા શબ્દો સાંભળી સાંભળીને કંટાળી ગયેલી ગુજરાતની ડાયનેમિક, વાઇબ્રન્ટ સવર્ણ પ્રજાને હાથીની વાતોમાં એવી તો મજા પડી ગઈ છે કે વાત જ ના પૂછો.

હમણાં હાથી ઉપવાસ પર બેઠો. (હસવું આવે છે, નહીં?) હાથી અને ઉપવાસ. પણ આ હાથી હવે ગાંધીવાદી થયો છે. ગાંધીજીની જેમ હાથીની પણ પબ્લિક લાઇફ છે. હોય દરેક હાથીની હોય. આ દેશમાં માત્ર પબ્લિકની જ લાઇફ નથી.

ખેર, હાથીએ એના પગ નીચે કચડાઈ ગયેલા ક્ષુલ્લક જીવોની યાદમાં (એના દાવા પ્રમાણે) 36 સદભાવના ઉપવાસ કર્યા, ગુજરાતના 70-75 ટકા કુટુંબોમાંથી દરેક કુટુંબના ઓછામાં ઓછા એક સભ્યએ આ ઉપવાસોમાં ભાગ લીધો, એટલે કે 18,000 ગામોમાંથી 50 લાખ કરતા વધારે લોકોએ ભાગ લીધો. 15 લાખ લોકો સાથે હાથીએ હાથ મીલાવ્યા (કે સૂંઢ મીલાવી). આખી દુનિયાની પબ્લિક લાઇફમાં આ એક રેકોર્ડ છે, એવો એનો દાવો છે. 1.5 લાખ મહિલાઓ સહિત 4.5 લાખ લોકોએ હાથીની સાથે ઉપવાસ કર્યા. (ગુજરાતમાં 75 લાખ લોકો ચરબીથી પીડાય છે, એ જોતા આ આંકડો હજુ પણ ઓછો છે.) 40,000 તિથિભોજન થયા, જેમાં 42 લાખ ગરીબ બાળકો તૃપ્ત થયા. (સૂંઢની જગ્યાએ દાઢી રાખતા એક બાવાએ એકાદ વરસ પહેલાં અમદાવાદમાં આવો જ અન્નકુટ યોજ્યો હતો, એનો રેકોર્ડ તૂટ્યો કે નહીં એની ખબર નથી).

ગુજરાત અને ગરીબી? આવો પ્રશ્ન તો ક્યારેય પૂછશો નહીં. ગપ્પીદાસની વેબસાઇટ (નમોલીગ ડોટ કોમ) શું કહે છે, વાંચો, "There are different groups of such people and each group requires a special way to deal with. Going to the root of the problems they face, his empathetic heart came out with the steps like issue of roaming ration cards, roaming school cards, insurance cover for 3 lac handicapped, insurance cover for 12.5 million school children, special housing colony for the snake charmers, betterment of the kite preparing community and several other awe-inspiring ideas. The fact that Gujarat ranks first in the country in the implementation of 20 point programme for poverty abolition for the last four years in a row, speaks a lot beyond ranks and numbers. As per the estimate of the Planning Commission of India, Gujarat will remain at the top in achieving the targets of poverty abolition. In fact, the government has already provided Housing to 46,263 below poverty line families at the cost of Rs. 13672.94 lacs.''

આ લાંબોલચક ફકરો ધ્યાનથી વાંચો. ગપ્પીદાસના હ્રદય માટે કેવા સરસ મજાના શબ્દો વાપર્યા છે. હીઝ એમ્પેથેટિક હાર્ટ. કરુણાસભર હ્રદય. ગોઇંગ ટુ ધી રૂટ ઑફ ધી પ્રોબ્લેમ્સ, "પ્રશ્નોના મૂળમાં જઇને" એણે કેવા પગલાં ભર્યા છે? રોમિંગ રેશન કાર્ડ, રોમિંગ સ્કુલ કાર્ડ, ત્રણ લાખ હેન્ડિકેપ્ડ માટે વીમા યોજના, સવા કરોડ બાળકો માટે વીમો, મદારીઓ માટે ખાસ આવાસયોજના, પતંગ બનાવતા સમુદાયના ભલા માટે યોજના. ....

વાદળી રંગના કેટલા રોમિંગ રેશન કાર્ડ સરકારે ઇશ્યૂ કર્યા? શ્રમ વિભાગે 2010માં અમારી એક આરટીઆઈના જવાબમાં કબુલ્યું કે તેમણે સ્થળાંતર કરેલા મજુરોનો કે તેમના બાળકોનો કોઈ સરવે છેલ્લા દસ વર્ષમાં કર્યો નથી. સરકાર પાસે આના કોઈ આંકડા નથી. અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘે હમણાં ગયા ઓક્ટોબર મહિનામાં  વિદ્યા સહાયકોની નિમણૂંકોમાં નેત્રહીનોને કાયદા અનુસાર ક્વોટા ફાળવવા માટે મોટું આંદોલન કર્યું. પતંગ બનાવતા સમુદાય માટે ગપ્પીદાસે કઈ યોજના કરી? પતંગોત્સવ? હા, રીવર ફ્રન્ટ પર પતંગોનું માર્કેટિંગ કર્યુ. પરંતુ એના માટે (રીવર ફ્રન્ટ યોજનાના) રૂ. 2500 કરોડ તમને વધારે પડતા નથી?

ગપ્પીદાસના દાવા પ્રમાણે, 46463 બીપીએલ કુટુંબો માટે રૂ. 3,672.94 લાખ રૂપિયાના ખર્ચે આવાસો બન્યા. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડની આજે જ રીટ્રાઇવ કરેલી વેબસાઇટ પ્રમાણે, બોર્ડે અત્યાર સુધીમાં નબળા વર્ગો  (ઇકોનોમિકલી વીકર સેક્શન્સ – ઇડબ્લ્યુએસ) માટે 49,083 ઘરો બનાવ્યા. આમાંના નેવુ ટકા ઘરો અમદાવાદ (94,480), રાજકોટ (6585), જામનગર (2328), વડોદરા (7493), ભરૂચ (1446), સુરત (2851), ભાવનગર (7973), આ સાત નગરોમાં બન્યા. જ્યાં સૌથી વધારે જરૂર છે, તેવા ડાંગ, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, નવસારીમાં એક પણ ઘર બન્યું નથી. આદિવાસીઓના ગળામાં કેસરી પટ્ટા ભેરવનારાઓ આ આંકડાઓ એમના મગજમાં ભેરવે. બીજા આદિવાસી જિલ્લાઓ નર્મદા (24), વલસાડ (72), બનાસકાંઠા (110)માં બનેલા ઘરોની સંખ્યા સાવ મામૂલી છે. પાટણ (385), આણંદ (236), પોરબંદર (157), સુરેન્દ્રનગર (836), મહેસાણા (590), ખેડા (1042), જુનાગઢ (90), ગાંધીનગર (769), કચ્છ-ભૂજ (264). ગપ્પીદાસને ગામડાઓ ગમતા નથી. આમાં દલિતો માટે કેટલા ઘરો બન્યા હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.

પુરુષોત્તમ રુપાલાના વિસ્તાર અમરેલીના રાજુલા તાલુકાના કોટડી ગામે દલિતોને દસ-દસ વર્ષ ગામતળના પ્લોટ માટે લડવું પડ્યું. છેક, 1990માં પ્લોટો ફાળવાયેલા, પરંતુ માપણી જ થતી નહોતી. વહીવટીતંત્રમાં બેઠેલા અને રાજુલામાં સેવા આપી ચૂકેલા અમારા એક સવર્ણ સાહિત્યકાર મિત્રએ અમને જણાવેલું કે, "કલેક્ટર કચેરીમાં ખુલ્લેઆમ બોલાતું (બે શબ્દોનો પેલો જાણીતો શબ્દ ઉચ્ચારીને કહેવાતું) કે આમની જમીનની તે માપણી થતી હશે?" (કોટડીની લડત વિષે 'હંબગ શાસ્ત્ર, પુરાણ, વેદ, કાળ કોટડીના કોઠા ભેદ' લેખ http://gujaratdalitrights.blogspot.in)

દલિતોની ગરીબીનું તળિયુ શોધવાના અમે કેટલાક પ્રયાસો કર્યા. 2009માં અમદાવાદના રાજપુર-ગોમતીપુરની 20 ચાલીઓના 1052 કુટુંબોના, 4026 વિદ્યાર્થીઓનો સરવે કરતા જણાયું કે 2157 એટલે કે 54.11 ટકા દલિત વિદ્યાર્થીઓ દસમા ધોરણથી આગળ ભણી શકતા નથી. વીસ વર્ષ પહેલાં અહીંથી એક દલિત છોકરો આઇએએસ બન્યો, હવે ગ્રેજ્યુએટ પણ બનવા મુશ્કેલ છે. ('ભગવા નીચે અંધારુ' http://gujaratchildrights.blogspot.in). લઠ્ઠાકાંડમાં માર્યા ગયેલા દલિતોના કુટુંબોની હાલતના સરવેમાં જણાયું કે મોટાભાગના વીસથી પચીસ વર્ષની ઉંમરના હતા, રંગાટીકામમાં મહિને ચાર હજારનો પગાર મેળવતા હતા. ભયાનક મોંઘવારી વચ્ચે બે છેડા ભેગા કરવાની બળતરા અને વાંઝીયા વાઇબ્રન્ટ ગુજરાતને જોઇને થતા ઝુરાપાની વચ્ચે એમણે ઝેરી લઠ્ઠો પીને મોતને વહાલું કર્યું. આજે એમની વિધવા યુવાન પત્નીઓ એમને મળતા પૈસાથી અડધા પૈસામાં (માત્ર બે-અઢી હજારમાં) એ જ રંગાટીના કારખાનાઓમાં જાતિય શોષણના જોખમ વચ્ચે કાળી મજુરી કરે છે અને બાળકો ભણવાના બદલે મજુરી કરે છે. ટાટા સોશલ ઇન્સ્ટિટ્યૂટે માથે મેલુ ઉપાડતા પરિવારોનો સરકાર વતી સરવે કર્યો, સરકારે એના આંકડા સ્વીકાર્યા નહીં અને સંસ્થાને સરવેની કામગીરીના પૈસા પણ આપ્યા નહોતા. એ જાણીતી વાત છે. ઓછી જાણીતી વાત એ છે કે માથે મેલુ ઉપાડનારા કુટુંબોના પુન:સ્થાપન માટેના રૂ. 10 કરોડ ભાજપના રાજકીય એજન્ટોએ વાપરી નાંખ્યા હતા. ગાંધીનગરની વાપકોસ સંસ્થાએ આનું મૂલ્યાંકન કરવાનું કામ અમને સોંપ્યું, પરંતુ પ્રારંભિક અવલોકનમાં જેવું જણાયું કે નાણા ખરેખર માથે મેલુ ઉપાડનારા સુધી પહોંચ્યા નથી કે તૂરત જ વાપકોસે મૂલ્યાંકનનું કામ અમારી પાસેથી લઈ લીધું હતું. ઉદાહરણરૂપે કહું તો, એ વખતે અમદાવાદમાં 500 લાભાર્થીઓ (એટલેકે માથે મેલુ ઉપાડનારા) બતાવવામાં આવેલા.

કેશુભાઈ પટેલે વર્તમાન શાસનમાં પટેલો પણ ભયભીત હોવાની વાત કર્યાના બીજા જ દિવસે પટેલ સમાજ કોઈ અનામતનો ઓશિયાળો નથી, એમ કહીને નમોએ ખોડલ ધામમાં જે તર્ક રજુ કરેલો તેને જ દોહરાવ્યો. બંનેએ અનામત પ્રથા સામેનો એમનો અણગમો જાહેર કર્યો, પરંતુ પટેલોની પ્રગતિ પાછળ ઢેબરભાઈના જમીન કાયદાના પ્રદાનને ભૂલાવી દીધું. પટેલો 1947 પહેલાં માત્ર ગણોતીયા હતા, જમીનના માલીક નહોતા. ગણોત ધારાના અસરકારક અમલે તેમને જમીન અપાવી. જ્યારે, દલિતો માટે ખેતી જમીન ટોચ મર્યાદા કાયદાનો અમલ થયો નહીં. આમાં કોંગ્રેસ અને ભાજપ, બંનેના ગપ્પીદાસો એક છે. આ કાયદાના અમલ માટેની અમારી લડાઈ ચાલી રહી છે. (ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં ડો. આનંદ તેલતુંબડેનો લેખ, ફ્રોમ ધી અન્ડરબેલી ઑફ સ્વર્ણિમ ગુજરાત, જુઓ, http://dalitrightsgujarat.blogspot.in)

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામની વીસ વર્ષની દલિત કન્યાને જુલાઈ 2011માં  વીસ દિવસ સુધી અલગ અલગ ઠેકાણે (એમાં એક સ્થળ તો સરકારી આંગણવાડી) ગોંધી રાખીને સામૂહિક બળાત્કારો કરનારા અગિયાર ઇસમો સામે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તેની નીચે સહી કરે તે પહેલાં જિલ્લાની ભાજપની એક મહિલા આગેવાન તેની ગાડીમાં પોલિસ સ્ટેશને આવીને તે દલિત યુવતીને હાથ પકડીને લઈ જાય; આ તમામ હકીકતો સ્ટેશન ડાયરીમાં નોંધવામાં આવી હોય અને એફઆઈઆર ફાડી નાંખવામાં આવે; દલિત યુવતીને શહેરના નારી કેન્દ્રમાં મોકલવામાં આવે, તો ત્યાં પણ તેણે આપેલું નિવેદન જિલ્લાની ભાજપની પેલી મહિલા આગેવાન ફરી નારી કેન્દ્રમાં આવીને નિવેદન ફાડી નાંખે, નારી કેન્દ્રના સંચાલિકા જિલ્લાના પોલિસ વડાને મહિલા આગેવાન સામે લેખિત ફરિયાદ કરે; ચાર દિવસ પછી બીજા પોલિસ સ્ટેશનમાં બીજી એફઆઈઆર નોંધાવે ત્યારે અગાઉની એફઆઈઆરમાં જેમના નામ આરોપીઓમાં છે તેવા ચાર આરોપીઓના નામ કાઢી નંખાય અને આ ચારે જણા જિલ્લાના ભાજપના સરપંચો-આગેવાનો હોય; પ્રથમ એફઆઈઆર ફાડી નાંખનાર પીએસઆઈને જિલ્લાનો પોલિસ વડા સસ્પેંડ કરે તે પહેલાં તમામ આરોપીઓને એક પછી એક કોર્ટમાં રજુ કરીને જામીન પર છોડી દેવામાં આવે; કોર્ટમાં રજુ થયેલી ચાર્જશીટમાં ભાજપની પેલી મહિલા આગેવાનનું નામ સાક્ષી તરીકે હોય અને સમગ્ર ઘટના અંગે પોલિસ ખાતુ હવે એમ કહે કે આ બહુ જુની વાત છે. ગાંધીનગરના ગપ્પીદાસ આ ઘટના અંગે શું કહેવા માગે છે?

રાજકોટમાં ચૌદમી એપ્રિલે બાબાસાહેબ આંબેડકરનું પૂતળુ તોડી નંખાયાની અફવા ફેલાવવામાં આવે, ગાંડાતૂર દલિતો મુસલમાનો પર તૂટી પડે, એટલે એમના હાડકા ખોખરા કરીને જેલભેગા કરી દેવામાં આવે, સ્થળ પર આવેલી રાજકોટની પોલીસ કમિશનર ગીતા જૌહરી પાછુ પૂતળુ યથાસ્થાને ગોઠવીને મુકે, ઘટનાથી પાંચ કિલોમીટર દૂર છાત્રાલયમાં રહેતા દલિત વિદ્યાર્થીઓ પર માલવિયાનગરની પોલિસ કૂતરાની જેમ તૂટી પડે, તેમના હાથપગના હાડકા તોડી નાંખે, ઉપરથી એમના પર એફઆઈઆર કરે, છાપામાં બીજા દિવસે દલિતોની ગુંડાગીરીની વિગતોથી સમાચારો ઉભરાય, તદ્દન નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલી એફઆઈઆર ક્વોશ કરાવવા હાઇકોર્ટમાં જઇએ ત્યારે જજસાહેબ કહે કે, ગુંડાગીરી કરો છો અને હાઇકોર્ટમાં આવો છો. અફસોસ સાથે કહેવું પડે છે કે, ભાજપે દલિતોને ક્યાંયના નથી રાખ્યા.

ગુજરાતમાં ભાજપે સત્તા મેળવવા માટે, કોંગ્રેસનો કિલ્લો તોડવા માટે દલિતોનો ઉંટીયા તરીકે આબાદ ઇસ્તેમાલ કર્યો. ગોધરાકાંડ પછી આ વ્યૂહરચનાએ નગ્ન તાંડવ જ કર્યું. કોમવાદના ગોળ પર પડેલા દલિત મંકોડાઓને વીણી વીણીને પકડીને જેલભેગા કરવામાં આવ્યા. (વધુ વિગતો માટે જુઓ, બ્લડ અન્ડર સેફ્રન, http://bloodundersaffron.blogspot.in) ભાજપને ટેકો આપવાની દલિતોએ ભયાનક કિંમત ચૂકવી છે. છેલ્લા વીસ વર્ષમાં મુસ્લિમ બહુમતી વચ્ચે ઘેરાયેલા દલિતોના પચીસ મહોલ્લાઓ આજે ખાલી થઈ ગયા. મુસ્લિમ નેતાગીરીએ પણ આ મામલામાં દેવાળુ ફુંક્યુ. આજે ભાજપ ગૌરવથી કહે છે, ગુજરાતમાંથી જાતિવાદ અને કોમવાદનો અમે નાશ કર્યો. (વાંચો, દલિતો અને મુસ્લિમોની નેતાગીરીનો નાશ કર્યો).    

રાજુ સોલંકી

બ્લોગ:

http://gujaratchildrights.blogspot.in (બાળ અધિકાર)  
http://gujaratsecular.blogspot.in સેક્યુલર ગુજરાત) 
http://gujaratdalitrights.blogspot.in (દલિત અધિકાર)
http://bamanvad.blogspot.in (બામણવાદની બારાખડી)
http://rajusolankidalitworld.blogspot.in (રાજુ સોલંકી)
http://dalitworldrajusolanki.blogspot.in/ (દલિત વિશ્વ)

(તા. 5 માર્ચ, 2012, ઇન્સાફ કી ડગર પર કાર્યક્રમ હેઠળ ગુજરાતનો કહેવાતો વિકાસ, સરકારી દાવાઓ, લોક આંદોલન અને પાયાની વાસ્તવિકતાઓ વિષય પર યોજાએલા સેમીનારમાં રજુ કરેલું વક્તવ્ય)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો